લોમશ ઋષિ દ્વારા દૈત્યપત્નીઓને ધર્મ, વ્રત, ભક્તિનો ઉપદેશ
શ્રીકૃષ્ણ કહે : રાધા, દેવો, દૈત્યો, દાનવો, રાક્ષસો માનવો, ઋષિ-મુનિ, સર્વે શ્રીહરિના સમાન પુત્રો છે. પ્રભુને કોઇ પ્રિય નથી કોઇ અપ્રિય નથી. પણ ભક્ત શ્રીહરિને પ્રિય છે. ભક્તિ શ્રીહરિને પ્રિય છે. આત્મા દેવ નથી, અસુર નથી પણ માયાના દુર્ગુણો શરીરને દૈત્ય અસુર બનાવે છે. નારી નર અને નપુંસક - આ ત્રણ શરીરને અનુસાર કર્મો થાય છે. તે કર્મોમાં નિંદ્રામાં, જાગ્રતમાં, સ્વપ્નમાં, સ્થૂળમાં, સૂક્ષ્મમાં, હૃદયમાં, રાજસમા, તામસમાં સર્વે ક્રિયામાં શ્રીહરિને સંભારે તો દેવપણાને પામી મુક્તિ સ્થિતિ મેળવે છે. દેહધારી જીવાત્માઓમાં સ્વભાવો રહેલા જ છે. કૂતરાંમાં સહનતા, વૃક્ષમાં પરોપકાર, વાંદરામાં સ્વાર્થ, સાધુમાં દયા, ધનાઢ્યમાં ગર્વ, ગરીબમાં દીનતા, માતામાં વાત્સલ્યભાવ, શત્રુમાં ચોરમાં નિર્દયતા, વિદ્યાવાળામાં તર્ક, સ્ત્રીઓમાં લજ્જા, બાળકોમાં નિર્દોષપણું, રાગવાળાને વસ્ત્ર વધારે જોઇ, વૈરાગ્યવાળાને ઓછા.
આત્મા છે તે આકાશ જેવો છે. શરીર છે તે દિશા સંધ્યા અને દિવસ જેવું છે. માયાના સત્વરજ તમોગુણના વેગ આવે છે અને જાય છે. તે માયા આત્મામાં ચોંટેલી નથી. માયામાંથી આત્મા જન્મ્યો નથી. બંનેના રસ્તા જુદા છે. રાગદ્વેષ વાસનાથી સર્વે પ્રવૃત્તિ થાય છે. તેથી દૈત્ય કે અસુર પણ પરમાત્માને શરણે જાય તો દિવ્ય દેવ થાય છે. લોમશ ઋષિ દૈત્ય પત્નીઓને કહે : તમે આ તેર સાત્વિક ધર્મનું પાલન કરી પ્રગટ પ્રભુની ભક્તિ કરશો એટલે પ્રભુના પ્રેમને પ્રાપ્ત કરશો.
પૂર્વે સુકેશી નામે દૈત્યએ ઋષિમુનિ પાસેથી ધર્મઉપદેશ ગ્રહણ કરી પોતાના પુરમાં જઇ રાક્ષસોને બોલાવી સત્ય અહિંસા ધર્મનું આચરણ કરાવ્યું. તે ધર્મપાલનથી સુકેશી દૈત્યનું આકાશમાં રહેલું નગર પ્રકાશ કરવા લાગ્યું. દિવસે સૂર્યની જેમ પ્રકાશ કરે અને રાત્રે ચંદ્રની જેમ અજવાળું કરે, તેથી પૃથ્વી સર્વ કામકાજ દિવસ-રાત્રિના ફેરબદલીવાળા થયા. તેથી સૂર્યને સહન ન થવાથી નિશાચરનગરને સૂર્યે ચક્રથી બાળી નાંખ્યું. તે નગર આકાશમાંથી નીચે પડ્યું. ત્યારે સુકેશી દૈત્યએ ઊચે અવાજે શંકરને સંભાર્યાં. કૈલાશમાં શંકરે સમાધીમાંથી જાગીને જોયું. તરત ત્રીજા નેત્રથી સૂર્ય સામે જોયું ત્યાં સૂર્ય આકાશમાંથી નીચે પડ્યો. સૂર્યે શંકર પાસે ક્ષમા માગી એટલે શંકરે સૂર્યને હાથમાં લઇ રથમાં બેસાર્યાં. તે સૂર્ય જ્યાં પડ્યા તે કાશીમાં લોલાર્ક નામે તીર્થ થયું. શંકરે સુકેશી દૈત્યને ફરી આકાશમાં તેના નગરની સ્થાપના કરી ત્યાં રાખ્યો. એ રીતે ધર્મથી રાક્ષસો પણ બળવાન થાય છે. ચાતુર્માસમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણનું પૂજન કરી ધર્મ વ્રત પાલન કરવું. ચાતુર્માસમાં બ્રહ્મચર્યનું પાલન કરવું તથા શ્રીહરિની કથાશ્રવણ, કિર્તનભક્તિ, સ્મરણભક્તિ, ચરણ સેવાભક્તિ, અર્ચનભક્તિ, વંદનભક્તિ, દાસ્યભક્તિ, સખાભાવની ભક્તિ, આત્મનિવેદન, સર્વસમર્પણ ભક્તિ આદિક નવા પ્રકારની સાધન ભક્તિ તથા પ્રેમસ્વરૂપ પરાભક્તિ પ્રભુની કરીને પ્રભુને પ્રસન્ન કરવા. શ્રીકૃષ્ણ કહે : રાધા, એ રીતે લોમશ ઋષિએ દૈત્ય પત્નીઓને પ્રત્યક્ષ ભગવાનની ભક્તિનો ઉપદેશ અને ધર્મવ્રત સમજાવ્યા.