કુંકુમવાપી તીર્થમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણના મંદિરમાં મૂર્તિપ્રતિષ્ઠા
શ્રીકૃષ્ણ કહે : રાધા, પ્રથમ બ્રહ્મચર્યાશ્રમ પછી ગૃહસ્થાશ્રમ પછી વાનપ્રસ્થ પછી સંન્યાસ ગ્રહણ કરવો. જેને તીવ્ર વૈરાગ્ય ન હોય તેણે ગૃહસ્થ આશ્રમમાં રહી ભગવાનની ભક્તિ કરવી. તીવ્ર વૈરાગ્ય વિના સાધુ, સન્યાસી, ત્યાગી, યોગી થાય તો તેનું માયાના દુર્ગુણથી પતન થાય છે. એક આશ્રમમાં રહી કર્મ કરતો, બ્રહ્મને અર્પણ કરતો રહેતો જ્ઞાન સંપન્ન થઇ પરમપદને પામે છે. પોતાના આત્મામાં પરબ્રહ્મના આનંદને ભોગવતો અહંમમતાથી રહિત થઇને જીવતા મુક્તિ-સ્થિતિ પામેલો શ્રીહરિમાં સદા લીન રહે છે. જયામઘ રાજાએ પત્નીને આવો બ્રહ્મ ઉપદેશ આપીને મુક્તા બનાવી દીધી. પછી રાજા નાનાભાઇને રાજ્ય આપી માતા-પિતાને પગે લાગી આશિર્વાદ મેળવી સાબરમતી નદી કાંઠે આશ્રમ બાંધી જપ તપ કરી સત્સંગ કરતો હતો. પછી પોતાના ભાઇ પાસે વૈષ્ણવ યજ્ઞ કરાવ્યો. તેમાં દેવો સાક્ષાત્ આવી હવિષ્યાન્ન જમતાં.
લક્ષ્મીજી આવી કહે : રાજા તારી ભક્તિથી પ્રસન્ન થઇ શ્રીહરિએ મને તારી પાસે મોકલી છે. પણ હું એકલી રહેતી નથી તેથી તું અહીં મંદિર કરાવી તેમાં નારાયણની મૂર્તિ પધરાવજે ત્યાં હું વાસ કરીશ. પછી જયામઘ રાજાએ નારાયણઘાટે મંદિર કરાવી તેમાં લક્ષ્મીનારાયણ પધરાવી, પ્રભુની ભક્તિ કરી ધામમાં ગયો. જયામઘ રાજા પોતાની પત્ની ધનાલસા સાથે લક્ષ્મીજીના કહેવાથી કુંકુમવાપી આવી અશ્વપટ સરોવરમાં સ્નાન કર્યું. ત્યાં અનાદિશ્રીકૃષ્ણનારાયણ બટુક સ્વરૂપે રાજા પાસે આવી સર્વે તીર્થના દર્શન કરાવી. અનાદિશ્રીકૃષ્ણનારાયણના ભવને મૂકી અદૃશ્ય થયા. જયામઘ રાજા બાલકૃષ્ણ પ્રભુને ગજાસને બેઠેલા જોઇ દિવ્ય દર્શન કરી. માતા કંભરાલક્ષ્મી, પિતા ગોપાલકૃષ્ણ, સંતોકબેન, ભગવાનભાઇ, શુકવલ્લભ વગેરે ભાઇઓના દર્શન કરી આનંદ પામ્યા. પછી રાજારાણીએ ચંદન, કંકુ, ચોખા, અબિલ, ગુલાલ, પુષ્પ, તુલસી, કેશરથી અનાદિશ્રીકૃષ્ણનારાયણની પૂજા કરી હાર, વસ્ત્ર, આભૂષણો ધારણ કરાવીને, નૈવેદ્ય, મિષ્ટાન્ન ધરી, મુખવાસ અર્પણ કરી, આરતી કરતા હતા. શ્રીહરિએ રાજા-રાણીનો આતિથ્ય સત્કાર કરી ભોજનપ્રસાદ આપ્યા. પછી રાજા અશ્વપટ સરોવરમાં સ્નાન કરી તેમાં રહેલા અગણિત તીર્થોની એકસો આઠ વાટયોથી આરતી ઉતારી. બીજે દિવસે બાલકૃષ્ણનું પૂજન કરી તીર્થમાં રહેલા, લોમશ ઋષિના આશ્રમમાં રહેલા સર્વે ઋષિમુનિઓ, વિપ્રોને, કન્યાઓ, અતિથિઓને ભોજન કરાવી સર્વને દાનદક્ષિણાઓ આપી.
પછી રાજા ચિંતવન કરવા લાગ્યો, અહીં પ્રભુનું મંદિર કેવું કરવું ? ત્યાં પ્રગટ પ્રભુએ પ્રત્યક્ષ બતાવ્યું. રાજાએ રાણીને બતાવ્યું, પછી જયામઘ રાજાએ અશ્વપટ સરોવરથી પશ્ચિમમાં વિશાળ ઊચું મંદિર કરાવી તેમાં શ્રીહરિની આજ્ઞા પ્રમાણે વચમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણને પધરાવ્યા. ડાબી બાજુ શ્રી, લક્ષ્મી, પાર્વતી, પ્રભા, માણિકી, રાધા આ છ પત્નીઓ પધરાવ્યા. જમણી બાજુ ગોપાલકૃષ્ણ, કંભરાલક્ષ્મી, સંતોકબેન, ભગવાનભાઇ, પોપટભાઇ, વલ્લભભાઇને પધરાવ્યા. આ તેર મૂર્તિની પ્રતિષ્ઠા લોમશ ઋષિને બોલાવી વિપ્રો પાસે કરાવી અને લોમશ ઋષિ પાસે સાંખ્યયોગની દીક્ષા લઇ જયામઘ રાજા, ધનાલસા રાણી સર્વ સમર્પણ કરી આત્મનિવેદી ભક્તિ કરી મંદિરની સર્વે સેવા જાતે કરતાં. લોમશ ઋષિ પાસે “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય પતયે સ્વાહા”એ મંત્રનો જપ કરી રાજા-રાણી અષાઢ સુદ એકાદશીએ ધ્યાનમગ્ન થઇ દેહત્યાગ કરી પ્રભુના પાર્ષદો સાથે વિમાનમાં બેસી પરમપદને પામ્યા. શ્રીકૃષ્ણ કહે : રાધા, એ રીતે રાજા રાણી ભક્તિ કરી ભગવાનના ધામમાં ગયા. વક્તા શ્રોતા પણ આ કથા સાંભળીને પરમપદને પામશે.