ભાગ · અધ્યાય ૧૬૬–૧૭૨

શ્રીહરિ દ્વારા હેતુમાલ ખંડનાં રાસાયનારણ્યમાં મહાવિષ્ણુયાગ

આ અધ્યાય 166–172 સંયુક્ત છે

શ્રીરાધાજીએ પૂછ્યું : પ્રભુ, ગંગાને પુત્ર ક્યારે થયો ? શ્રીકૃષ્ણ કહે, એકવાર ગોલોકમાં તે પુત્રની ઈચ્છા કરી તેથી મેં તેને પુત્ર પુત્રીઓ રૂપે વિકુંઠી અને સાત સાગરો આપ્યા. તને સંતાનવાળી જોઇને ગંગાએ મારી પાસે સંતાનની માંગણી કરી. મેં ગંગાને અઠ્યાવીશ કન્યાઓ આપી પછી પાંચ પુત્રો આપ્યા. તો પણ સંતોષ ન પામી એટલે ચાર પુત્રો વધારે આપ્યા. ફરી ત્રેવીશ પુત્રો આપ્યા. એમ ગંગા નદીને સાંઠ સંતાનો આપ્યા. ભગીરથ સગર પુત્રોનો ઉધ્ધાર કરવા ગંગાને પૃથ્વી પર લાવ્યા. ત્યારે શંકરે જટામાં બાંધી દીધા. ત્યારે તેના સંતાનોએ ભય પામી હેતુમાલ ખંડમાં ગયા. ત્યાં નદી, પ્રદેશ અને પર્વતરૂપે થઇ પ્રભુ ભજન કરતા. તેને દર્શન દેવા અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુ અશ્વપટ સરોવરકાંઠે કુંકુમવાપી ક્ષેત્રમાં પ્રગટ થઇને નીલકર્ણ ભક્ત વૃકાયન ઋષિને ત્યાં સત્સંગ કરાવવા મોકલ્યા. તે સર્વેએ કહ્યું, પ્રભુ અહિ આવી ક્યારે દર્શન આપશે. વૃકાયન ઋષિએ સમાધિમાં જઇ પ્રભુને પુછી કહ્યું, અનાદિશ્રીકૃષ્ણનારાયણના ભગવાન અહિં શ્રાવણ શુદ ત્રીજે યજ્ઞ કરવા આ દેશમાં આવશે, માટે તમે સર્વે દેશમાં આ વાત પ્રસિધ્ધ કરજો. સાથે સૂદર્શનચક્ર આપ્યું. પછી ગંગાપુત્રોએ દેશમાં ફરીને સર્વત્ર જાહેરાત કરી. અનાદિશ્રીકૃષ્ણનારાયણ તિષ્ટપરા પ્રપીઠા નદીના સંગમે યજ્ઞ કરશે. તેમાં સર્વ અવતારો, ઇશ્વરો, દેવો-દેવીઓ, ઋષિ-મુનિઓ આવશે. તે પ્રભુના દર્શન કરવા, મંત્ર ગ્રહણ કરવા સર્વે યજ્ઞમાં આવજો. એમ કહીને સર્વને પ્રગટ પ્રભુના નામ ધૂન, કિર્તન “હરે કૃષ્ણ સ્વામી કૃષ્ણ બાલકૃષ્ણ હરે હરે” સંભળાવતા હતા. પછી સુદર્શન ચક્રે નિલકર્ણ ભક્તે વૃકાયન ઋષિએ વિમાનને નીપરા નદી અને પ્રથિકા નદીકાંઠે વિમાનને ઉતારીને અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાન જય પામો. એમ જયઘોષ કરી. ઋષી મહર્ષીઓએ ગંગાપુત્રોએ વનમાં વિશ્રામ કર્યોં પછી પ્રભુએ યજ્ઞની તૈયારી કરવા લોમશઋષિ, શ્વેતાયન વ્યાસ, ગણેશ, ગાલવ, સનત્કુમાર, સ્વયંપ્રકાશ, શતાનંદ, નારદ, બૃહસ્પતિ, શંકર, કપિલ, શુક, વામન, હેમંત, દેવપ્રકાશ વગેરેને વિમાનમાં મોકલ્યા. તે સર્વે શ્રાવણ સુદ પડવે હેતુમાલ ખંડમાં આવ્યા.

શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણની આજ્ઞાથી વિશ્વકર્મા - દેવાયતને બે નદી વચ્ચે સોગાઉનો મંડપ રચી તેમાં યજ્ઞશાળા, પાઠશાળા, ભોજનશાળા ઉતારા વગેરે સર્વ સુવિધાઓ કરી. દેશ-પ્રદેશથી રાજાઓ, પ્રજાઓ આવવા લાગ્યા. રોમાયન ઋષિ સાથે કૃથકરાજા આવ્યા. કૃપાસ્થલ, યુગશાવ, વલ્ગુરાય, ગીરીશ, ઇષ્ટવ, આપ્યાયન, સ્વેષ્ટ, જર, ફેરૂન, ફરીજ, પુર્તગંડ, સુપાન, ફલાશન, વલ્લીજીવન, જરામૌન, પાલનાદ, લાતવાય, ફાલનાદ, સ્વાદવહન, નારરવ, લોપનાદ, વિષય વગેરે ઋષિઓ તથા રાજાઓ પૃથુ, હંકાર, જયકોષ્ટલ, ઉષ્ટ્રાલ, તીરાણ, અલ્વીનર, જીનવર્ધી, અલ્પકેતુ, જય, કૃષ્ણ, પરીશાન, ઇંદુરાય, ગંડક, મુદ્રાંડ, લીનોર્ણ, બૃહદશર, બલલીન, યરસિંહ, રાયગામલ, ફેનતંતુ, સ્તોકહોમ, કાષ્ટયાનકોલક, શાંકુતક વગેરે અનેક દેશથી રાજાએ કુટુંબ સાથે વાહનો લઇ લાખો પ્રજાજનોની સાથે આવ્યા. લાલાયન ઋષિ, વૃકાયન ઋષિ, ઇશાન, નિલકર્ણ, કપિલ, સ્વયંપ્રકાશ, દેવપ્રકાશ વગેરે આગેવાનો યજમાન રાજાઓ માટે યજ્ઞ કુંડો કરાવતા હતા. તે સમયે શ્રીહરિની પત્નીઓ શ્રી લક્ષ્મી, લીલા, વિભૂતિએ મિષ્ટાનોના પર્વતો દૂધ, દહીંના કુંડો, ઘી, મધ, અમૃતના કુંડો, ગોળ-સાકરના પર્વતો રચી દીધા. ગાંધર્વો ગાવા લાગ્યા, અપ્સરાઓ નૃત્ય કરવા લાગી, શ્રીહરિના દિવ્ય વાજીંત્રો વાગવા લાગ્યા, અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાનની આજ્ઞાથી જલ રસરૂપે થયુ. પૃથ્વી ભોજનરૂપે થઇ ગઇ. સૂર્ય, ચંદ્ર વગેરે સર્વદેવોને આજ્ઞા કરી, ચૌદલોકનાવાસી હેતુમાલ ખંડમાં પ્રભુ યજ્ઞ કરે છે ત્યાં દર્શને આવજો.

પછી અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ અક્ષરધામના પાર્ષદોને સંભાર્યા. મુક્તો કુંકુમવાપી આવ્યા. શ્રીહરિએ કુંકુમપત્રિકા લખી કે, સર્વે સૃષ્ટિના વાસી હેતુમાલ ખંડમાં યજ્ઞ થશે તેમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુ પધારશે. શ્રાવણ સુદ પાંચમથી યજ્ઞ શરૂ થશે. એકાદશીએ પૂર્ણાહુતિ થશે તો સર્વે આવજો. મુક્તો-સર્વસૃષ્ટિઓમાં એ રીતે સમાચાર આપી આવ્યા. ધામના વાસી અવતારો મુક્તો-મુક્તાણી સાથે પાર્ષદો દાસદાસી સાથે આવતા હતા. સર્વસૃષ્ટિના ઇશ્વરો, મહેશ્વરો, દેવોદેવીઓ તીર્થો સર્વે આવતા હતા. તેનું વર્ણન કોઇ કરી શકે તેમ નથી. પછી અનાદિશ્રીકૃષ્ણનારાયણ કુંકુમવાપીથી ઋષિમુનિઓ, સૌરાષ્ટ્રના ભક્તો, બ્રહ્મપત્નીઓ કુટુંબ સાથે વિમાનમાં બેસી આકાશમાર્ગે જતા હતા. આગળ આગળ વેદ શારદા પાર્ષદો ગુણ ગાતા વિમાનો જતા જોઇને સર્વેને એમ થયું કે, સ્વર્ગ કે સાગર ઉમટ્યો કે શું ? એવો દિવ્ય અનુભવ સર્વને થતો હતો. અનાદિશ્રીકૃષ્ણનારાયણના તેજથી આકાશમાં બીજું કાંઇ પણ દેખાતું ન હતું. આકાશમાં દેવો પુષ્પવૃષ્ટિ કરતા હતા. પછી વિમાનમાંથી ઉતર્યા ત્યાં ઋષિ, મુનિઓ, રાજા-પ્રજા, નરનારીઓએ જયજયકાર કરીને અબીલ, ગુલાલ, કંકુ, ચોખા, પુષ્પોથી પુરુષોત્તમ નારાયણને વધાવ્યા પછી ચાર દાંતવાળા ધોળા હાથીપર સુવર્ણની અંબાડીમાં બેસાડી છત્ર ચામર સહિત સન્માન કરી સુવર્ણહાર, અલંકારો ધારણ કરાવ્યા. શ્રીહરિ પણ સર્વને દિવ્યદર્શન આપતા. સર્વના સેવાસામગ્રીને ગ્રહણ કરતા, પ્રસાદીહાર આપતા. પછી રાત્રિએ ઉતારે આવી કુટુંબ સાથે વિશ્રામ કર્યો. રાત્રિમાં ચારેકોર કિર્તનો, ધૂન, રાસ, જ્ઞાનવાર્તાઓ થતી હતી. સર્વે કલાકારો પોતે પોતાની કળા બતાવી સર્વેના મનોરંજન કરતા હતા. ચતુર્થીએ સવારે શ્રીહરિ જાગી નિત્ય કર્મ કરી પિતૃદર્શન સાધુ સતીના દર્શન કરીને દૂધપાન કરી યજ્ઞભૂમિ જોવા માટે ગયા. વિશ્વકર્માએ રચેલા મહામંડપને જોઇને રાજી થયા.

શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણ યજ્ઞ કુંડ વગેરેની રચના કરનારા દેવાયતન, ગણેશ, ઈશાન, કપિલ બૃહસ્પતિ વગેરેની પ્રશંસા કરી. પછી સર્વે રાજાઓ, ઋષિઓ, સતીઓ, પાર્ષદોએ શ્રીહરિની પૂજા કરી લોમશ ઋષિને નમસ્કાર કર્યા પછી સવારથી જ ભોજન પ્રસાદ સર્વેને જમાડવા લાગ્યા. સર્વે મુક્તો-મુક્તાણીઓ બ્રહ્મપત્નીઓ સર્વને યથાયોગ્ય ભાવતા ભોજન જમાડતા હતા. ચતુર્થીને દિવસે દેશવિદેશથી લાખો કરોડો ભક્તજનો આવતા હતા. રાશિયાન પ્રદેશના સોળ લાખ, પ્રાગ્યજ્યોતિષના એક લાખ, પ્રાચીનના દશ લાખ, બ્રહ્મદેશના લાખ, ઉષ્ટ્રાલયના લાખ, આજનાભના કરોડ, અબ્રિહતના કરોડ, આરહતના લાખ, એ રીતે ત્યાં સંખ્યા ગણતરી જ થતી નહીં. પછી ચતુર્થીએ સવારે

શ્રીહરિ

સર્વે

રાજાઓને,

પ્રજાઓને

મંત્રો

આપતા

હતા. “કાલમાયાપાપકર્મશત્રુયામ્યકૃહદ્ભયાત્, શુલમીનધ્વજધનુષ્યચક્રસ્વસ્તિકવાન્ અવ, અનાદિશ્રીકૃષ્ણનારાયણ: સ્વામિ પતિશ્ચમે, શ્રીકૃષ્ણવલ્લ્ભ સ્વામી શ્રીહરિ: શરણં મમ, શરણં શ્રીકૃષ્ણનારાયણોસ્તુ મમ સર્વદા, ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય સ્વામીને સ્વાહા, બ્રહ્માહં શ્રીકૃષ્ણનારાયણ ભક્તોસ્મિ શાશ્વત:, બાલકૃષ્ણ પરબ્રહ્મ મમવૈ શાશ્વત: પતિ, પિતા બંધુ સુહૃદમિત્ર રક્ષક: પાલકોસ્તુ સ:” એવા શરણમંત્ર, રક્ષણમંત્ર, બ્રહ્મમંત્ર આપ્યા. પછી લોમશ ઋષિએ લક્ષ્મીનારાયણ સંહિતાની કથા કહી. પાંચમે અનાદિશ્રીકૃષ્ણનારાયણ યજ્ઞ મંડપમાં આવી લોમશ ઋષિને યજ્ઞમાં આચાર્યની વરણી કરી. લોમશ ઋષિ ગણેશ સ્થાપન કરી મુખ્ય શ્રીહરિનું કાડું બાંધ્યું. વિધિથી સર્વદેવનુંપૂજન કર્યું. પછી ચોવીશ અવતારો ચતુર્વ્યૂહ લોકપાલો, દિક્પાલો, ઇશ્વરોનું પૂજન કર્યું અને સર્વને હવિષ્યાન્ન આપ્યું. એ રીતે સત્યાવીશ યજ્ઞકુંડોમાં રહેલા રાજા યજમાનો પાસે હોમહવન કરાવી પછી સર્વે સૃષ્ટિમાંથી આવેલા મહેમાનોને પ્રસાદ ભોજન કરાવ્યા. ઋષિ-મુનિઓ, નરનારીઓ જડચેતન સર્વે યજ્ઞપ્રસાદ જમીને અતિ તૃપ્તિ પામ્યા. એ રીતે છઠ, સાતમ, આઠમ, નોમ, દશમ, એકાદશી પર્યંત સર્વએ ભોજન પ્રસાદ લીધો.

ભગવાન સનત્કુમાર લક્ષ્મીનારાયણ સંહિતા વાંચતા હતા. શ્વેત કૃષ્ણ વ્યાસ વિવેચન કરતા હતા. એકાદશીમાં અભિજીત નક્ષત્રમાં યજ્ઞ પૂર્ણાહુતિમાં ઋષિ-મુનિઓ શ્રીફળ વગેરે હોમ કરી “પરબ્રહ્મણે સ્વાહા” એમ કહીને પૂર્ણાહુતિ કરી. સર્વે યજમાનોને ઋષિઓએ આશીર્વાદ આપ્યા. પછી દર્શન અને યજ્ઞપ્રસાદ લેવા કરોડો ભક્તજનો આવતા હતા. તે સમયે માર્ગમાં, ચોકમાં, મંડપમાં, મહેલમાં, વૃક્ષ ઉપર, નદી સરોવરમાં જ્યાં જૂવે ત્યાં માનવો દેખાતા હતા. અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુ પણ અનંત સ્વરૂપ ધારણ કરી સર્વને દર્શન આપતા હતા. કોઇ રોગી પાસે વૈદ્ય થઇ જતા, કોઇ અજાણ્યા આવતા તેને માર્ગ દેખાડતા. ત્યાં કોઇ પોતાના કુટુંબથી જુદા ન પડતા. આવો અદ્ભુત યજ્ઞોત્સવ કોઇ દિવસ નહી જોઇને શંકર વાસુદેવાદિ ચતુર્વ્યૂહ ઇશ્વરો, આશ્ચર્ય પામતા હતા. બ્રહ્મપત્નીઓ પણ પોતાના પતિ શ્રીહરિનો આવો ચમત્કાર જોઇ અતિ આનંદ પામી. હેતુમાલ ખંડમાં રહેલા ગંગાનદીના પુત્રો-પુત્રીઓ તે સર્વે તીર્થરૂપ થયા. અનાદિશ્રીકૃષ્ણનારાયણ કહે, આ દેશમાં કોઇ યજ્ઞ કરશે, દીક્ષામંત્ર લેશે, નદી નિપરા અને પ્રપિઠામાં સ્નાન કરશે તે મોક્ષને પામશે. અહીં સાત દિવસ વાસ કરશે, વ્રત કરશે, દીપદાન કરશે તે સૂર્યલોકમાં વાસ કરશે. અહીં અનેક પ્રકારના દાન કરનારો મોક્ષ મેળવશે. એ બે નદી વચ્ચે લક્ષ્મીનારાયણ સંહિતાની કથા જે નરનારી સાંભળશે, સંભળાવશે તે મોક્ષમાં જશે. અશ્વદાન, ગજદાન, કન્યાદાન, ભૂમિદાન, પુત્રદાન, ગૃહદાન, ખેતરવાડીદાન, વૃક્ષવેલીના દાન, કાષ્ટદાન, ધાતુ લોખંડદાન, દહીં દૂધના દાન આવા અનેક પ્રકારના દાન કરનારા પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત કરી મોક્ષ મેળવે છે.

શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ એકાદશીએ યજ્ઞની પૂર્ણાહુતિ કરી સર્વેને આશીર્વાદ આપ્યા. ઋષિ-મુનીઓએ યજમાનોને આશીર્વાદો આપ્યા. પછી પ્રભુએ યજ્ઞનો પ્રસાદ, ભોજન સર્વમુક્તો, અવતારો, ઇશ્વરો, લોકપાલો, ચતુર્વ્યૂહ મહાવિષ્ણુ વૈરાજ ભૂમાપુરુષ વગેરેને તેમજ સર્વના પાર્ષદો, દાસદાસીઓને પણ ભોજન કરાવ્યા. બ્રહ્મસૃષ્ટિ, જીવસૃષ્ટિ, ઇશ્વરસૃષ્ટિ, સર્વે મહેમાનોને યજ્ઞનો ભોજનપ્રસાદ જમાડ્યો. સર્વેને કહ્યું. આજે એકાદશી છે તો પણ મારી આજ્ઞાથી મારો પ્રસાદ નિર્ગુણ છે. તે સર્વે નરનારીઓ પ્રસાદ જમો. પછી બાલકૃષ્ણપ્રભુ માતાપિતા સાથે, કુટુંબ સાથે ભોજન જમ્યા. પછી યજ્ઞને અંતે અવભૃથસ્નાન કરવા ભગવાન ઋષિમુનિઓ, સાધુ સાથે નિપરા નદી અને પ્રપિઠા નદીમાં નહાવા ગયા. સર્વને યજ્ઞનું પુણ્ય મળો એમ સંકલ્પ કરી સ્નાન કર્યું અને નદી તીર્થરૂપ કરી, પછી સર્વેએ સ્નાન કર્યું. તે સમયે ગંગાનાં નદીરૂપે રહેલા સાઠ સંતાનો આવ્યા. પૂજા કરી પ્રભુને પગે લાગી સ્તુતિ કરી, હે પ્રભુ અહીં આવી તમે અમને તીર્થરૂપ બનાવ્યા છે, બહુ કૃપા કરી. પછી યજમાન રાજાઓએ અવભૃથ સ્નાન કરી અનેક પ્રકારના દાનો આપ્યા. ત્યાં એક દિવ્ય પુરૂષ પ્રગટ થયો. પ્રભુને પગે લાગી કહે : પ્રભુ, હું યમરાજ પુત્ર અવભૃથ છું. આ વૈષ્ણવ યજ્ઞ તમે કર્યો તેથી હું પુષ્ટિ પામ્યો છું. અહી આવેલા નરનારીઓ સર્વે ભક્તિ-મુક્તિ પામશે. એમ કહી પ્રસાદિ-પાણી પીધું. ત્યાં જલમાંથી કુમારી પ્રગટ થઇ અને પ્રભુની પૂજા કરી કહ્યું, તમે સર્વેને સૌભાગ્ય આપનારા છો. તેથી મને સૌભાગ્ય આપો. શ્રીહરિએ તૃપ્તિ નામની કુમારી અવભૃથકુમારને પરણાવી.

પછી હેતુમાલ ખંડના દેશના રીતરિવાજ નિયમો પ્રમાણે શ્રીહરિએ ઉપદેશ આપ્યો, દેવ મંદિરમાં ગુરુ અને આચાર્યની આજ્ઞાથી કન્યા પક્ષના અને વર પક્ષના ગુરુને, આચાર્યને પગે લાગી બેસે. પછી ગુરુની આજ્ઞાથી કન્યા વરને વરમાળા પહેરાવે. પછી બંને ગરૂને પગે લાગે. ગુરુ આશીર્વાદ આપે. આ દેશમાં સ્ત્રીનું સ્વતંત્રપણું અને પ્રધાનપણું છે. સ્ત્રીની આજ્ઞામાં પુરૂષને રહેવું પડે છે. એકપત્ની સાથે સ્વભાવમેળ ન થાય તો બીજી પત્ની કરે. પત્નીને પણ એક પતિ સાથે સ્વભાવ ન મળે તો બીજો પતિ કરે છે. એ રીતે સ્ત્રી પણ સ્વતંત્ર છે. તે દેશના નિયમ પ્રમાણે બાલકૃષ્ણ પ્રભુએ કેટલાયને કન્યાદાન કરાવ્યું અને બારસને દિવસે યજ્ઞમંડપમાં કરાડો વિવાહો એ રીતે થયા. તે સમુહલગ્નમાં સર્વને ભોજન કરાવી દાનભેટો આપી. પછી યજ્ઞમાં આવેલા મુક્તો, અવતારો, ભગવાનો, નારાયણો, ઇશ્વરો, દેવો-દેવીઓ, ચૌદલોકના વાસીઓ, સતી-સાધ્વીઓ, સાધુ, બ્રહ્મચારીઓ, રાજા, પ્રજા, નરનારીઓ સર્વે શ્રીહરિની પૂજા કરી પોતાના સ્થાનમાં ગયા. તેરસે સમ્રાટ રાજા ઉરલકેતુએ પોતાના મહેલમાં શ્રીહરિને પધરાવ્યા. સાથે રાજાઓ અને શ્રીમંતો પણ આવ્યા. પછી રાજાએ શ્રીહરિની દિવ્ય ઉપચારોથી પૂજા કરી વસ્ત્ર, અલંકારો, આભૂષણો, મોતી, હાર, ધારણ કરાવી આરતી ઉતારી સુવર્ણમુદ્રા કરોડો ભેટ આપી. શ્રીહરિએ પ્રસન્ન થઇ રાજકુટુંબને ચરણામૃત પાયું. દાન સર્વે ઋષિ - બ્રાહ્મણોને આપી દીધું. પછી રાજાએ શ્રીહરિને ત્રીસ કન્યાઓનું દાન કર્યું. પછી સર્વે શ્રીમંતોએ પોતાના ગૃહમાં શ્રીહરિની પધરામણી કરી, પૂજા કરી ભેટ મુકી એ રીતે યવક્રીત આદિ ઋષિઓ સાથે ઉરલ રાજધાનીમાં ફરીને પધરામણી કરી, નરનારીઓને દર્શન આપી વૈષ્ણવ ભક્તો બનાવતા હતા. તથા વાસનાવાળા અસદ્ગતિને પામેલા કેટલાય આત્માઓને નિષ્પાપ કરી સદ્ગતિ આપતા હતા.