ભાગ · અધ્યાય ૨૩૧

રાયપતિ રાજાની વ્યોનોજરાશાપુરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ

શ્રીકૃષ્ણ કહે : રાધા, રાજા રાયપતિ, રાજગિર ઋષિ સાથે આવી પ્રભુને પોતાના પુરમાં પધારવા પ્રાર્થના કરી. પ્રભુ લોમશ ઋષિ શંકર વગેરે પાર્ષદો અને કુટુંબ સાથે વિમાનમાં બેસી તેરસને દિવસે પરિતા નદીકાંઠે વ્યોનોજરાશાપુરીમાં પધાર્યા. રાજાપ્રજાએ જયકારથી, વાજીંત્રોથી સ્વાગત કરી પુષ્પહાર પહેરાવ્યા. પછી રાજાએ કૃષ્ણવલ્લભને રથમાં બેસાડી પુરમાં પધરામણી કરાવી. નરનારીઓએ પ્રભુની પૂજા કરી. અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાનની સવારમાં પૂજા કરવા રાજા કુટુંબ સાથે આવ્યા. શ્રીહરિને કેસર, ચંદન, તિલક ચાંદલો કરી સોનાનો મુગટ, કુંડળ પહેરાવ્યા. હાર, કંદોરા, બાજુબંધ, કડા, પોંચી, વીંટી, તોડા, માંજર, પુષ્પહાર પહેરાવી આરતી કરી. ત્રીસ રાજકન્યાએ પ્રભુની પૂજા કરી કંઠમાં વરમાળા પહેરાવી રાજાએ સ્તુતિ કરી, હે પ્રભુ, આ રાજ્ય તમારું છે. અમે તમારા દાસદાસી છીએ. તમે કૃપા કરી અહીં આવી યજ્ઞ કર્યો. અમને ભવપાર કર્યા. હે પ્રભુ તમારા દર્શન માટે યોગીઓ સિધ્ધો તપ કરે છે તો પણ તેને તમારું દર્શન થતું નથી. એવા તમે અમને દર્શન આપ્યા. હે મુક્તપતિ, આત્મપતિ, બ્રહ્માપ્રિયાપતિ, સર્વપતિ, અંતર્યામિ, અવતારી તમને નમો નમ: હે પ્રભુ આ દેશ ભૂમિ અમારું કુટુંબ, પ્રજા સર્વે ધન્ય છીએ.

રાજા કુટુંબની સ્તુતિથી પ્રસન્ન થયેલા શ્રીહરિએ સર્વને દિવ્યદર્શન આપ્યા. સર્વધામના દર્શન કરાવી ફરી કુંકુમવાપી ધામમાં બાલકૃષ્ણ રૂપે થયા. પછી સ્વામી શ્રીકૃષ્ણવલ્લભે સર્વને શરણમંત્રો આપ્યા. અને રાજાને આજ્ઞા કરી, સાત શીખરનું મંદિર કરી લક્ષ્મી સાથે મારી મૂતિર્ પધરાવજે. પછી સર્વને ભોજન કરાવી સભા કરી શ્રીહરિએ ઉપદેશ આપ્યો, ગૃહસ્થોએ મન વાણી, ધનથી, માતા, પિતા, ગુરુની સેવા કરવી. તે ત્રણે દેવસ્વરૂપ છે. તેની પૂજા કરનાર આ લોકમાં પરલોકમાં સુખી થાય છે. તેની પ્રદક્ષિણા કરવાથી પૃથ્વીની પ્રદક્ષિણા થાય છે. તે ત્રણની સેવા કરવાથી સર્વયજ્ઞ ફળ થાય છે. આ ત્રણ તીર્થો જેને ત્યાં છે, તેને સર્વ પ્રાપ્તિ થાય છે. તૃષ્ણવાળા, વાસનાવાળા, અસદ્ગતિમાં ગયેલા પિતૃઓનું શ્રાદ્ધ તર્પણ કરવું તેથી પિતૃઓ વંશને આશીર્વાદ આપે છે.