કાલિકા તીર્થ ❖ યુગે યુગનાં ધર્મમાં પરિવર્તનનું કારણ
શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ શાવદીના કાલીમાતાને અશ્વપટ સરોવર કાંઠે વડમાં વાસ આપ્યો. તે કન્યાઓનું અને ખેતરવાડીનું રક્ષણ કરે છે. તે કાલિકાતીર્થ થયેલું છે. પછી સર્વ કન્યાઓએ ફાગણ માસમાં પયોવ્રત કર્યું. સવારમાં બાલકૃષ્ણને દૂધથી સ્નાન કરાવી પછી જલથી સ્નાન કરાવી વસ્ત્ર અલંકારો ધરાવી ભોજન કરાવતી દૂધ પીવરાવતી પછી પોતે દૂધ પીતી. રાધાએ પૂછ્યું, હે પ્રભુ ભગવાને મ્લેચ્છ કન્યાઓને કેમ ગ્રહણ કરી ? શ્રીકૃષ્ણ કહે : રાધા, પૂર્વે શંકરની પત્નીઓ અનેક તામસી દુર્ગા, કાલી, ભૈરવી વગેરે થયેલી છે. ભગવાનની પત્નીઓ તુલસી વૃંદા વગેરે દૈત્ય પત્નીઓ થયેલી છે. પ્રભુની દૃષ્ટિમાં નાતિજાતિ ઊચનીચ છે નહીં.
પૂર્વે સત્યુગમાં વંશ રાખવા કોઇપણને કન્યા અપાતી. તે ધર્મ બીજા યુગમાં ન રહ્યો. સર્વ ધર્મના પ્રવર્તક ભગવાન છે. તેમાં કામ, ક્રોધ, લોભ, વ્યભિચાર, હિંસા, ચોરી તે દોષો ભગવાનને અડતા જ નથી. જ્યાં તેજ છે, ત્યાં અંધારાને પ્રવેશ નથી. જ્યાં દિવ્યપણું છે, ત્યાં માયા નથી. જેવો સ્નેહ પુત્ર, પુત્રીમાં, સ્ત્રી પુરુષમાં, માતા-પિતામાં છે, તેવો સ્નેહ સાધુમાં કરે તો મોક્ષને મેળવે છે. શ્રીહરિના યોગથી સાધુ-સાધ્વીના દોષો ભષ્મ થઇ જાય છે. તેથી શંકા ન કરવી. શ્રીહરિના યોગથી સર્વ શુદ્ધ થાય છે. પૂર્વે ઉદાલક ઋષિ પુત્ર શ્વેતકેતુએ મર્યાદા સ્થાપન કરી. કોઇ અતિથિ બ્રાહ્મણે ઉદાલક પાસે આવી પત્નીની માગણી કરી. ઉદાલકે આપી. પુત્ર શ્વેતકેતુએ ક્રોધ કરી કહ્યું, મારી માને કેમ આપી. ઋષિ કહે : બેટા ક્રોધ ન કર આ ધર્મ સનાતન છે. પછી શ્વેતકેતુએ ધર્મમર્યાદા સ્થાપન કરી. તેથી યુગેયુગના ધર્મ બદલતા રહે છે. પૂર્વે સૌદાસ રાજાની પત્ની મધ્યંતી રાજાની આજ્ઞાથી વશિષ્ટ ગુરુ પાસે ગઇ. તેથી અશ્મક નામે પુત્ર થયો. પૂર્વે દેવગુરુ બૃહસ્પતિ તેની ભાભી ગર્ભવાળી હોવા છતાં તેની પાસે ગયાં. તેથી રજોગુણમાં પ્રવર્ત્યા. ગર્ભમાં રહેલા બાળકે બીજા ગર્ભની ના પાડી તો બૃહસ્પતિએ શાપ આપ્યો, જા તું અંધ થઇશ. તેથી દિર્ઘતમા ઋષિએ ફરી ધર્મ માટે મર્યાદા સ્થાપન કરી, આજથી આરંભીને મનુષ્યે જીવતપર્યંત એક જ સ્ત્રી પરાયણ રહેવું. ત્યારે સર્વે પુત્રોએ ભેગા થઇ અંધ પિતા દીર્ઘતમાને વહાણમાં બેસારી ગંગામાં વહાવ્યા. દિર્ઘતમા ઋષિ લક્ષ્મીનારાયણનું ભજન કરતા હતા. ત્યાં બલિરાજાએ આશરો આપી પોતાને પુત્ર ન હોવાથી પોતાની રાણી સુદેષ્ણાનો યોગ કર્યો. તેમાં પાંચ પુત્રો થયા અને દાસીમાં અગિયાર પુત્રો થયાં.
શ્રીકૃષ્ણ કહે : રાધા, પરમેશ્વર એવા અનાદિશ્રીકૃષ્ણનારાયણ પોતે આ જગતના સૃષ્ટિના પાલનકર્તા છે. પત્નીરૂપે પોતે જ છે અને પતિરૂપે પણ પોતે જ છે. તેથી પરમેશ્વરને કોઇ ક્રિયા બાધ કરી શકતી નથી. ધર્મના સ્થાપક પ્રભુ પોતે જ છે. આ અધ્યાયની કથા જે વાંચશે, સાંભળશે તેને પૂર્વના ધર્મ તત્ત્વનું જ્ઞાન થશે, અને સંશયો સર્વે લય પામશે, અને પુણ્યનો ભાગીદાર થશે.