રાયમારીષ રાજાના ઋદ્ધીશાનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
શ્રીકૃષ્ણ કહે : રાધા, રાયમારીષ રાજા દાનવ ઋષિ સાથે આવી શ્રીહરિને પોતાના રાજ્યમાં ઋદ્ધીશાનગરીમાં પધારવાનું કહ્યું. પ્રભુ લોમશ ઋષિ શીવ-પાર્વતીને સાથે લઇ વિમાનમાં બેસી આલીસ્મર દ્વિપમાં આવ્યા. રાજા-પ્રજાએ પુષ્પહાર પહેરાવી સ્વાગત કર્યું. રાજાએ રાજમહેલમાં પધરાવી, પૂજા કરી, સોનું ચાંદી, રત્નો, ત્રણ કન્યાનું દાન કર્યું. પછી પ્રભુએ ઉપદેશ આપ્યો, સંસારમાં મારો યોગ મહાપુણ્યવાળાને થાય છે. તમારી ભાવનાથી હું અહીં આવ્યો છું. મને અર્પણ કરેલું સર્વ દિવ્ય થાય છે. તે નિર્ગુણ થઇ મોક્ષ આપનારું થાય છે. તેથી માયિક આશાનો ત્યાગ કરી આત્મશાંતિમાં રહેનારો મોક્ષ મેળવે છે. અન્યાયથી, કામના ભોગથી મહાદુ:ખ થાય છે. યોગીજનો કદાચ આકાશનો પાર પામે પણ આશાઓનો પાર કોઇ પામી શકતું નથી. સાઠ હજાર વર્ષ ગૌતમ ઋષિએ તપ કર્યુ. ત્યારે ધર્મરાજાએ પૂછ્યું, તપ શા માટે કરો છો ?
ગૌતમ ઋષિ કહે : પુણ્યલોકને પામી શાંતિ મેળવવા. ધર્મરાજા કહે, પુણ્યશાળી પુણ્યવિનાના તૃષ્ણાવાળા, વાસના ઈચ્છાવાળા સર્વે આ લોકમાં સમાન છે. તેથી તૃષ્ણા- આશાનો ત્યાગ કરી શાશ્વત પરમધામની સુખ-શાંતિ પ્રાપ્ત કરવા આત્માનું તત્ત્વ બ્રહ્મની આશા કરવી અથવા જેની સર્વ ઈચ્છાઓમાં સાક્ષાત નારાયણ રહે તો શાશ્વત શાંતિ પામે. બ્રહ્મને જાણનારા સંતો શાશ્વત શાંતિ ભોગવે છે. ધર્મરાજાના વચનો સાંભળી ગૌતમ ઋષિ તપનો ત્યાગ કરી પ્રભુની ભક્તિ કરવા લાગ્યા. શ્રીહરિ કહે, તેથી રાજાએ પ્રજાએ નરનારીઓએ મારી પૂજા, ભક્તિ કથા, યજ્ઞ, સેવા કરી મને પ્રસન્ન કરી પરમપદને પ્રાપ્ત કરી પરમશાંતિ મેળવવી. મહાશાંતિ મારા ધામમાં મારી મૂતિર્માં રહેલી છે. એમ કહીને રાજા-પ્રજાને મંત્ર આપ્યા. “કાલમાયાપાપકર્મશત્રુયામ્યકૃહદ્ભયાત્, શુલમીનધ્વજધનુષ્યચક્રસ્વસ્તિકવાન્ અવ, અનાદિશ્રીકૃષ્ણનારાયણ: સ્વામિ પતિશ્ચમે, શ્રીકૃષ્ણવલ્લ્ભ સ્વામી શ્રીહરિ: શરણં મમ” પછી રાજાએ શ્રીહરિને ભોજન કરાવી પૂજા કરી ભેટ આપી. પછી પ્રભુ વિમાનમાં બેસી દ્વિપમાં ફરી સાંજે યજ્ઞમંડપમાં આવી સંધ્યા કરી, ભોજન કરી રાત્રિ વિશ્રામ કર્યો. સવારે જાગી નિત્યવિધિ કરી યજ્ઞમંડપમાં આવી કહ્યું, મારી પૂજા ભેટમાં આવેલું આ કરોડો રૂપિયાનું દ્રવ્ય યજ્ઞમાં વાપરો. એમ કહીને સર્વ દ્રવ્ય કુબેરને આપ્યું. એ રીતે રાજા, પ્રજા, આબાલવૃદ્ધોને પ્રભુ પોતાનું દર્શન આપી સર્વેને ભક્તિ કરાવતા હતા. નિત્યતૃપ્તિવાળા, સર્વેને આનંદ આપનારા શ્રીહરિ કેવળ કૃપાથી જ સર્વ સેવાને અંગિકાર કરે છે. જે જીવાત્માઓ જેવા ભાવથી ભજે છે. જેવા ભાવથી શરણે આવે છે તે ભક્તનાં સંકલ્પ પૂર્ણ કરી સેવા આપી શ્રીહરિ તેને પ્રસન્ન રાખે છે. દશમીએ શ્રીહરિ યજ્ઞમંડપમાં આવી સુવર્ણ આસન પર બેઠા. મહર્ષિઓએ પૂજા કરી સ્વસ્તિ વાચન કરી પ્રોક્ષણ કર્યું. સર્વપ્રથમ અનાદિશ્રીકૃષ્ણનારાયણની પૂજા કરી પછી સર્વ અવતારો, દેવોનું પૂજન કરી અગ્નિમાં હવિષ્યાન્નનો હોમ કરી બલિ અર્પણ કરી મહેમાનોને ભોજન કરાવ્યા.