ભાગ · અધ્યાય ૨૭૩

બાલપ્રભુ દ્વારા સાધુધર્મો - સુક્ષ્મધર્મો - સ્થૂળધર્મો અને મોક્ષધર્મોનું જ્ઞાન

શ્રીકૃષ્ણ કહે : રાધા, ચિત્પ્રકાશથી પ્રેરાયેલા પાંચસો ઋષિઓ લોમશ ઋષિ પાસે અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર દીક્ષા લઇને બાલકૃષ્ણપ્રભુના પ્રત્યક્ષ દર્શન કરી આનંદ પામ્યા. પછી રાણીએ તથા પાંચસો સ્ત્રીભક્તોએ પણ ભગવા વસ્ત્ર ધારણ કરી ત્યાગી દીક્ષા લઇ પ્રભુના દર્શન કર્યા ત્યાં સાધુ-સાધ્વી તીર્થ થયું છે. પછી સર્વએ પ્રભુને સાધુધર્મો પૂછ્યા. અનાદિશ્રીકૃષ્ણનારાયણ સર્વને સાધુ ધર્મ કહેવા લાગ્યા, સ્થૂળ દેહમાં સૂક્ષ્મ દેહ રહ્યો છે. તેમા વાસનારૂપે કારણ શરીર-સ્વભાવ-અજ્ઞાન રહેલું છે. તેમાં જીવ રહ્યો છે. તેમાં સાક્ષી બ્રહ્મરૂપે નિર્ગુણ-નિર્લેપ રહ્યા છે. તેને જાણીને બહ્મભાવે વર્તે તો પરબ્રહ્મના આનંદને ભોગવે, માટે સાધુએ જપ તપ અને સહનશક્તિથી દેહને વશ કરી માયિક પ્રવૃત્તિથી રહિત થઇ, સેવાભક્તિથી, વિવેકજ્ઞાનથી તથા આહારને-પ્રાણને નિયમમાં કરીને સુખ દુ:ખમાં સમાન રહીને, માયિક દોષોનો ત્યાગ કરી, અહંમમતાથી રહિત થઇને, સર્વાર્પણ બ્રહ્માર્પણ કરીને નિર્ગુણ સ્થિતિ પ્રાપ્ત કરવી.

જેવી રીતે અક્ષરમાં માયાની સૃષ્ટિનો પ્રવેશ નથી, તેમ બ્રહ્મનિષ્ટ થયેલા સંતને માયા સ્પર્શ બંધન કરતો નથી. અને પોતાના આત્મામાં રહેલા પરમાત્માના સાક્ષાત્કારથી માયાના સર્વદોષ દુર્ગુણો લય પામે છે. જે રીતે જીભ મધના રસને ગ્રહણ કરી આનંદ પામે છે, તે રીતે અંત:નેત્ર અંદર રહેલા બ્રહ્મના આનંદને મેળવે છે. આવી સ્થિતિને પામેલા સાધુ નારાયણ સ્વરૂપ છે. તે નારદ, શંભુ, સનત્કુમાર, શેષ, લોમશ ઋષિ, લક્ષ્મી, બ્રહ્મપત્નીઓ, ગરૂડ વગેરે સર્વ નારાયણના સ્વરૂપો કહેવાય છે. આ કુંકુમવાપીમાં મારા ગુણ, ઐશ્વર્ય, વિભૂતિ, સિધ્ધિઓ, શક્તિઓ, તેજ વાસ કરે છે તથા સાધુ, સાધ્વીઓ તે મારા જ સ્વરૂપો છે.

પછી સાધુઓએ પૂછ્યું : હે પ્રભુ, આ તમારાથી સુક્ષ્મધર્મો અમે જાણ્યા, હવે સ્થૂળધર્મો કહો. પરબ્રહ્મ કહે, જ્યારે સાધુ દીક્ષા લ્યે ત્યારે દેહ નરનો હોય કે નારીનો, તેણે દેહના દોષોને તજવા અને ગુણગ્રહણ કરવા. સવારમાં આળસ-પ્રમાદનો ત્યાગ કરીને સ્નાનથી દેહશુધ્ધિ કરી પ્રભુનું ધ્યાનભજન કરવું. નૈવેદ્ય અર્પણ કરી, આરતી સ્તૂતિ કરવા. પછી ભીક્ષા માગવી અથવા પ્રભુનો થાળ કરવો. અતિ આહાર ન કરવો. શ્રીહરિની શ્રવણ, કિર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસભાવે, સખાભાવ, આત્મનિવેદન આ નવ પ્રકારે ભક્તિ કરવી. વૃથાવાદ, વિવાદ કરવો નહીં. શરીર, વાણી, મનથી હિંસા નિંદા કરવી નહી. સર્વનું હિત અને મોક્ષ થાય માટે મારા દીક્ષામંત્રો આપવા. સત્શાસ્ત્રોનો અભ્યાસ કરવો. આશ્રિતોને મારી સ્નેહભક્તિ કરાવી મારા ધામમાં મોકલવા. સદા મારું ધ્યાન, મનન અને ઉપાસના કરવી. નારીઓને પણ જ્ઞાન અને મોક્ષ દાન આપવા. મોક્ષમાં વિઘ્ન કરે તેવા વ્યસનો ન કરવા. મને પતિભાવે ભજવો. હું સર્વનો પતિ છું. હે સાધુ, સાધ્વીઓ આ તમને મોક્ષધર્મ કહ્યા. પછી સર્વે અનાદિશ્રીકૃષ્ણનારાયણની પૂજા, આરતી કરી અશ્વપટ સરોવરમાં જઇ ત્યાં વાસ કર્યો.