અશ્વપટ સરોવરકાંઠે ચતુર્વ્યુહ તીર્થ અને સ્વંયપ્રકાશ તીર્થ
શ્રીકૃષ્ણ કહે : રાધા, ચતુર્વ્યુહ અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન કરવા સૂક્ષ્મરૂપ ધારણ કરી બ્રહ્માંડમાં આવ્યા. ત્યાંથી નાનું રૂપ લઇ સત્યલોકમાં આવ્યા, એથી નાનું સ્વરૂપ ધારણ કરી સ્વર્ગમાં થઇ માનવરૂપે પૃથ્વી પર આવી અશ્વપટ સરોવર કુંકુમવાપીમાં તેજસ્વી વિમાન ઉતારી સુવર્ણ અલંકારોથી શોભતા અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ, વાસુદેવનારાયણ આ ચતુર્વ્યુહ અશ્વપટ સરોવરમાં સ્નાન કરી લોમશ ઋષિના આશ્રમમાં આવ્યા. લોમશ ઋષિની પૂજા સત્કાર કરી આરતી કરી. કંભરા, ગોપાલ પાસે આવ્યા. માતા-પિતાએ ચતુર્વ્યુહની પૂજા કરી પછી ચતુર્વ્યુહને અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ પોતાની મૂર્તિમાં અનેક અવતારો અનેક ધામમાં દર્શન કરાવ્યા. પછી પરમધામમાં અનંત કોટી મુક્તોથી સેવાયેલા ગજાસન પર વિરાજમાન એવા દિવ્યદર્શન કરી અનાદિશ્રીકૃષ્ણનારાયણનું પૂજન કરી આરતી કરી દંડવત્ કરી સ્તુતિ કરવા લાગ્યા. પછી વાસુદેવ નારાયણને પ્રભુએ મુગટ કુંડળ ધરાવ્યા. સંકર્ષણે તિલક, ચાંદલો કર્યો. પ્રદ્યુમ્ને સુગંધી દ્રવ્ય આપ્યા. અનિરુદ્ધે કંદોરો, કડાં, પાદુકા વગેરે ધારણ કરાવ્યા.
પછી સર્વે સ્તુતિ કરવા લાગ્યા, હે પ્રભુ તમે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણ અનંત મુક્તોથી સેવાયેલા છો. તમારી મૂર્તિમાંથી અમે વ્યૂહો અવતારો પ્રગટ થયેલા છીએ. હે પ્રભુ ઇશ્વરો, ઇશ્વરાણીઓ, માયા, કાળ, વૈરાજ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વરો, દેવો સર્વે તમારી મૂર્તિમાંથી પ્રગટ થયેલા છે. હે પ્રભુ શ્રી, ભૂલીલા, સતી પદ્મા, ગંગા, સરસ્વતિ, પ્રભા, પાર્વતી, માણિકી, સગુણા, પ્રેમા, મંજુલા, સીતા, અમૃતા, સંતોષી, રમા, હંસા, દયા, જયા, તુલસી, હેમી, શાંતા, સાવિત્રી, ચંપા, લલિતા, કસ્તુરી, ઓજસ્વતી વગેરે અનંત શક્તિઓ તમારી છે તથા કપિલદત્ત, નૃસિંહ, વામન, મત્સ્ય, કુર્મ, વરાહ, રામકૃષ્ણ, પરશુરામ વગેરે અવતારો પણ તમારા જ છે. ભગવાન, શુક, વલ્લભ, હેમંત, દેવપ્રકાશ એ સર્વે તમારા અંશ વિભૂતિઓ છે. હે પ્રભુ આજ તમારા બાલકૃષ્ણ સ્વરૂપના દર્શન કરી અમે ધન્ય થયા છીએ. માટે અમને અહીં સદા તમારા ચરણમાં વાસ આપો.
ચતુર્વ્યુહની સ્તુતિ સાંભળી પ્રસન્ન થયેલા અનાદિશ્રીકૃષ્ણનારાયણ તેના ચતુર્વ્યુહના બે સ્વરૂપો કર્યા. એક રૂપે અમૃતધામમાં રહ્યા. બીજે રૂપે મુખ્ય શીષ્ય સ્વયં પ્રકાશમાં લીનરૂપે રહ્યા. તે અનિરુદ્ધ પત્ની સુશીલા, પ્રદ્યુમ્ન પત્ની ઘી:, સંકર્ષણ પત્ની સુનંદા, વાસુદેવ નારાયણ પત્ની હરિણી આ ચારેય લક્ષ્મીઓ રોજ ચતુર્વ્યુહ જેમાં વાસ કરે છે. એવા અનાદિશ્રીકૃષ્ણનારાયણના શિષ્ય સ્વયંપ્રકાશની પૂજા કરવા આવતી. પ્રભુએ ત્યાં અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, સંકર્ષણ, વાસુદેવ આ ચતુર્વ્યુહને અશ્વપટ સરોવરમાં વાસ આપ્યો. તેથી ત્યાં ચતુર્વ્યુહતીર્થ તથા સ્વયંપ્રકાશતીર્થ થયેલું છે. શ્રીકૃષ્ણ કહે : રાધા જ્યાં અવતારો અનાદિશ્રીકૃષ્ણનારાયણની પ્રસન્નતાને માટે દિવ્ય સ્વરૂપે વાસ કરે છે. જ્યાં મુક્તો બ્રહ્મપ્રિયાઓ દિવ્સ્વરૂપે વાસ કરે છે. તે ક્ષેત્રનો મહિમા વર્ણન કરવા કોણ સમર્થ થઇ શકે. તે ચતુર્વ્યુહતીર્થ જેઠ પૂર્ણિમાએ થયેલું છે તથા અષાઢી બીજે સ્વયંપ્રકાશ તીર્થ થયેલું છે.