વીરજાર રાજા દ્વારા તૃતિય મહાવિષ્ણુયાગ - શ્રીહરિનો ઉપદેશ
આ અધ્યાય 127–129 સંયુક્ત છે
શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ સર્વને કહ્યું, પોષ વદ ત્રીજથી નોમ સુધી વીરજાર રાજાના રાજ્યમાં શાનદીના સંગમમાં ત્રીજો વિષ્ણુયાગ યજ્ઞ થશે. ત્યાં સર્વે મહેમાનો આવજો અમે પણ ત્યાં આવશું. ત્યાં પર્વતોમાંથી લાખો પ્રેતો આવ્યા અને અનાદિશ્રીકૃષ્ણનારાયણને કહે : અમે અહીં ભૂકંપમાં મરણ પામી પ્રેત થયા છીએ, અમારો ઉદ્ધાર કરો. ભૂખ્યા, તરસ્યા, અનેક રોગવાળા તે પ્રેતોનો શ્રીહરિએ પાણીની અંજલિ છાંટી પાપ બાળી તે પ્રસાદીનું જલ પાઇને ઉદ્ધાર કર્યો.
પછી શ્રીહરિએ થર્કુટરાજાને ઉપદેશ આપ્યો, હે રાજા તમારે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિનું પાલન કરવું. તેથી આલોક-પરલોકમાં સુખ થાય છે, તથા દયા રાખી દિન-અનાથ સ્ત્રી, સંતો, વૃદ્ધો, પ્રજાનું પાલન કરવું. બીજાને સુખ આપવું, દુ:ખ ન આપવું, જેના મુખમાં પ્રભુનું નામ હોય તેને દંડ ન દેવો. વૈષ્ણવોને પૂજ્ય માનવા. સાત્ત્વિકનો સંગ કરવો. રાજસીનો સંગ થોડો કરવો. તામસીને ખોટા જાણીને તેનો સંગ ન કરવો. પરોપકારી સંત, ભક્તોનો વિશ્વાસ રાખવો, સ્વાર્થીનો વિશ્વાસ ન રાખવો. રાણી, પુત્ર, પ્રધાન વગેરેનો સાવધાન થઇ વિશ્વાસ કરવો. બહુ પત્ની ન કરવી. ધર્મ સ્થાનમાં રતિક્રીડા ન કરવી, રતિક્રીડામાં વૈરાગ્ય ન રાખવું, રાજાએ ગુપ્તવેષધરી પ્રજામાં સુખ-દુ:ખ જાણવા, સર્વ વિકાસ કરનારી ખેતીને વધારવી. સાત્વિક, તાત્વિક, યાંત્રિક, માંત્રિક, તાંત્રિક, રાસાયણિક વગેરે વિદ્યાનો વિકાસ કરવો. બીજાનો દેશ જીત્યો તે જય નથી પણ બ્રહ્મદેશને જીતીને બ્રહ્મલોકમાં સદા વાસ કરે તે વિજય છે. દેહ ઈન્દ્રિયોમાં શયન ન કરવું પણ આત્મામાં લીન ભાવે શયન કરવું. મારા વૈષ્ણવ રાજાઓએ પ્રમાદ, આળસનો ત્યાગ કરી મૃત્યુને જીતવું. મારી ભક્તિ કરી પ્રસન્નતા પ્રાપ્ત કરશો તો અક્ષર સામ્રાજ્ય આપીશ એમ આશિર્વાદ આપી રાજાને આજ્ઞા કરી. અહીં મંદિર કરી મારી મૂર્તિ રાધાલક્ષ્મી સહિત પધરાવજે. એમ કહીને અનાદિશ્રીકૃષ્ણનારાયણ માતાપિતા લોમશ ઋષિ સાથે વિમાનમાં બેસી વીરજાર રાજાના રાજ્યમાં આવ્યા. ઈરાત્રિશા નદીમાં સ્નાન કરી પચાસ યોજનના મંડપમાં રહેલા યજ્ઞશાળાના ગજાસન પર બેઠા. સર્વેએ જયઘોષ કર્યો.
પોષવદ ત્રીજે ત્રીજા યજ્ઞનો આરંભ કર્યો. વશિષ્ટ ઋષિએ શ્રીહરિ અને રાજા યજમાન વગેરે ના કાંડા બાંધ્યા. કુંડમાં મૂર્તિમાન યજ્ઞ નારાયણ આવી હવિષ્યાન્ન ગ્રહણ કરતા હતા. સર્વે મુક્તો, અવતારો, ઇશ્વરો, દેવો-દેવીઓ, ઋષિ-મુનિઓ, નરનારીઓ, સર્વે ભોજન પ્રસાદીથી તૃપ્તિ પામતા હતા. જીવસૃષ્ટિ, ઇશ્વરસૃષ્ટિ, બ્રહ્મસૃષ્ટિ, સ્થાવર જંગમ, જડ, ચેતન સર્વ તે યજ્ઞમાં પ્રસાદ પ્રાપ્ત કરી તૃપ્તિ પામતા હતા. એ રીતે સાત દિવસ સુધી યજ્ઞ કરી હોમ, હવન, જાપ કરી, યજ્ઞની પૂર્ણાહુતિ કરી, સર્વને દાન-દક્ષિણાઓ આપીને ઈરાત્રિશા અને ઓબી નદીમાં અવભૃથ સ્નાન કરી તીર્થરૂપ કરીને અનાદિશ્રીકૃષ્ણનારાયણે કહ્યું, આ તીર્થોમાં જે સ્નાન કરશે તેના પાપના પર્વતો નાશ થશે. જલપાન કરશે, દાન યજ્ઞ કરશે, દેવસ્થાન, ધર્મશાલા, વૃક્ષારોપણ, વિદ્યાદાન વગેરે કરશે તેને હું ભુક્તિ-મુક્તિ આપીશ. પછી સર્વે સ્નાન કરી મંડપમાં આવ્યા. રાજાએ શ્રીહરિની પૂજા કરી સો કન્યા અર્પણ કરી ભેટ ધરી સ્તુતિ કરી, હે પ્રભુ તમે અહીં પધારવાથી મારું રાજ્ય, સંપત્તિ, કુટુંબ, પ્રજા, વાહન સર્વે ધન્ય થયા. શ્રીહરિ પ્રસન્ન થઇ વીરજાર રાજાને પ્રસાદીનો હાર આપી. છાતીમાં ચરણ આપ્યા. પછી રાજા-રાણીઓને, પુત્ર-પુત્રીઓ તથા પ્રજાને શ્રીહરિએ મંત્રો આપ્યા. “અનાદિશ્રીકૃષ્ણનારાયણ સ્વામિ પતિશ્ચમે” - “બાલકૃષ્ણ પરબ્રહ્મ મમ વૈશાશ્વત: પતિ: પિતાબંધુ, સુહૃદ્, મિત્ર, રક્ષક: પાલકોસ્તુ સ:” શરણ મંત્ર રક્ષણ મંત્ર બ્રહ્મમંત્ર વગેરે મંત્રો આપ્યા તથા “શ્રીકૃષ્ણવલ્લભ સ્વામી શ્રીહરિ શરણં મમ” એ મંત્ર આપી સર્વને વૈષ્ણવ કર્યા પછી સર્વેને શ્રીહરિએ કહ્યું, ચોથો યજ્ઞ આલનૌકા સમુદ્રકાંઠે શક્તિ અક્ષિ રાજાના રાજ્યમાં થશે ત્યાં સર્વ આવજો.
શ્રીકૃષ્ણ કહે : રાધા, તે સમયે એક આકાશમાંથી તેજસ્વી દિવ્ય ચતુર્ભુજ પુરુષ આવી બાલકૃષ્ણની જય બોલીને દિવ્ય સામગ્રીથી શ્રીહરિની પૂજા કરી સ્તુતિ કરી. રાજાએ શ્રીહરિને પૂછ્યું - આ કોણ છે ? શ્રીહરિએ તે પુરુષને જાણવા છતાં તેને જ પૂછ્યું, તે પુરુષે કહ્યું, હું આ વીરજાર રાજાનો પિતા શુરજાર રાજા છું. હું દાન પુણ્ય ધર્મપાલન કરી સ્વર્ગમાં ગયો હતો, ત્યાં મેં દેવોના મુખેથી સાંભળ્યું, મારો પુત્રે યજ્ઞ કરાવી પુરુષોત્તમ નારાયણ સર્વ અવતારો ઇશ્વરોને બોલાવી પ્રસાદ ભોજન કરાવીને શ્રીહરિને સો કન્યાદાન કર્યું. તે પુણ્યથી હું ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી અહીં શ્રીહરિના દર્શન કરી અક્ષરધામમાં જાવ છું. સર્વકુટુંબ પિતામહનું વચન સાંભળી આશ્ચર્ય પામ્યા. પછી શ્રીહરિએ તેને મંત્ર આપી તથા તેની પત્નીને મંત્ર આપી બે હાથવાળા કરી ધામમાં મોકલ્યા. પછી પ્રભુએ ઉપદેશ આપ્યો, જ્યાં નરનારી છે, ત્યાં વાસના છે, પણ જ્યાં હું પુરુષોત્તમ અને મારા સાધુ વાસ કરે છે, ત્યાં અક્ષરધામ છે. ત્યાં માયા વાસના રહેતી નથી. મારા યોગે માયા પણ પણ દિવ્ય થાય છે. મારા યોગે નરનારીઓ મુક્ત સ્થિતિ પ્રાપ્ત કરે છે. મારા યોગે નરો નારાયણો થાય છે. નારાયણો પુરુષોત્તમ રૂપ થાય છે. તે સર્વે પુરુષોત્તમોનો પુરુષોત્તમ નારાયણ નિયામક હું છું પણ મારો નિયામક કોઇ નથી. એમ ઉપદેશ આપી આશિર્વાદ આપી રાત્રી વિશ્રામ કર્યો.