અનાદિશ્રીકૃષ્ણનારાયણ દ્વારા શિષ્ય સ્વયંપ્રકાશને મોક્ષ ઉપદેશ
અશ્વપાટલ રાજાએ પૂછ્યું : સ્વયંપ્રકાશને તીવ્ર વૈરાગ્ય કેમ થયો ?
લોમશ ઋષિ કહે : સ્વયંપ્રકાશ પૂર્વના તપસ્વી ભક્તિવાળા વામનનો અવતાર હતા. એકવાર નારાયણ ઘરે ન્હાવા આવ્યા. નાહીને વામન ધ્યાન કરવા બેઠા. ધ્યાનમાં પોતાનું મૂળરૂપ અને ચીન્હોવાળા અવતારી શ્રીમન્નનારાયણના દર્શન કરી સ્તુતિ કરવા લાગ્યા કે, હે સ્વામી હે સર્વ અવતારોના ધારણ કરનારા તમે સર્વના નિયંતા છો, મારા હૃદયમાં જ વિરાજમાન છો, હે કૃપાસિંધુ તમારા દર્શનથી હું કૃતાર્થ થયો છું. સ્વયંપ્રકાશની સ્તૂતીથી પ્રસન્ન થયેલા અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાને સ્વયંપ્રકાશને સંસાર ચંદ્ર, ઇશ્વરો, દેવો, બ્રહ્મમુક્તો, અનેક ધામો, અનેક સૃષ્ટિઓનું દર્શન કરાવી વરદાન આપ્યું, તને મારા વિના બીજે ક્યાંય પ્રીતિ નહિં થાય એવો વૈરાગ્ય આપું છું એમ કહીને અદૃશ્ય થયા. ત્યારથી વામન સ્વયંપ્રકાશયોગી નામે પ્રસિધ્ધ થઇને અનાદિશ્રીકૃષ્ણનારાયણના માનસપુત્ર શિષ્યપણાને પામી અખંડ બ્રહ્મચારી રહી અશ્વપટસરોવરકાંઠે કુંકુમવાપી ક્ષેત્રમાં વાસ કર્યો અને શ્રીહરિની કૃપાથી તપ ત્યાગવાળા ધર્મજ્ઞાનવાળા યોગી થઇને ઐશ્વર્ય પામી અનેકના કલ્યાણ કરવા સમર્થ થયા. સ્વયંપ્રકાશના સદ્ગુણ જોઇને અનાદિશ્રીકૃષ્ણનારાયણે બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપ્યો કે, હે પુત્ર, તું ક્યારેય પણ બ્રહ્મવ્રતનો ત્યાગ કરતો નહિં. સદા મારી ભક્તિ કરજે. સર્વથી અસંગી રહેજે. જે સ્વર્ગસુખ અને મોક્ષ મેળવવાના સાધનરૂપ મનુષ્યજન્મને જાણતો નથી, જે પ્રયત્નો કરતો નથી અને જ્યાં ત્યાં દોડે છે, તેને વિદ્વાનોએ જડ અને અજ્ઞાની કહેલા છે. પુણ્ય અને પાપથી હજારો જન્મોમાં માતા-પિતા, પત્ની-પુત્રો ભેગાં થયા. સ્નેહબંધન થયું. કાળથી, ભયથી જુદાં થયા ત્યારે કોણ કોના માટે. ચેતન આત્માને અર્થે, પરોપકાર અર્થે મેં શું કર્યું, તે વિચાર કરે તો સર્વ સ્વાર્થના જ સગાં છે. તેથી હે પુત્ર વૈરાગ્યને ગ્રહણ કરી જ્ઞાન દીપક પ્રગટ કરી શ્રીહરિની ભક્તિ કરી પરમપદને પ્રાપ્ત કરજે.
લોમશ ઋષિ કહે : હે રાજા, આ રીતે અનાદિશ્રીકૃષ્ણનારાયણે સ્વયંપ્રકાશયોગીને મોક્ષનો ઉપદેશ આપી દિવ્યદેહે કુંકુમવાપીમાં વાસ આપ્યો. ત્યાં અશ્વપટ સરોવરકાંઠે સ્વયંપ્રકાશતીર્થ થયેલું છે.