ભાગ · અધ્યાય ૨૩૬

બાવળનાં વૃક્ષરૂપે રહેલા બર્બુર રાજાનો બાલપ્રભુ દ્વારા મોક્ષ

શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણે ધનતેરસને દિવસે ધનલક્ષ્મી અને શ્રીની ષોડ્શોપચારથી પૂજન આરતી કરી, મિષ્ટાન્ન નૈવેદ્ય ધર્યું. લક્ષ્મી પ્રસન્ન થઇને કહે કે, તમે મારા પતિ થાવ. તમે યુવાન થયા છો. તેથી લોમશ ઋષિના આશ્રમમાં રહેલી સર્વ કન્યાઓના પતિ થાવ. પછી શ્રીહરિ બ્રહ્મપત્નીઓ સાથે અશ્વપટસરોવરમાં સ્નાન મહોત્સવ કરી કાંઠે રહેલા બાવળના વૃક્ષમાંથી એક ડાળી ખેંચી. ત્યાં વૃક્ષ મૂળમાંથી ઉખડી ગયું. તેમાંથી દિવ્ય પુરૂષ નીકળી હાથ જોડીને પ્રભુને પગે લાગ્યો. બ્રહ્મપત્નીઓએ પૂછ્યું, પ્રભુ આ કોણ છે ? પ્રભુના કહેવાથી તે પુરૂષે કહ્યું, હું પૂર્વે ગુર્જર દેશમાં બર્બુર રાજા હતો. સાબરમતી નદીકાંઠે એકવાર ફરવા ગયો. ત્યાં સાતરંગનો એક દૈવી અશ્વ જોયો. તેની પર સવારી કરી રાજ્યમાં લાવ્યો. તેને સાચવતો-ફેરવતો. એકવાર તે અશ્વ બોલ્યો, રાજા તે મારી પર અશ્વારી કરી મારો અપરાધ કર્યો છે. દેવગુરુ સાધુનું અપમાન કરવાથી આયુષ્યનો નાશ થાય છે. પરને પીડા, સ્ત્રી સંગથી, ખોટા પક્ષ રાખવાથી, માતા-પિતા, પતિ-પત્નીનું અપમાન કરવાથી આયુષ્યનો નાશ થાય છે.

હે રાજા, હું આશ્વલાયન ઋષિ છું. તને શાપ દઉં છું કે, તું બાવળના વૃક્ષના જન્મને પામા. રાજા કહે, મેં અજાણતાં તમારો અપરાધ કર્યો છે. તો ક્ષમા કરો અને મારી પર અનુગ્રહ કરો. તેથી આશ્વલાયન ઋષિ કહે, રાજા અશ્વપટ્ટ સરોવર કાંઠે કુંકુમવાપીમાં અત્યારે અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રગટ થયા છે તેથી તું ત્યાં વૃક્ષ થા અને તે પ્રભુ તારો મોક્ષ કરશે. તેથી હે ભગવાન હું દશ વર્ષ થયા અહીં બાવળના વૃક્ષના જન્મને પામ્યો હતો, આજ તમે મારો મોક્ષ કર્યો. પછી પ્રભુએ તેને “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય સ્વામીને સ્વાહા” એ મંત્ર આપી સ્વર્ગમાં મોકલ્યો. આ કથા જે કહેશે સાંભળશે તે અપરાધ શાપથી રહિત થઇ ધનવાન, મોક્ષવાન થશે.