ભાગ · અધ્યાય ૧૧૯–૧૨૦

દેવાયતન ભગતે ધુન-કિર્તન-મંત્રના પ્રતાપથી અનેક જીવોનો ઉદ્ધાર કર્યો

આ અધ્યાય 119–120 સંયુક્ત છે

શ્રીકૃષ્ણ કહે : રાધા, સમઢીયાળાના આયર ભક્ત દેવાયતન, આખો દિવસ અને રાત્રિ હરિકૃષ્ણ બાલકૃષ્ણ હરે હરે, સ્વામિનારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણ એમ ભજન કર્યા કરે. વાડી, ખેતરે, ઘરમાં, બહાર, સર્વ ક્રિયામાં ભજન કરે તેણે એકવાર ટીંબરૂના ફળ પ્રભુને ધર્યાં. શ્રીહરિ સાક્ષાત્ આવી ફળ જમી પ્રસાદી ભક્તને આપીને નદીએ પાણી પીવા ગયા. દેવાયતન ભગત પણ મહારાજના દર્શન થવાથી દૃષ્ટિથી ઈન્દ્રિયોથી દેહથી દિવ્ય અને નિરાવરણ થઇ ગયા અને પ્રભુની પાછળ ગયા. શ્રીહરિ નદી પર્વત વનમાં થઇ આકાશ માર્ગે કુંકુમવાપી અશ્વપટ સરોવર આવ્યા. દેવાભગત પણ પ્રભુ પાછળ આવી સરોવરમાં સ્નાન કર્યું. ત્યાં દિવ્યદેહ થયો. ધૂન કરતા વિચાર કરવા લાગ્યા. શ્રીહરિના નામથી જીવનું કલ્યાણ થશે એમ ભજન કરતાં જંગલમાં ફરતા યમપુરીમાં પહોચ્યાં, ત્યાં ચારેય બાજુ ફરી પ્રગટ પ્રભુની ધૂન કરવા લાગ્યા. શ્રીહરિનું નામ સાંભળી પાપી જીવાત્માઓ પવિત્ર થઇ ધર્મરાજાને, દેવાભગતને નમસ્કાર કરી ધામમાં જવા લાગ્યા. યમદૂતોએ આશ્ચર્ય પામી યમરાજાને કહ્યું. યમરાજે દેવા ભગત પાસે આવી કહ્યું કે, પ્રભુનું નામ પાપીને પાવન કરે છે. જીવાત્મા કર્મથી જન્મે છે. કર્મથી લય પામે છે. જીવાત્મા પુણ્યકર્મથી સ્વર્ગ, પાપકર્મથી નરકના દુ:ખો ભોગવે છે. તે સર્વ શ્રીહરિએ નિર્માણ કરી મને યમપુરી સોંપી, પાપીને દંડ આપવા મને નિમ્યો છે. તે પ્રભુની આજ્ઞામાં રહીને હું પાપીઓને તેના કર્મ પ્રમાણે દંડ આપું છું. માટે હે ભક્ત, તમે અહીં આવ્યા તે યોગ્ય નથી કર્યું. ભક્ત કહે : તમે અને ચિત્રગુપ્ત પણ શ્રીહરિનું ભજન કરી પ્રભુના ધામમાં જાવ, એમ કહી ધૂન્ય કરી આખી યમપુરી ખાલી કરી. યમરાજ તરત કુંકુમવાપી આવી અનાદિશ્રીકૃષ્ણનારાયણને દંડવત્ કરી પગે પડી કહે : પ્રભુ, તમારો એક ભક્ત આવી મારી યમપુરી ખાલી કરે છે.

પ્રગટ પ્રભુ કહે : હું તો ભક્તને વશ છું. ભક્તને ક્યાંય પણ અટકાવવા બ્રહ્માદિ દેવો પણ સમર્થ નથી. માટે હે યમરાજ મારા ચૌદમાં જન્મજયંતિને દિવસે એકવાર મારા નામથી પાપીઓનો ઉદ્ધાર થવા દો. ભલે યમપૂરી ખાલી થાય અને તમારી યમપુરી તો ફરી પાપી જીવાત્માઓથી ભરાઇ જશે. પછી યમરાજ પાછા આવી દેવા ભક્તને નમસ્કાર કરી યમપુરીમાં ફેરવી સર્વ જીવોનો ઉદ્ધાર કરી સ્વર્ગમાં અને ધામમાં મોકલ્યા. જે પ્રભુનું સર્વ છે, જે પ્રભુ સર્વમાં રહ્યા છે, જે પ્રભુથી સર્વ થાય છે, જે પ્રભુને સર્વ વશ છે, એવા સર્વના શાસન કરનારા શ્રીહરિ શું ન કરી શકે.

યમરાજથી પુજાયેલા દેવાયતન ભક્ત પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, આઠેય દિશામાં જઇને ત્યાંના ઇશ્વરો તેના દાસ-દાસીઓને અનાદિશ્રીકૃષ્ણનારાયણની ધૂન્ય નામ અને મંત્ર સંભળાવતા હતા. બાલકૃષ્ણ હરે હરે, સ્વામિનારાયણ હરે હરે, કંભરા ગોપાલનંદન હરે હરે, રાધા રમાપતિ, જયા લલિતાપતિ, પ્રભા પાર્વતિપતિ હરે હરે. મુક્તપતિ, આત્મપતિ, સર્વપતિ એ ધૂન્ય કિર્તન સંભળાવતા હતા અને સર્વને મંત્ર આપતા હતા. “ૐ અનાદિશ્રીકૃષ્ણનારાયણ સ્વામિ પતિશ્ચમે, શ્રીકૃષ્ણવલ્લભ ભક્તોહં, શ્રીહરિ શરણં મમ.” એ મંત્રો આપી સર્વે દેવો-દેવીઓ, રૂદ્ર ગણોને, યક્ષો, ગાંધર્વો, ચારણો, વિદ્યાધરોને વૈષ્ણવો બનાવીને ચતુર્ભુજ, અષ્ટભુજ ધારણ કરાવી વૈકુંઠ, ગોલોક અને અક્ષરધામમાં મોકલતા હતા. જનારા સર્વ મુક્તો અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાનની જય. એમ બોલી ધામમાં જતા હતા. પછી દેવાયતન ભક્ત કુંકુમવાપી આવી અનાદિશ્રીકૃષ્ણનારાયણને દંડવત્ કરી પગે લાગ્યા. પ્રગટ થયેલા શ્રીહરિએ ભક્તને ભેટીને ભોજન, પ્રસાદ આપ્યા. હાર પહેરાવ્યા અને કાર્તિક માસમાં પંદર દિવસ પોતાની પાસે રાખીને નિજ મૂર્તિનું સુખ આપ્યું.