શીબી રાજા દ્વારા પ્રથમ મહાવિષ્ણુયાગ - શ્રીહરિનો ઉપદેશ
આ અધ્યાય 123–125 સંયુક્ત છે
શ્રીકૃષ્ણ કહે : રાધા, થર્કુટ રાજાએ દેવાયતન ભક્તને ઋષિઓને કહ્યું, પૂર્વે બાલકૃષ્ણ ભગવાને આ રશિયાના પ્રદેશમાં લાશહા નદી શાલાવતી નદી કાંઠે યજ્ઞ કર્યો છે. આપણે પણ મહાવિષ્ણુયાગ કરી તે યજ્ઞમાં પ્રભુને પ્રાર્થના કરશું, તેથી અનાદિશ્રીકૃષ્ણનારાયણ સાક્ષાત્ અહીં પધારશે અને સર્વને દર્શન થશે. દેવાયતન મુનિ કહે : બહુ સારું. પછી રાજાઓ, શ્રીમંતો, વૈષ્ણવોએ યજ્ઞનું નક્કી કરીને, ઋષિ-મુનિઓને કહ્યું, તમે સર્વત્ર જાહેર કરો. પહેલો મહાવિષ્ણુ યાગ બાલકૃષ્ણ સરોવર કાંઠે શીબી રાજા કરાવશે. તે યજ્ઞ માગશર વદ એકાદશીએ આરંભ થશે. તે સાત દિવસ સુધી થશે. તેમાં કુંકુમવાપીથી અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભક્તો સાથે પધારશે અને પ્રસાદ, ભોજન, દાન, દક્ષિણાઓ આપશે. બીજો યજ્ઞ થર્કુટ રાજા દ્વિકલ સરોવર કાંઠે કરાવશે. ત્રીજો યજ્ઞ ઓબી રાત્રિશા નદીકાંઠે વીર જાર રાજા કરાવશે. ચોથો યજ્ઞ શક્તિઅક્ષી રાજા આલનૌકા સમુદ્ર કાંઠે કરાવશે. પાંચમો યજ્ઞ કાલીમાશ રાજા કાલીમા સમુદ્ર કાંઠે કરાવશે. એ રીતે સર્વે બ્રહ્માંડોમાં જાહેરાત કરી દીધી. પછી પ્રદ્યુમ્ન વિશ્વકર્મા પાસે સર્વ સ્થાનોમાં દશ યોજનમાં મહામંડપની રચના કરાવી યજ્ઞશાળા ઉતારા વગેરે કરાવતા હતા. દેવાયતન ભક્ત અને બાર ઋષિઓ વિમાન લઇ અનાદિશ્રીકૃષ્ણનારાયણ પાસે આવી યજ્ઞમાં પધારવાની પ્રાર્થના કરી. શ્રીહરિ કહે : બહુ સારું. પછી લોમશ ઋષિએ હજારો ઋષિઓને દેવાયતન ભક્ત સાથે ત્યાં મોકલ્યા. તેણે સર્વના નિવાસો યજ્ઞના કુંડો વગેરે તૈયાર કર્યાં. મુક્તો, અવતારો, ઇશ્વરો, દેવો-દેવીઓએ, સર્વે તીર્થો, ઋષિ-મુનિઓ સર્વના ઉતારા તૈયાર કરી તેને માટે ઠંડા ગરમ પાણીના કુંડ, દૂધ-દહીં-ઘી-મધ અમૃતના કુંડ, સાકર, અનાજના પર્વતો તૈયાર કર્યાં. સર્વ માટે શણગાર શાળા, ગંધ-સુગંધ શાળા, ગીત સંગીત નૃત્ય શાળા, મનોરંજન શાળા, દૂરદર્શન, દૂરશ્રવણ, યંત્ર વગેરે અનેક રચનાઓ કરી.
તે યજ્ઞમાં શીબી રાજાની જાહેરાતથી અને અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાનની આજ્ઞાથી સર્વ આવવા લાગ્યા. અક્ષરથી મુક્તો આવ્યા. ઇશ્વરો, ઇશ્વરાણીઓ આવ્યા. સર્વે અવતારો પોતાના મુક્તો, મુક્તાનીઓ સાથે આવ્યા. દિક્પાલ, દેવ-દેવીઓ આવ્યા. સિદ્ધો, ચારણો, વિદ્યાધરો, ગાંધર્વો, કિન્નરો, ઋષિ-મુનિઓ આવ્યા. દેવો-પિતૃઓ, અપ્સરાઓ આવ્યાં. દૈત્યો, દાનવો, માનવો સર્વે આવ્યા. નારદ સનકાદિક સાધુઓ, સાધ્વીઓ, સાંખ્ય યોગિનીઓ સર્વે આવ્યા. ત્યાં અનાદિશ્રીકૃષ્ણનારાયણનું વિમાન આકાશમાંથી નીચે ઉતર્યું સાથે લોમશ ઋષિઓ બ્રહ્મપત્નીઓ શ્રી, રાધા, રમા, પરાવિદ્યા, ગંગા, લક્ષ્મી, વિરજા, લલિતા, જયા, વિજયા વગેરે ગીત ગાતા હતા. વેદના મંત્રો ઋષિઓ બોલવા લાગ્યા. દેવતાઓ જય જયકાર કરવા લાગ્યા. ત્યાં પ્રગટ પ્રભુ સભામંડપમાં પધાર્યા સાથે માતા-પિતા, ભાઇઓ- બહેન, દેવાયતન ઋષિ, લોમશ ઋષિ, હેમંત, ભગવંત પાર્ષદ સર્વને રાશીયાન પ્રજાએ પુષ્પોથી વધાવીને શ્રીહરિને હારતોરા ધારણ કરાવ્યા. સભામંડપમાં પધારેલા અનાદિશ્રીકૃષ્ણનારાયણ બાલકૃષ્ણને લોમશ ઋષિએ વેદ મંત્રો બોલીને કાંડું બાંધ્યું. તથા યજમાન શીબી રાજાને પંચગવ્યનું પ્રાશન કરાવી, દેહશુદ્ધિ કરાવી, કાંડુ બાંધી આચમન કરાવ્યું તથા પત્નીવ્રત દ્વિજને મુખ્ય આચાર્ય યુગલ સ્થાપી બાર બ્રાહ્મણોને રૂદ્ર રૂપે, રૂદ્ર સમીપે કાંડુ બાંધતા હતા. તેની પાસે બ્રહ્માની આગળ દશ હજાર ઋષિ-મુનિઓને જાપ કરવા માટે કાંડા બાંધતા હતા. તે યજ્ઞમાં સ્વયં બ્રહ્મા વેદ ઉપવેદના ગાનારા હતા તથા હોમ કરનારા સનકાદિકો હતા.
શ્રીકૃષ્ણ કહે : રાધા, તે યજ્ઞમાં હોમ કરવા હવિષ્યાન્ન લાવનારા સિદ્ધો ઇશ્વરો અવતારો હતા. પાઠ કરનારા વશિષ્ટ વાલખીલ્યો વગેરે અઠ્યાશી હજાર ઋષિઓ હતા. લક્ષ્મીનારાયણ સંહિતાનો પાઠ કરનારા વેદ જાણનારા વ્યાસ અને બૃહસ્પતિ હતા. કલ્પવૃક્ષ યજ્ઞની સર્વ સામગ્રી પૂરી પાડતા હતા. અવતારો સર્વે અગ્નિ સ્વરૂપે શોભતા હતા. પછી પૃથ્વી પૂજન, વરાહ પૂજન, વેદિકા પૂજન, કુંડ પૂજન વગેરે લોમશ ઋષિ કરાવતા હતા તથા ગણેશ પૂજન, શંખ ચક્ર કળશ પૂજન, લક્ષ્મી પૂજન, રુદ્ર દુર્ગા માતૃકા પૂજન કરાવ્યું. મુખ્યપણે રહેલા હરિકૃષ્ણ પુરુષોત્તમ બાલકૃષ્ણની શીબી રાજાએ મહાપૂજા કરી. પછી અગ્નિની પૂજા કરી, નારાયણ સ્વયં યજ્ઞકુંડમાં અગ્નિરૂપે આવી સર્વ હવિષ્યાન્ન ગ્રહણ કરો. એ પ્રાર્થનાથી જીવસૃષ્ટિ, ઇશ્વર સૃષ્ટિ, બ્રહ્મસૃષ્ટિ તે સર્વે અગ્નિ દ્વારા હવિષ્યાન્ન જમીને તૃપ્તિ પામતા હતા. તેથી શ્રીહરિ પણ તૃપ્તિ પામી પ્રસન્ન થતા હતા. એ રીતે સાત દિવસ સુધી વેદ વિધિથી પરમ શ્રેષ્ટ વૈષ્ણવ યજ્ઞ થયો.
શ્રીરાધા કહે : હે પ્રભુ, ત્યારે જે દેવોને સંભારીને હોમ કર્યો હોય તો સર્વ મને સંભળાવો. શ્રીકૃષ્ણ કહે : સર્વપ્રથમ “ૐ અનાદિશ્રીકૃષ્ણનારાયણાય સ્વામિને સ્વાહા” એમ બોલી હોમ કર્યો. પછી અક્ષરબ્રહ્મણે સ્વાહા - મુક્તેભ્ય: સ્વાહા - બ્રહ્મપ્રિયાભ્ય: સ્વાહા - કૃષ્ણાય સ્વાહા - રાધિકાયૈ સ્વાહા - ગોલોક ગોપ-ગોપી ધેનુભ્ય: સ્વાહા - લક્ષ્મીનારાયણ વૈકુંઠ દાસ-દાસીભ્ય: સ્વાહા - વાસુદેવ સંકર્ષણ પ્રદ્યુમ્ન અનિરુદ્ધેભ્ય સ્વાહા - મહાકાળ મહાપુરુષ મહામાયાભ્ય: સ્વાહા - અવ્યાકૃત પ્રધાન પુરુષાય સ્વાહા - અમૃત ભૂમાય સ્વાહા - મહાવિષ્ણુ અહંકારાય સ્વાહા - બ્રહ્મા વિષ્ણુ શંકર સદાશિવ વૈરાજ રૂપાય સ્વાહા - ઇશ્વર ઇશ્વરાણી ભ્ય: સ્વાહા - તન્માત્રા ઈન્દ્રિયો પ્રાણભૂતે ભ્ય: સ્વાહા - અષ્ટાવરણ વાસિભ્ય: સ્વાહા - મત્સ્ય કુર્મ વરાહ કપીલ હરિ પૃથુ દત્તાત્રેય હંસાય નૃર્સિહાય ઋષભાય વામનાય પરશુરામાય યજ્ઞાય કુમારાય રામાય હયગ્રીવાય નારદાય રાજરાજાય કલ્ક્યૈ મોહિન્યૈ સર્વ અવતારેભ્ય: સ્વાહા - અંતર્યામિણે સ્વાહા - સત્યલોક બ્રહ્મા સાવિત્ર્યૈ ગાયત્ર્યૈ સરસ્વત્યૈ સ્વાહા - ઋષિભ્ય: પિતૃભ્ય: દક્ષ મનુ ધર્મ અધર્મ વંશ ગણાય સ્વાહા - દિશા ગુણ કર્મ દ્રવ્ય જાતિ યોગેભ્ય: સ્વાહા - મહર સ્વર્ગ સિદ્ધ નિધિભ્ય: સ્વાહા-સૂર્ય ચંદ્ર તિથિ કલા નક્ષત્ર તારકેભ્ય: સ્વાહા - સ્થાવર જંગમ સર્વે તીર્થેભ્ય: સ્વાહા - શિવાયપાર્વત્યૈ કૈલાશ યોગિની ચક્રાય ગણેશાય કાર્તિકાય હનુમતે સ્વાહા - ભૂતપ્રેત પિશાચેભ્ય: સ્વધા વૃક્ષવેલી તૃણ લતાભ્ય: વષટ્ - પશુપક્ષિભ્ય: સરસૃપેભ્ય કીટેભ્ય: વષટ્ - ગૃહ ગ્રામ ક્ષેત્ર આશ્રમ વન પર્વત સમુદ્રેભ્ય: વષટ્ - દૈત્ય દાનવ રાક્ષસેભ્ય યક્ષેભ્ય: વષટ્ - સાધ્વી નારી યોગિની શ્રૌષટ્ તથા સર્વ સૃષ્ટિઓમાં અંતર્યામિપણે વાસ કરનારા શ્રીહરિકૃષ્ણાય કૃષ્ણવલ્લભાય ગોપાલબાલકાય કંભરાસુતાય સ્વાહા - જયા લલિતા પતયે સ્વાહા - દુ:ખહા લક્ષ્મી પ્રભા પાર્વતી પતયે સ્વાહા એ રીતે સાત દિવસ સુધી મંત્રથી હોમહવન કરી સર્વ મહેમાનોને ભોજન પ્રસાદ જમાડીને યજ્ઞ સમાપ્તિ કરી બાલકૃષ્ણ સરોવરમાં અવભૃથ સ્નાન કર્યું. પછી અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાનને અતિ દાન-દક્ષિણાઓ આપી. શીબી રાજાએ હાથી, ઘોડા, રથ, વાહન, વિમાન, સોનું, ચાંદી, હીરા, મોતી, અન્ન, વસ્ત્ર, દાસ-દાસીઓનાં દાન આપ્યા તથા પોતાની સો કન્યા બાલકૃષ્ણને આપી. પછી શીબી રાજાએ પોતાનાં રાજ્યમાં મંદિર કરાવીને રાધા, લક્ષ્મી, માણિકી, કમલા, રમા, શ્રી આ છ પત્નીઓ સાથે બાલકૃષ્ણ પ્રભુને પધરાવ્યા. આ અધ્યાયનો જે પાઠ કરશે વાંચશે સાંભળશે તે ભુક્તિ મુક્તિને પામશે.
શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણે શીબીરાજાને આશિર્વાદ આપ્યા, તમારા વંશમાં અને તમારી પ્રજામાં કાયમ મારી ભક્તિ રહેશે. પછી શ્રીહરિએ સર્વેને કહ્યું, બીજો યજ્ઞ દ્વિકલ સરોવર કાંઠે થર્કુટ રાજાના રાજ્યમાં થશે. તમે ત્યાં જજો. અમે સર્વે ત્યાં આવશું. એમ કહીને સર્વ પ્રજાને મંત્ર આપી ઉપદેશ આપ્યો, વૈષ્ણવભક્તોએ આત્મામાં પરમાત્માને ધારવા. સત્ય, દયા, પવિત્ર, ત્યાગ, સંતોષ. એ સંતના ગુણ મેળવવા. સરલતા, શમ, દમ, ઉપરાંત તિતિક્ષા, તપ, જપ, શ્રુત, વૈરાગ્ય, શુરવીરતા, સ્વતંત્ર, કૌશલ, કાંતિ, ધૈર્ય, સહન, તેજ, પ્રગલ્ભ, ઐશ્વર્ય, ગાંભીર્ય, સ્થિર, આસ્તિકતા, મૌન, અગર્વ, નિર્દંભ, મૈત્રી, ઉપકાર વગેરે સદ્ગુણો પ્રાપ્ત કરી સંત દશામાં વર્તવું. ગુરુ, સંત, ભક્તની સેવા કરવી. અનાદિશ્રીકૃષ્ણનારાયણ એવો હું મારી ભક્તિ કરવી. માતા-પિતા વૃદ્ધ, વડીલોની સેવા કરવી તથા સર્વ પ્રકારના દાન, પોતાને પ્રિય વસ્તુના દાન કરવા. અહીં મંદિર કરી મારી મૂર્તિ પધરાવશે. તેને હું ધામમાં લઇ જઇશ. શીબી રાજાના યજ્ઞમાં આવેલા મુક્તો, અવતારો, ઇશ્વરો, દેવો-દેવીઓ, ઋષિ-મુનિઓ, સર્વના તીર્થો કુંકુમવાપીક્ષેત્રમાં થયેલા છે. તેથી આ બાલકૃષ્ણ સરોવરમાં જે સ્નાન કરશે તે મોક્ષમાં જશે.