પ્રભુનો દિવ્ય, ભવ્ય ભોજન સમારંભ - નારદજી દ્વારા પરાવિદ્યાનો ઉપદેશ
શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણનો જનોઇવિધિ પૂર્ણ થયા પછી ગુણાતિત મુક્તો તથા બ્રહ્મ કન્યાઓ ભોજન સમયે બ્રહ્મનાદ કરતા હતા. કંભરાલક્ષ્મી ગોપાલકૃષ્ણ આવેલા સર્વ મહેમાનોને મિષ્ટ ભોજન કરાવવાની તૈયારી કરાવતા હતા. અવતારો, ઇશ્વરો, મુક્તો મુક્તાનિકાઓની પંક્તિઓ થતી હતી. સર્વે ધામોમાંથી આવેલી દિવ્ય વસ્તુઓ, બ્રહ્મપત્નીઓ પીરસતી હતી. ઘી-દહીં-દૂધપાક, મધ, સાકર, ભાત-દાળ, મિષ્ટાન્ન, મોહનથાળ, માલપુડા, મોતીયા, મગજ, સુતરફેણી, સાટા, જલેબી, ઘેબર, પુરણપોળી, બુંદી, મૈસુબ, સેવ-ગાંઠિયા, ભજીયા ચટણી, શાકભાજી, સંભારા, અથાણા વગેરે દિવ્ય મિષ્ટ રસો પીરસતા હતા અને કંઠ સુધી ભોજન કરાવતા હતા. પછી જલપાન કરાવી, મુખવાસ આપી. સૌને ઉતારે મોકલ્યા. પછી બ્રહ્મા, વિષ્ણુ, શંકર વગેરે દેવ-દેવીઓને ભોજન કરાવ્યા પછી ઋષિ- મુનિ, સાધુ, યતિ, બ્રહ્મચારી, સતિ, યોગિની વગેરેને ભોજન કરાવ્યા. પછી ચૌદલોકનાવાસી, સ્થાવર, જંગમ, સર્વેને યથાયોગ્ય ભોજન આપ્યા. અનેકવિધ ભોજનો જમી સર્વે તૃપ્તિ પામ્યા. જ્યાં સ્વયં શ્રી, લક્ષ્મી, કમલા, રમા વગેરે પીરસનારી હોય ત્યાં કઇ વસ્તુની કમી હોય. જ્યાં સ્વયં અગ્નિ રાંધનાર હોય, તૃપ્તિ પીરસનારી હોય, અક્ષરનું અમૃત ભોજન થતું હોય, ત્યાં શું કહેવાપણું હોય.
સર્વેને ભોજન કરાવી લોમશ ઋષિ, બાલકૃષ્ણ, ગોપાલકૃષ્ણ, કંભરાલક્ષ્મી કુટુંબ સાથે ભોજન કરતા હતા. બપોર પછી સર્વે દેવ-ઇશ્વરોની સભા થઇ તેમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણ ગજાસને બેઠા પાસે માતા-પિતા બેઠા. તેની પાસે રાધા-લક્ષ્મી બેઠા. હાથમાં ચામર લઇને હેમંત-ભગવાન બંને પાર્ષદો ઊભા હતા. અવતારો અવતારિણી, ઈશ્વર- ઇશ્વરાણી, દેવો-દેવી, ઋષિ-મુનિઓ, માનવો, અસુરો સર્વ સભામાં આવ્યા. ગાંધર્વો ગાયન ગાતા હતા. અપ્સરાઓ નર્તકો નૃત્ય કરતા હતા. મલ્લો, યુદ્ધ કૌશલ્ય બતાવતા હતા. સિદ્ધ, ચારણો, વિદ્યાધરો, ભાટ વગેરે અનાદિશ્રીકૃષ્ણનારાયણની પ્રશંસા કરતા હતા. નારદ સનકાદિકો કહેતા હતા કે, આવો દિવ્ય ઉત્સવ ક્યાંય થયો નથી કે થશે નહીં.
જેણે અનાદિશ્રીકૃષ્ણનારાયણ એવા આ બાલકૃષ્ણનું પૂજન કર્યું તેણે સમગ્ર જગતનું પૂજન કર્યું. જેના હાથમાં સાત ચિહ્નો છે. ચરણમાં ચોત્રીસ ચિહ્નો છે એવા બાલકૃષ્ણનું પૂજન કર્યું. તે મોક્ષનો ભાગીદાર થયો. જેણે આ પ્રભુને અંત:કરણમાં રાખ્યા તે અનાદિશ્રીકૃષ્ણનારાયણના પરમધામનો અધિકારી થયો. બાલકૃષ્ણમાં પતિવ્રતાની ભક્તિ જે કરશે તે જ્યાં શ્રીહરિવાસ કરે છે, ત્યાં જશે. શ્રીનારદ કહે : યજ્ઞ, દાન, ધર્મ, કીર્તિ, સર્વ કરવા છતાં શ્રીહરિ ન મળ્યા તો શું કર્યું ? સર્વ નિષ્ફળ. જેને શ્રીહરિ મળ્યા તેનો જય, તેનો મોક્ષ, તેને સર્વે લાભ મંગળ થયા. કરોડો તીર્થોનું ફળ શ્રીહરિ છે. તે શ્રીહરિને નિત્ય સંભારનારાનો સર્વનો મોક્ષ થાય છે. એ પ્રમાણે નારદે સભામાં અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મહિમા કહીને બાલકૃષ્ણના કંઠમાં રત્નની માળા પહેરાવી. એવા આ પરમેશ્વરના શરીરમાં બારસો ઓગણ સિત્તેર ચિહ્નો છે. સર્વે અવતારો આ બાલકૃષ્ણની મૂર્તિમાં રહે છે તથા અનંત સૃષ્ટિઓ મૂર્તિમાં રહેલી છે. એમ નારદજી તે મહાસભામાં એટલું કહીને વિરામ પામ્યા. એ રીતે પરાવિદ્યાનો ઉપદેશ આપ્યો.