કેવું જ્ઞાન ધામની પ્રાપ્તિ કરાવે ? - જ્ઞાનરહિત હોય તેનો મોક્ષ કેમ થાય ?
અશ્વપાટલ રાજાએ પૂછ્યું : કયું વ્રત, કેવો આચાર, કેવું જ્ઞાન પરમધામની પ્રાપ્તિ કરાવે છે ?
લોમશ ઋષિ કહે : ભક્તિ, વ્રત, સદાચાર, બ્રહ્મબોધ અને પરબ્રહ્મનો આશ્રય તે પરમધામમાં પહોંચાડે છે. અનર્થ-સ્વાર્થનો ત્યાગ કરી દોષથી રહિત થઇ માયિક સર્વ ઈચ્છાનો ત્યાગ કરે તે પરમધામમાં જાય. વાદ, તર્ક, અભિમાનનો ત્યાગ કરી સર્વનું હિત કરનારો પરમધામમાં જાય છે. માન-અપમાનમાં સમાન, નિંદાથી રહિત, આત્મામાં તૃપ્ત સદા શ્રીહરિમાં ધ્યાનમગ્ન સર્વ વેગને શાંત કરી ઉદાસ રહેનારો પરમધામમાં જાય છે.
અશ્વપાટલ રાજાએ પૂછ્યું : ત્યાગી અને ગૃહસ્થ પરમપદ કેમ પામે ?
લોમશ ઋષિ કહે : ગૃહસ્થોને જ્યારે સમય મળે ત્યારે સાધુવૃત્તિથી ભગવાનની ભક્તિ કરે તો પરમપદને પામે અથવા પુત્ર-પૌત્રોને જોઇ તૃપ્તિ પામી. નિવૃત્તિ લઇને કાર્તિક, માગશર, મહા, ચૈત્ર, અષાઢ, શ્રાવણમાં સાધુ-સંન્યાસની દીક્ષા લઇને સતત શ્રીહરિનું ભજન અને આત્મજ્ઞાનથી પરમપદને પામે છે તથા તપથી કર્મથી, સ્વર્ગ અને બ્રહ્માદિક દેવો- ઇશ્વરોના પદને પ્રાપ્ત કરે છે. તથા તપ-ધર્મથી વૈકુંઠ, ગોલોક અને અનાદિશ્રીકૃષ્ણનારાયણને પણ પ્રાપ્ત કરે છે અથવા અનાદિશ્રીકૃષ્ણનારાયણ કૃપાથી તેની પ્રત્યક્ષ ભક્તિ કરે તો પણ અનેક જન્મોના પાપ નષ્ટ થઇને શુધ્ધ થઇને બ્રહ્મલોકમાં જાય છે. તે પરબ્રહ્મના ચરણમાં ત્રણ પ્રકારની સૃષ્ટિઓ રહેલી છે. જીવસૃષ્ટિ, ઇશ્વરસૃષ્ટિ અને બ્રહ્મસૃષ્ટિ આ ત્રણ સૃષ્ટિઓ પ્રભુ ચરણમાં રહેલી છે.
અશ્વપાટલ રાજાએ પૂછ્યું : તે સૃષ્ટિમાં નિત્ય-અનિત્ય કઇ છે, જેને મુક્ત પુરૂષો જોઇ શકે છે. તે કહો.
લોમશ ઋષિ કહે : બ્રહ્મસૃષ્ટિ પાંચ પ્રકારની છે તે પરબ્રહ્મ અને તેની શક્તિઓ- અક્ષર બ્રહ્મ-મુક્તો મુક્તાનિઓ આ પાંચ બ્રહ્મસૃષ્ટિઓ છે. અવતારો, અવતારિણીઓ, વ્યુહો, પ્રકૃતિપુરૂષ, ભૂમાપુરુષ, મહાવિષ્ણુ, વૈરાજકોટી, સદાશિવ, ગોપગોપીઓ, પાર્ષદ, પાર્ષદાણીઓ આ દશ પ્રકારની ઇશ્વરસૃષ્ટિ છે. દેવો, સિધ્ધો, ઋષિઓ, પિતૃઓ, સુરા, અસુર, મનુષ્ય, પશુપક્ષી, કીટપતંગ, વૃક્ષવેલી, સ્થાવર આ દશ પ્રકારની જીવસૃષ્ટિ અસંખ્ય છે. જીવસૃષ્ટિના આત્માને તીર્થ-દેવ-ઇશ્વર-સંત અને અવતારના યોગથી ધર્મલાભથી તેની સદ્ગતીથી થાય છે. દૈત્યો-અસુરો પણ પ્રભુના યોગથી ભક્તિથી દૈવી થાય છે. તથા દાન, શ્રાદ્ધ, પુણ્ય, યોગાભ્યાસ, ભક્તિ, ઉપાસનાથી વૈષ્ણવ-શંભુગતિ-વૈરાજ-મહાવિષ્ણુ- પ્રકૃતિપુરૂષ-ભૂમાપુરૂષ-વ્યુહ-ગોપ-ગોપી-અવતાર- અવતારિણી-મુક્ત-મુક્તાનિની બ્રાહ્મિસ્થિતિ પ્રાપ્ત કરે છે.
હે અશ્વપાટલ રાજા, મનુષ્ય અધર્મનો આશ્રય કરે છે ત્યારે નીચ યોનિના જન્મને પામે છે અને મહાકષ્ટ પામે છે. માટે આત્મામાં અને બહાર રહેલા પ્રત્યક્ષ કૃષ્ણવલ્લભને ભજ તો બ્રહ્મગતિ પામીશ. ધનવાળા, ધન વિનાના, સંતાનવાળા, સંતાન વિનાના, રાજા, પ્રજા, નરનારીઓના સર્વની કર્મની ગતિ ભિન્ન છે. તે સર્વે દુ:ખથી રક્ષણ કરવા એક શ્રીનારાયણ વિના કોઇ સમર્થ નથી. તેથી શાંતિ અને મોક્ષ આપનારા નારાયણનો આશ્રય કરવો. પ્રત્યક્ષ શ્રીહરિના આશ્રિતને અર્થ-કામ મૃત્યુ-કાળ બાધ કરી શકતા નથી.
અશ્વપાટલ રાજા કહે : તત્વજ્ઞાનથી રહિત હોય તેનો મોક્ષ કેમ થાય ?
લોમશ ઋષિ કહે : સંતસેવા, ગુરુસેવા, વૃદ્ધોની સેવા, દેવપૂજન, શાસ્ત્રશ્રવણ, માતા- પિતાની સેવા, પતિ સેવા, સતી સેવા, પુજ્યના આશીર્વાદો, શ્રીહરિનું ભજન સ્મરણ આ સર્વ કલ્યાણના સાધન છે. તેથી આળસપ્રમાદનો ત્યાગ કરી, પ્રભુની ભક્તિ કરીને આત્મભાવ, બ્રહ્મભાવ, મુક્તભાવને ગ્રહણ કરી જીવનયાત્રા ચલાવવી. જેથી તેને કોઇ વસ્તુ પદાર્થનું બંધન નહીં થાય.