શ્રીબાલકૃષ્ણ પ્રભુનો બારમો જન્મજયંતિ મહોત્સવ
અનાદિશ્રીકૃષ્ણનારાયણે હેમશાલાયન આદિ ઋષિઓને આ ઉર્વશી-લક્ષ્મીની રક્ષા કરી તે કહ્યું. તે સાંભળી સર્વ ઋષિ આશ્ચર્ય પામ્યા પછી ઋષિએ કહ્યું, હે પ્રભુ આ દેશમાં સર્વસ્થાનમાં ફરીને તેને તીર્થરૂપ બનાવો. પછી અનાદિશ્રીકૃષ્ણનારાયણ અગસ્ત્ય મુનિને સાથે લઇ વિમાનમાં બેસી સર્વ નદીઓમાં સરોવરો સમુદ્રમાં સ્નાન કરી તીર્થરૂપ કરી સર્વ પર્વતોને, પૃથ્વીને, તીર્થરૂપ કરી ઉષ્ટ્રાલય દેશના રાજા દક્ષજવંગરની પ્રાર્થનાથી શ્રીહરિએ ત્યાં મહાવિષ્ણુયાગ કર્યો. સર્વને મંત્રો આપ્યા. તેમાં રાજાએ પ્રભુને રાજી કરવા સર્વને ભોજન કરાવી દાન આપ્યા. પછી શ્રીહરિ ત્યાંથી ઉષ્ણાદતાંગરા નગરીમાં પધારી ત્યાંના રાજાની પ્રાર્થનાથી શ્રીહરિએ ત્યાં અગસ્ત્ય મુનિ પાસે મંદિર કરાવી શરદપૂર્ણિમાએ લક્ષ્મીનારાયણ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી. પછી રાજાએ પ્રજા સાથે શ્રીહરિને કહ્યું, હે પ્રભુ અમને અશ્વપટ સરોવર કુંકુમવાપી ક્ષેત્રના દર્શન કરાવો. શ્રીહરિ કહે : તથાસ્તું. એમ કહીને શ્રીહરિએ સેંકડો વિમાનો તૈયાર કરાવી. દશ હજાર નર-નારીઓ ભક્તજનોને વિમાનમાં બેસાડી કુંકુમવાપી લોમશ આશ્રમ આવ્યા.
આસો સુદ ત્રીજને દિવસે અનાદિશ્રીકૃષ્ણનારાયણે ઉષ્ટ્રાલય દેશના સર્વજનોનું સ્વાગત કરી ભોજન પાન કરાવ્યા. પછી અનાદિશ્રીકૃષ્ણનારાયણના બારમાં જન્મજયંતિ મહોત્સવ આસો વદ આઠમે સર્વભક્તોએ સુવર્ણના વસ્ત્ર-અલંકારો, હીરા-મોતીના પુષ્પોહાર, ધારણ કરાવીને ષોડ્શોપચારથી પૂજા કરી. પછી દુજ રાજાએ એક હજાર એક વાટ્યોથી આરતી ઉતારી અનેક ભેટો આપી. પોતાની સો કન્યાઓ પ્રભુને અર્પણ કરી તથા પ્રજાની એક હજાર કન્યાઓ અર્પણ કરી. પછી શ્રીહરિએ સર્વે ભક્તોને ભોજનપાન કરાવીને તેના દેશમાં મોકલ્યા. આ અધ્યાયની કથા જે કહેશે સાંભળશે તે સર્વ સિદ્ધિને પ્રાપ્ત કરી મોક્ષ પ્રાપ્ત કરશે.