કોલક રાજાની મુરમાષાનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
શ્રીકૃષ્ણ કહે : રાધા, પ્રભુ કોલક રાજાની પ્રાર્થનાથી લેપનાદ ઋષિ સાથે વિમાનમાં બેસી મુરમાષાનગરી રાજધાનીમાં આવ્યા. રાજા-પ્રજાએ ભાવભર્યું ભગવાન કૃષ્ણવલ્લભનું સ્વાગત કરી જયઘોષ કરી પુષ્પચંદન, અક્ષતથી પૂજન કર્યું. શ્રીહરિને શિબિકામાં બેસાડી નગરમાં ફેરવી પ્રજાજનો દર્શન પૂજન કરી અનેક ભેટ આપી આરતી કરતા હતા. રાજમહેલે આવી સભા કરી બોલ્યા, મોક્ષની ઈચ્છાવાળાએ પરમેશ્વરનું ભજન-પૂજન કરવું. સત્યવ્રત રહેવું પણ સત્ય બોલવાથી બીજાને દુ:ખ થતું હોય તો સત્ય ન બોલવું. અહિંસા છે તેજ ધર્મ છે. હિંસા થતી હોય તેમાં ખોટું બોલાય તો તે ધર્મ છે, ચોર પુરૂષ પાસે સત્ય ન બોલવું, તે ધર્મ છે. ચોરના હાથમાંથી છુટવા ખોટા સમ લઇ છુટી જવું તે ધર્મ. મરણના સંકટ સમયે અથવા વિવાહમાં ખોટું બોલાય તેનો દોષ નથી. સાધુ પાસે ખોટું ન બોલવું કારણ કે તે તારનારા છે. તેની પાસે મન, વચન, કર્મથી સત્યનું આચરણ કરવું. અહિંસક, ઓછું બોલનારો છતાં ઇર્ષ્યારહિત દુ:ખને તરી જાય છે. નિર્માની બીજાને માન આપનારો, કૃષ્ણ કથા કરનારો જીતેન્દ્રિય અક્રોધિ તૃષ્ણારહિત તે પૂજ્ય થાય છે.
શ્રીહરિ કહે, સત્યવ્રતવાળા એવા કંભરાગોપાલના બાલકૃષ્ણ એવા મને હૃદયમાં રાખવાથી મારો આશ્રય કરવાથી નરનારી સર્વદુ:ખને તરી જાય છે. એમ કહી શરણે આવેલા જનોને મંત્ર આપ્યો. પછી રાજકુટુંબે પ્રભુની પૂજા કરી પોતાની કન્યાનું દાન શ્રીહરિને કર્યું. પછી સર્વેએ ભોજન કરી વિશ્રામ કર્યો. ત્યાં ગંગાનદીના સંતાનો નદી-સરોવર સમુદ્રરૂપે રહેલા તે સર્વ આવી પ્રભુને વિનંતી કરી તેથી શ્રીહરિ અનેક સ્વરૂપો ધારણ કરી તે સર્વે નદીમાં સ્નાન કરી સર્વને તીર્થરૂપ કરી. ત્યાં નીલકર્ણ અને વૃકાયન ઋષિ અમરી કેનાટ પ્રદેશમાં ફરી પ્રભુ પાસે આવી દંડવત પ્રણામ કરી પગે લાગ્યા. શ્રીહરિએ તેમને ભેટીને ચરણવિંદ આપ્યા. પછી બંને ઋષિએ પ્રાર્થના કરી કે, પ્રભુ તે પ્રદેશોના રાજા-પ્રજા આપના દર્શન ઈચ્છે છે, તો ત્યાં આવી મહાવિષ્ણુયાગ કરો અને તે દેશને પાવન કરો.