ભાગ · અધ્યાય ૨૬૭

બાલપ્રભુની કૃપાથી રક્ષાંગાર રાજા અને સત્યારાણી મોક્ષભાગી થયા

લોમશ ઋષિ કહે : હે અશ્વપાટલ રાજા, સૌરાષ્ટ્રમાં સ્વર્ણપતનો રાજા રક્ષાંગાર અને તેની રાણી ધર્મથી પ્રજાપાલન કરી પ્રભુની સદા ભક્તિ પરાયણ રહેતા. રાણી ફળફૂલથી કૃષ્ણનું પૂજન કરી નિત્ય સાધુ, સાધ્વીઓ, વિપ્ર અતિથિઓને ભોજન આપતી. એકવાર મહાલક્ષ્મીએ રાણીને સ્વપ્નમાં દેખાડ્યું કે, મ્લેચ્છ રાજા સૈન્ય લઇને રાજ્ય લેવા આવ્યો. રાજા યુદ્ધમાં ગયો અને મરી ગયો. રાણીએ જાગીને સ્વપ્નની વાત રાજાને કરી. રાણીએ અમંગલ નાશ માટે ગણપતિનું પૂજન કર્યું. ગ્રહશાંતિ કરાવીને મહાલક્ષ્મીનું પૂજન કર્યું. તેથી મહાલક્ષ્મીને પ્રસન્ન થઇ કહ્યું, રાજા ગઢ બહાર યુદ્ધ કરવા જશે તો તેનું મૃત્યુ થશે.

રાણીએ રાજાને કહ્યું : તમે ગઢની અંદર રહેશો તો તમારો જય થશે અને બહાર જશો તો મૃત્યુ થશે. ત્યાં શસ્ત્રો વાહનો લઇને મ્લેચ્છો યુદ્ધ કરવા આવ્યા. કપટ કરીને કીલ્લામાં જઇ યુદ્ધ કરવા લાગ્યા. રાજા, રાણીનું વચન ભૂલી, યુદ્ધ કરતો બહાર ગયો ત્યાં મ્લેચ્છોએ મારી નાખ્યો. સતી રાણી પૂજામાં બેઠી હતી ત્યાં પગમાંથી કંકુ ખર્યું. એટલે તરત બહાર આવી ત્યાં સાંભળ્યું રાજાનું મૃત્યું થયું. પછી રાણી રાજાના શરીરને લઇને અશ્વપટ સરોવર આવી સૂર્યને અનાદિશ્રીકૃષ્ણનારાયણને પ્રાર્થના કરી કે, હે પ્રભુ હું મારા પતિ સાથે શરીરમાંથી અગ્નિ પ્રગટાવી સાથે મરી જાવ છું. હે સર્વપતિ, હે આત્મપતિ તમને નમો નમ: રાણીની પ્રાર્થના સાંભળી અનાદિશ્રીકૃષ્ણનારાયણે લક્ષ્મી સાથે દર્શન આપી કહ્યું, તું તારા પતિ સાથે સ્વર્ગમાં સુખ ભોગવી અંતે અક્ષરધામમાં જઇશ. એમ કહીને અદૃશ્ય થયા. સતી રાણીએ ત્યાં દેહત્યાગ કર્યો. ત્યાં અશ્વપટ સરોવરમાં સતીતીર્થ થયેલું છે. ત્યાં સ્નાનદાન કરવાથી જીવાત્માનો મોક્ષ થાય છે.