જુમાસેમ્લા રાજા અને દંડરાજાની કથા
શ્રીકૃષ્ણ કહે : રાધા, વિમાન અબરિક્ત દેશ ઉપર આવ્યું. ત્યાંના દેશવાસી મ્લેચ્છ રાક્ષસો, સૂર્યસમાન તેજસ્વી વિમાન જોઇને તથા સર્વ સમૃદ્ધિ સર્વ કન્યાઓના રૂપ જોઇને રક્તવાર્ધી, તુંગાનિક, લિંગરસ વગેરે અનેક રાક્ષસો અસુર મેલી વિદ્યાવાળા આકાશમાં ફરનારા શસ્ત્રો લઇ રણમાં આવ્યા. ત્યાંના રાજા જુમાસેમ્લાએ રક્તવાર્ધી દૂત સાથે કહેડાવ્યું કે, વિમાન અને કન્યાઓ અમને આપી દો અને પુરુષો સ્વર્ગમાં ચાલ્યા જાવ. નહીં તો અમે યુદ્ધ કરી સર્વનાશ કરશું. દૂતે નારદ પાસે આવી સર્વ વાત કરી. નારદ કહે : આ સર્વે બ્રહ્માની પુત્રીઓ છે અને અમે તમે પણ બ્રહ્માના વંશના છો તેથી આ સર્વ કન્યાઓ તમારી બહેનો થાય. તથા સાથે આવેલા ધર્મ, રૂદ્ર, સનતકુમાર વગેરે પૂજ્ય છે. પૂર્વ તારા પિતાએ તપ કરી શંકરને પ્રસન્ન કરી તારા જેવો પુત્ર પ્રાપ્ત કર્યો છે. તેથી તારે સર્વે પૂજ્ય છે અને પૂર્વે પાર્વતી માતામાં મોહ પામેલા અંધકાસુર, મહિષાસુર વગેરે દૈત્યો નાશ પામ્યા છે તથા પૂર્વની કથા કહું સાંભળ.
દંડ નામે રાજાએ યજ્ઞ કર્યો. તેમાં શુક્રાચાર્ય પુરોહિત હતા. શુક્રાચાર્યને દૈત્યોએ બોલાવ્યા એટલે પાતાલમાં ગયા ત્યારે યજ્ઞમંડપમાં શુક્રાચાર્યની પુત્રી સેવા કરતી હતી. રાજાએ રજોગુણના ભાવથી તેનો હાથ પકડ્યો. અરજાએ ના કહી અને કહ્યું પિતાજી તમને અને મને બાળી ભસ્મ કરશે, પણ દંડરાજા રજોગુણના અતિ વેગથી અરજાનો ભોગ કરી ચાલ્યો ગયો. શુક્રાચાર્ય આવ્યા. પુત્રીને રૂદન કરતી જોઇ વૃતાંત જાણીને, શુક્રાચાર્યે દંડરાજાને શાપ આપ્યો કે, સાત દિવસમાં તારું રાજ્ય અને કુટુંબ ભસ્મ થશે. પછી શુક્રાચાર્યે પુત્રી અરજાને કહ્યું, તું એક માસ પર્યંત જપ, તપ કરજે. માસ પછી રજસ્વલાથી શુદ્ધ થઇ તું પવિત્ર થઇશ. તે શાપથી દંડ રાજાનું રાજ્ય કુટુંબ સાથે ભસ્મ થયું. તે દંડકારણ્ય નામે પ્રસિદ્ધ થયું.