અનેક ઋષિમુનિઓનું શ્રીહરિ દ્વારા રક્ષણ
શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણ અગત્સ્ય મુનિ વગેરે વિમાનમાં બેસી પર્વતમાં રહેતા ઋષિઓ પાસે આવ્યા. સર્વે ઋષિઓએ અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન કરી પૂજા સત્કાર કરી દંડવત્ પ્રણામ કર્યાં. શ્રીહરિએ સર્વને કુશળ સમાચાર પૂછ્યા. ઋષિઓ કહેવા લાગ્યા, પ્રભુ તમે સર્વેની રક્ષા કરી તેથી સર્વે કુશળ રહ્યા. પછી હેમશાલાયન ઋષિએ કહ્યું, હું નદી કાંઠે હતો ત્યાં સમુદ્રનું પાણી આવ્યું. હું તેમાં ડૂબી ગયો, મેં ગુરુને શ્રીહરિને સંભાર્યાં તમે આવી રક્ષણ કર્યું. બાલાયન ઋષિ કહે : હું સમુદ્રમાં નાવા ગયો હતો ત્યાં વાવાઝોડાથી રેતી ઊડી તેમાં ઢંકાઇ ગયો ત્યાં તમે આવી મને જીવાડ્યો અને રક્ષા કરી. રાવાસન કહે : હું નદી કાંઠે સમાધીમાં હતો. ત્યાં રેતીમાં દટાઇ ગયો હતો. જાગ્યો ત્યાં તમે આવી રક્ષણ કર્યું. ધરાલિંગ કહે : હું વનમાં હતો ત્યાં વાવાઝોડાથી વૃક્ષ ભાંગી મારી માથે પડ્યું ને હું મરી ગયો. પણ કોણ જાણે શું થયું તમે આવી જીવતો કરી પાણી પાયું.
ભેકંદાનેય કહે : હું પર્વતમાં મારી પર્ણકુટીમાં હતો. પવનથી પર્ણકુટી ઊડી, હું સૂતો હતો ઊડીને પર્વતમાં પડી મરી ગયો પણ તમે આવી રક્ષા કરી. મષીગ્રીવ કહે : હું રણમાં હતો ત્યાં પાણી આવ્યું. મગર મને ખાઇ ગયો. પણ તમારી કૃપાથી ફરી જીવતો થયો. તમે મને જીવનદાન આપ્યું. શાલવન કહે : હું પર્વતમાં તમારું ભજન કરતો હતો. ત્યાં પવનથી ઊડી પાંચ યોજન દૂર સમુદ્રમાં પડ્યો. મરણ પામ્યો. ત્યાં તમે મારો હાથ જાલી જીવતો કર્યો. આચાલ ઋષિ કહે : હું યજ્ઞમાં હતો. કાષ્ટમાં, વનમાં અગ્નિ લાગવાથી હું બળી ભસ્મ થયો, મેં ગુરુને તમને સંભાર્યા તમે આવી ભસ્મમાંથી મને જીવતો કર્યો. ગ્રામાયન કહે : હું સ્નાન કરી પૂજા કરતો હતો ત્યાં ભૂકંપ થયો. હું પર્વત પરથી પડી અતિ ઠંડીથી મરી ગયો પણ તમે દયા કરી મને સજીવન કર્યો. વાટાયન કહે : હું વાવાઝોડામાં આકાશમાં ઊડી વનમાં પડ્યો ત્યાં હાથી મને ખાઇ ગયો પણ કોણ જાણે શું થયું હું જીવતો થયો તમે રક્ષા કરી. દીવાદીંગાયન કહે : હું નદી કાંઠે હતો ત્યાં સમુદ્રનું પાણી આવ્યું તેમાં ડૂબી ગયો ફરી કાંઠે આવ્યો ત્યાં મારી માથે રેતી ઢંકાઇ ગઇ. ત્યાં તમે આવી મને જગાડ્યો. ત્યાં મને વિમાનમાં તમારા દર્શન થયા. એ સર્વે તપસ્વી ઋષિઓએ અનાદિશ્રીકૃષ્ણનારાયણની પ્રાર્થના કરી, હે પ્રભુ, તમે સર્વે મનુષ્ય પશુ-પક્ષીને કૃપા કરી સજીવન કરી રક્ષા કરી ગુરુ અગસ્ત્ય મુનિ શંકર અશ્વિનીકુમાર વગેરે આવી સર્વે સમૃદ્ધિ આપી, અમે ધન્ય છીએ. હે પ્રભુ, તમે અહીં દિવ્ય દેહે અહીં પધારી આ ઉષ્ણાચલ દેશ પાવન કર્યો.
શ્રીહરિ કહે : તમે સર્વે મારી ભક્તિ કરો છો, તેથી મેં તમારું રક્ષણ કર્યું છે. હું મારા ભક્તને સર્વસ્વ આપું છું. પૂર્વે મેં ચકલીને પર્વત પર પાણી પાયું હતું. હું એક ભક્તને માટે અસંખ્ય ભક્તોનું રક્ષણ કરું છું. એક ભક્તને માટે અસંખ્ય પાપીનો નાશ કરું છું. અભક્ત માટે કાંઇ કરતો નથી. ભક્ત માટે સર્વ કાર્ય કરું છું. પૂર્વે મેં બિલાડીના બચ્ચાનું અગ્નિની ભઠ્ઠીમાં રક્ષણ કર્યું હતું. સર્વ ઋષિઓ શ્રીહરિની અમૃતવાણી સાંભળી આનંદ સાગરમાં ડૂબી ગયા. પછી હૃદયમાં ધ્યાન ધર્યું ત્યાં અંતરાત્મામાં પણ શ્રીહરિના દર્શન થયા.