શ્રીબાલકૃષ્ણ પ્રભુનો દશમો જન્મજયંતિ મહોત્સવ - સર્વાત્મનિવેદી ભક્ત બલેશ્વર રાજાની શ્રીહરિ દ્વારા વનેચરરૂપે પરીક્ષા
આ અધ્યાય 80–81 સંયુક્ત છે
શ્રીકૃષ્ણ કહે : રાધા, ભીમા નદી કાંઠે પૌડુંકપુરનો રાજા બલેશ્વર કપિલ ભગવાનનો શિષ્ય મહાન વૈષ્ણવ ભક્ત હતો. કપિલ ભગવાને રાજાને ઐશ્વર્ય, સિદ્ધિ અને સાંખ્યયોગનું જ્ઞાન આપ્યું હતું. એકવાર બલેશ્વર રાજા કાર્તિક માસમાં પત્ની સાથે કપિલાશ્રમમાં આવી ફળ ફૂલનો આહાર કરી ચાંદ્રાયણ વ્રત કરી પૃથ્વી પર શયન કરી જપ તપ કરતો અને જે કોઇ અતિથિ આવે તેને જે ઈચ્છા હોય તે દાન આપતો. ત્યાં એક તારકાયન ઋષિ અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન કરી મંત્ર લઇ રાજા પાસે આવ્યા. રાજા ઋષિને પગે લાગી કહે : તમારા જેવા બ્રહ્મનિષ્ટ એકાંતિક સંત જગતનું કલ્યાણ કરવા માટે વિચરે છે. તમે ક્યાંથી આવો છો ?
તારકાયન ઋષિ કહે : રાજા તારા જેવા ધર્મવાળા, ભક્તિવાળા પાસે જ સંતપુરુષો મોક્ષ કરવા આવે છે. જે પુરુષોત્તમ નારાયણ છે, જેમને વેદમાં પરબ્રહ્મ કહેલા છે, જે સર્વે અવતારોને ધરે છે. જે અત્યારે સૌરાષ્ટ્રમાં કંભરા ગોપાલને ત્યાં પ્રગટ થયા છે. જેના દર્શન કરવા સર્વ દેવો, ઇશ્વરો આવે છે. તે પ્રભુનો મંત્ર ગ્રહણ કરી જપ કર. એમ કહીને “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય સ્વામિને સ્વાહા” એ મંત્ર આપી તુલસીમાળા આપી ઋષિ ચાલ્યા ગયા. રાજા મંત્રજપ અને અનાદિશ્રીકૃષ્ણનારાયણ સ્વામિનારાયણનું સ્મરણ ભજન કરવા લાગ્યો. શ્રીહરિ રાજાની પરીક્ષા કરવા બપોરે ભોજન પછી જંગલી સાધુના વેશે કોપીન પહેરી લોખંડના કડા પહેરીને આવ્યા. રાજા પગે લાગી કહે : મારે વ્રત નિયમ છે કે મારી પાસે સાધુ, અતિથી આવે તે માંગે તે આપું. જંગલી સાધુ કહે, હું તો તામસી ભોજન કરનારો કોઇનું રાંધેલું નહીં, એઠું નહીં એવું ભોજન કરું છું. તારાથી અપાય તો આપ. રાજા કહે : ફળ, ફૂલ, દૂધ, ખડધાન વિગેરે સામાન્ય ભોજન અન્ન મિષ્ટાન્ન રાંધેલું ભોજન છે. માંસ તામસી ભોજન છે. બોલો તમારે શું જમવું છે ?
સાધુ કહે : તારા પુત્રના હૃદયનું માંસ, તે પણ રાંધ્યા વિનાનું. કુમારી કન્યાને હાથે, વસ્ત્ર પહેર્યા વિના દાન આપે તો મારે ગ્રહણ કરી ભોજન કરવું છે. રાજા જરા ક્ષોભ પામ્યો, પણ રાણીએ હિંમત આપી પોતાની ત્રણે કન્યાઓ કૃષ્ણા, ભીમા અને તુંગભદ્રા તથા પુત્ર પુંડ્રકને બોલાવી ત્રણે કન્યાઓને વસ્ત્રહીન કરી પાસે બેસાડી. પછી રાજાએ તલવારથી પુત્રને કેડથી કાપી પુત્રનું હૃદય કન્યાને આપ્યું. જંગલી સાધુ કૃષ્ણાના સાથળ પર બેસી ભીમાના સાથળ પર હાથ મૂકીને તુંગભદ્રાએ આપેલું તામસી ભોજન કરી લોહી પીને ઊઠીને ચાલતો થયો. ત્યારે રાજા કહે : દક્ષિણા શું આપું ? જંગલી સાધુએ દક્ષિણામાં રાણી માંગી. રાજાએ રાણીને દાનમાં આપી. જંગલી સાધુએ રાણીને વસ્ત્ર શૂન્ય કરી વૃક્ષ નીચે રમણ કર્યું, ત્યારે રાજાએ કહ્યું હું ધન્ય છું, મારું કુટુંબ ધન્ય છે, જે મારું વ્રત, તપ, નિયમ, સર્વે સાધુ લેખે કામ આવ્યું. ત્યાં તો વૃક્ષ નીચે રાધાલક્ષ્મીયુક્ત પરમેશ્વરના દિવ્ય દર્શન થયા. મહાવિષ્ણુ છત્ર ધરી ઊભા હતા. અનંત મુક્તો, અવતારો, ઇશ્વરો સ્તુતિ કરતા હતા. પડખે રાણી તથા ત્રણે કન્યાઓ તથા પુત્ર પુંડ્રકને જોઇ રાજા અતિ આશ્ચર્ય પામીને, શ્રીહરિની સ્તુતિ કરવા લાગ્યો, હે દેવના દેવ તમે પરમાત્મા છો, મુક્તોથી સેવાયેલા તમે પરમધામમાં વાસ કરો છો, તમે સર્વે અવતારોને પૂજ્ય છો, ઇશ્વરો દેવો પણ તમારી જ આરાધના કરે છે. અનેક અવતારોને તમે જ ધારણ કરો છો, તમે વ્યાસરૂપ છો, જ્ઞાનરૂપે પણ તમે છો, સ્વામિ સ્વરૂપે ગુપ્ત રૂપે છો, કરોડો સ્વરૂપો ધારણ કરનારા તમે છો, ગુણના ભંડાર છો, દિવ્ય છો, પરીક્ષા કરનારા તમે છો. હે પ્રભુ અમારું રક્ષણ કરી ઉધ્ધાર કરો. હે પ્રભુ તમે નિર્લેપ છો. અમારી પર પ્રસન્ન થાવ. હે પ્રભુ મારી પત્ની શિલવતી ધન્ય છે. ત્રણે કન્યાઓને ધન્ય છે. પુત્ર પુંડ્રકને ધન્ય છે. જેને અનાદિશ્રીકૃષ્ણનારાયણ સાક્ષાત્ લક્ષ્મીપતિ મળ્યા. અનેક નામવાળા હે પ્રભુ તમને નમો નમ: હે પ્રભુ આજ તમને પ્રાપ્ત કરવાથી મેં સર્વ પ્રાપ્ત કર્યું.
રાજાની સ્તુતિથી રાજી થયેલા અનાદિશ્રીકૃષ્ણનારાયણ કહે : રાજા, આ મહાવિષ્ણુ દેખાય છે તે તું છો. મહાલક્ષ્મી તે તારી રાણી છે તારી કન્યા જે ભીમા તે શ્રી છે. કૃષ્ણા છે તે લક્ષ્મી છે. તુંગભદ્રા તે રાધા છે અને તારો પુત્ર પુંડ્રક છે તે વિષ્ણુ છે. અને મંત્ર આપનારા તારા ગુરુ તારકાયન હું પોતે જ છું. હે રાજા તારો પુત્ર મર્યો નથી, પણ મેં તને મારી માયા બતાવી છે. અને તારી પરીક્ષા કરી છે. તમે છ મારા સ્વરૂપો છો તેથી અહીં વાસ કરજો અને દિવ્ય સ્વરૂપે કુંકુમવાપીમાં વસજો. એમ કહી બાલસ્વરૂપે દર્શન આપી ફરી કહ્યું, આ ત્રણે કન્યાઓ નદીરૂપે થઇ તીર્થરૂપે થશે. ત્યાં હું વાસ કરીશ. પછી તે ભીમા, કૃષ્ણા તથા તુંગભદ્રાના તીર્થો થયા. રાજા-રાણી મહાબલેશ્વર તીર્થરૂપે થયા. પુત્ર પુંડ્રક તેણે પુંડ્રપર (પંઢરપુર) વસાવી તીર્થ કર્યું. એવી રીતે અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ સર્વે સ્થાનમાં વાસ કરી તીર્થો કર્યા.
પછી તારક ગુરુ સાથે આઠેયને વિમાનમાં બેસાડી બીજે રૂપે આવતા હતા. દેવો ઇશ્વરો પુષ્પવૃષ્ટિ કરી કહે : હે પ્રભુ, આ બલેશ્વર રાજાની પરીક્ષા કરી એવી પરીક્ષા કોઇની ન કરતા. તમે ભક્તને ન આપી શકો એવું કંઇ પણ છે જ નહીં. હે પ્રભુ, દિવ્ય એવા તમારી પરીક્ષા પણ દિવ્ય હોય છે, તેને માયામાં લોભાયેલો કઇ રીતે જાણી શકે. હે નાથ, તે તો તમે કૃપા કરો તો જ માયારહિત થઇ પાર પામી શકે એમ સ્તુતિ કરી પૂજા કરી. પછી અનાદિશ્રીકૃષ્ણનારાયણ અશ્વપટ સરોવર લોમશ ઋષિના આશ્રમે વિમાનને ઉતારી, આઠ ભક્તોને માતા-પિતાના દર્શન કરાવી, લોમશ ઋષિના દર્શન કરાવી, અશ્વપટ સરોવરમાં સ્નાન કરાવી, સર્વ તીર્થોના દર્શન કરાવી અશ્વપટ સરોવરમાં વાસ આપ્યો. તારકાયન ઋષિને આશ્રમમાં વાસ આપ્યો. પછી શ્રીહરિએ બલેશ્વર રાજાને કહ્યું, તારા કારતક માસના સર્વે વ્રત નિયમ પૂરા થયા. યજ્ઞદાન સદાવ્રત પુરા થયા. પછી અનાદિશ્રીકૃષ્ણનારાયણના દશમાં જન્મજયંતિ મહોત્સવમાં શ્રીહરિ ગજાસને વિરાજમાન થયા અને સર્વે ઇશ્વરો દેવો આવી પૂજા કરી પછી લોમશ ઋષિએ શ્રીહરિની પૂજા કરી આરતી કરી. પછી માતા કંભરાલક્ષ્મી પિતા ગોપાલકૃષ્ણ સર્વને ભોજન પ્રસાદ આપી સત્કાર કરતા હતા. પછી સાંજે મહાન સર્વે ઉત્સવ ધૂન, કિર્તન નૃત્ય કરતા હતા. પછી શ્રીહરિએ સર્વેને પારિતોષિકો ભેટો આપી. એ રીતે દશમો જન્મજયંતિ મહોત્સવ ઉજવ્યો. અનાદિશ્રીકૃષ્ણનારાયણની સેવામાં ઉત્સાહવાળા હેમંત અને ભગવાન બંને પાર્ષદો રાજાની સેવા કરે એમ સેવા કરતા હતા. શ્રીકૃષ્ણ કહે : રાધા આ અધ્યાયની કથા જે કહેશે સાંભળશે, તે ભુક્તિ અને મુક્તિને પામશે.