ભાગ · અધ્યાય ૨૪૪–૨૪૮

અશ્વપાટલ રાજાને સોમયજ્ઞ દરમિયાન લોમશ ઋષિ દ્વારા મોક્ષજ્ઞાન

આ અધ્યાય 244–248 સંયુક્ત છે

શ્રીકૃષ્ણ કહે : રાધા, માગશર વદ આઠમે અર્બુદાચલનો રાજા અશ્વપાટલ ભક્તિવાળો અને ધાર્મિક હતો. તે અશ્વપટ સરોવર સોમયાગ કરવા આવ્યો. હાથી અશ્વો ગાયો રથો વાહનો હજારો સેવકોને સાથે લઇ તે લોમશ ઋષિના આશ્રમમાં આવી લોમશ ઋષિને પગે લાગી તેણે પાંચ દિવસનો સોમયજ્ઞ શરૂ કર્યો. લોમશ ઋષિ અને સર્વે વિપ્રો યજ્ઞમાં અશ્વપાટલ રાજારાણીને યજમાનપદે બેસાડીને અગ્નિમાં હવિષ્યાન્ન દ્રવ્યનો હોમ કરવા લાગ્યા. રાત્રિની સભામાં લોમશ ઋષિએ મોક્ષનો ઉપદેશ આપ્યો, ધનવાનોએ પ્રભુને પ્રસન્ન કરવા યજ્ઞો કરી સાધુ વિપ્રોને અનાથ બાળકોને ભોજન કરાવી દાન આપવા. જે રાગદ્વેષ નિંદા કરતા નથી, સર્વનું હિત કરે છે, કોઇને છેતરતા નથી, તે શ્રીહરિના ધામને પામે છે. જેને કોઇ શત્રુ-મિત્ર નથી. જે અહં મમતાથી પર રહે છે તે સર્વદોષથી રહિત થાય છે અને તે પ્રભુ પાસે પહોંચે છે. જે પરંપદને દેવો, ગાંધર્વો, પિતૃઓ પણ જાણતા નથી. તે પદને નિષ્પાપ મનવાળો પામે છે. જેનામાં ગુણનું અભિમાન નથી, જે સત્યવાણી બોલનારા, જે બધુ સહન કરનારા જીતેન્દ્રિય છે તે આલોક પરલોકમાં પૂજાય છે. તપ, જ્ઞાન, વિનય, તેજ, બુધ્ધિથી દુ:ખ સહન કરી બીજાનું કલ્યાણ કરનારા તે આલોક પરલોકમાં પૂજાય છે. શાંત, ઉદાર, અક્રોધી, નિર્મોહી, અનાસક્ત, શ્રીહરિમાં દૃઢ ભક્તિવાળા, બીજાની ગુપ્તવાત પ્રકાશ નહીં કરનારા, દાની તે આલોકમાં પરલોકમાં પૂજાય છે અને પરબ્રહ્મને પામે છે. જીવાત્મા શમ દમ તપ ધ્યાનથી શબ્દબ્રહ્મથી ઉર્ધ્વગતિ અને બ્રહ્મને પામે છે. તપ વિદ્યા યજ્ઞથી વિપ્રો, રક્ષણથી ક્ષત્રિયો, યજ્ઞ-દાનથી વૈશ્યો, સેવાથી શુદ્રો સ્વર્ગને પામે છે. જેની કીર્તિ આલોકમાં હોય ત્યાં સુધી તે સ્વર્ગમાં વાસ કરે છે. સતી, સાધ્વી, સાધુ, અનાથ, દીનને આપનારો શાશ્વત સુખને પામે છે.

પૂર્વે ગૌતમઋષિ વિપ્રોને અન્નથી તૃપ્ત કરી સ્વર્ગમાં જઇને પછી નારાયણપદને પામ્યા. રંતિદેવ રાજા વશિષ્ટને દાન આપી પ્રભુ પદને પામ્યા. ઇન્દ્રદ્યુમ્ન, શીલી, પ્રતદંન, કાશીરાજ, ધર્માંગદ, સ્વર્ણાંગદ, અંબરિષ, વૃષાદર્ભી, યુવનાશ્વ, નિમિ, પરશુરામ, મરૂત્, બ્રહ્મદત્ત, મિત્રસહ, શતદ્યુમ્ન, દ્યુતિમાન, લોમપાદ, મદિરાશ્ચ, પ્રશેનજીત આ સર્વે રાજાઓ યજ્ઞ કરી ઋષિ-મુનીઓને પૃથ્વીના, ધનના, કુટુંબના દાન આપી, શ્રીહરિની ભક્તિ કરીને પરમપદને પામ્યા. અગ્નિ, વિપ્ર, સતી, સંત, દેવ, વૃદ્ધને નમસ્કાર કરનારો ભક્તિવાળો થઇને સંસારસાગરને તરી જાય છે.

પછી બપોરે ઋષિ-મુનિઓ સર્વેએ ભોજનપ્રસાદ લીધો. બીજે દિવસે લોમશ ઋષિ અગ્નિમાં અનેક આહુતિઓ આપી હોમ હવન કરતા હતા. સૂર્ય ચંદ્ર દેવો વિષ્ણુ વગેરે સર્વના નામની આહુતિઓ આપીને સર્વેને ભોજન કરાવ્યા પછી લોમશ ઋષિએ મોક્ષનો ઉપદેશ આપ્યો, શ્રીહરિની ઉપાસના ભક્તિ સદા કરવી, સર્વ પદાર્થમાંથી વૃતિ પાછી વાળી ઇન્દ્રીયના આહારને નિયમમાં કરી મનને વશ કરી અહંમનો લય કરે ત્યારે બુદ્ધિથી આત્મજ્ઞાન થાય છે. જ્ઞાન થવાથી શાંતિ થાય છે. જીવાત્મા પોતાના સ્વભાવથી અનેક જન્મોને ભોગવે છે. તે સ્વભાવ પાપ અને પુણ્યથી પ્રવર્તે છે. પાપ અને પુણ્યથી જ દરિદ્ર-ધનવાન થાય છે. તેમાં ભક્તિ કરી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરે તો અંદર-બહાર પ્રભુનો પ્રકાશ થાય. પંચવિષયને જીતે તો ઇશ્વરભાવ પ્રાપ્ત થાય. સ્વભાવ, કર્મ, વાસના અને માયાને જીતે તો ઇશ્વરપદમાંથી અક્ષરપદમાં જાય. તપમાં રહે તો સત્યુગી. યજ્ઞધર્મમાં રહે તો ત્રેતાયુગી. દાનધર્મમાં રહે તો દ્વાપર યુગી, ધર્મ પાલન ન કરે તો કળીયુગી, બ્રહ્મપરાયણ રહે તો મોક્ષ સ્થિતિ, પરબ્રહ્મપરાયણ રહે તો અક્ષર સ્થિતિ મેળવે. પૂર્વે પ્રભુની આજ્ઞાથી બ્રહ્માએ સૃષ્ટિનું સર્જન કરી જીવાત્માઓને સર્વ ભોગ આપ્યા. ઇન્દ્રિયો અંત:કરણ તેના દેવતા તેના વડે સર્વ ગ્રાહ્ય છે. પણ જીવાત્મામાં રહેલા અંતર્યામિ પરમાત્માને ઓળખીને ભક્તિરૂપી ગાડામાં બેસી જાય તો અક્ષરપદમાં પહોંચી જાય. જેની આજ્ઞાથી કાળ સર્વજીવોને ભમાવે છે. એવા અંદર- બહાર, સ્થૂળ-સુક્ષ્મરૂપે રહેલા પરમાત્માને જાણે તો દિવ્ય અમૃત અક્ષરપદને ભોગવે. ઉદારતાથી લોભને-વિચારથી ક્રોધને - સત્વભાવથી કામને આ ત્રણ જીતી સર્વે ઇન્દ્રિયોને જીતનારો શ્રીહરિની ધ્યાન ભક્તિથી સત્પુરૂષોના આશીર્વાદથી પ્રકૃતિ-સ્વભાવને જીતીને બ્રહ્મપણાને પામે છે. એ રીતે લોમશ ઋષિ મોક્ષનો ઉપદેશ આપી વિરામ પામ્યા.

શ્રીકૃષ્ણ કહે : રાધા, સોમયાગમાં ત્રીજે દિવસે દશમીએ લોમશ ઋષિ વિધિ પ્રમાણે વિપ્રો પાસે યજ્ઞપૂજન કરાવીને અશ્વપટલ રાજા પાસે હોમ કરાવતા હતા. વેદમંત્રોથી યજ્ઞકુંડમાં ઘીની આહુતિઓ આપતા હતા. પછી બપોરે સર્વે મહેમાનોને દૂધપાક, મિષ્ટાન્ન, ભોજન કરાવ્યા. રાત્રે સભામાં લોમશ ઋષિએ ઉપદેશ આપ્યો, બ્રહ્મચર્યથી ઋષિ-મુનિઓ સર્વલોકને જીતીને શાશ્વતપદને પામે છે તથા વનમાં રહેનારા, ફળફુલનો આહાર કરી તપ કરનારા, દેવમંદિરમાં વાસ કરી ભક્તિ કરનારા, જીવ પ્રાણીનું હિત કરનારા, બ્રહ્મચારીઓ ગૃહસ્થો સાધુઓ શ્રીહરિએ કહેલી આજ્ઞાનું પાલન કરી ભક્તિ કરનારા પરમગતિને પામે છે. વેદ અને ગુરુ બ્રહ્મ છે. ગુરુની સેવા દાસભાવે કરવાથી શ્રીહરિ પાસે બ્રહ્મલોકમાં વાસ મળે છે. ગૃહસ્થોએ પણ દેવ ગુરુ સતીપતિની સેવા કરવી. સાધુ, સાધ્વી, ધાર્મિક તપસ્વિઓને ભોજન આપી પછી જમવું તે નિષ્પાપ ભોજન છે. દેવ, આચાર્ય, શ્રીહરિ, પિતા, રાજા, અતિથિ તેની પાસે વાદ ન કરવો. સંબંધી, ભાઇઓ, રાજા, માતા-પિતા તેનો વિરોધ ન કરવો. વૃદ્ધ, બાળકો, દુ:ખી, દુર્બળ તેનું અપમાન ન કરવું. ભાઇને પિતા સમાન માનવો. પત્ની, પુત્ર, પુત્રી પોતાના સ્વરૂપ છે તેમ માની રક્ષણ કરવું. એવી રીતે ગૃહધર્મ પાળી શ્રીહરિની ભક્તિ કરી બ્રહ્મગતિને પ્રાપ્ત કરે છે અથવા સાધુ થઇ વનમાં વાસ કરી સાત્વિકપણે ફળફુલ કંદમૂળનો આહાર કરી અલૌકીક બ્રહ્મપુત્ર થઇને પરબ્રહ્મમાં સંલગ્ન્ન રહેતો મોક્ષને મેળવે છે. મનથી ઇદ્રીયોની વૃત્તિને રોકે છે, બુધ્ધિથી મનને નિયમમાં રાખે છે તેને આત્મપ્રકાશ થાય છે. પછી તેને પ્રભુમાં સ્નેહ થાય છે. ત્યારે જ્ઞાની થઇને બ્રહ્મરૂપ થાય છે અને સંસાર સાગરને તરી જાય છે. આત્મા સ્ત્રી નથી, પુરૂષ નથી, નપુસંક નથી, સનાતન બ્રહ્મરૂપ છે. પરબ્રહ્મથી પુષ્ટિ પામેલો તેના આનંદવાળો રસવાળો તેના સરખું તેનું સુખ લેનારો તેમાં વાસ કરનારો છે, આવું જાણે ત્યારે પરબ્રહ્મમાં લીન થાય છે, જ્યારે સર્વમાં શ્રીહરિને જુવે છે, સર્વમાં પોતાને જુવે છે, પોતામાં સર્વને દેખે છે ત્યારે વાસના બંધનથી મુક્ત થાય છે. જ્ઞાનથી શાંતિ થાય છે. શાંતીથી તૃપ્તિ થાય છે. તૃપ્તિથી શ્રીહરિમાં સ્થિતિ થાય છે ત્યારે જગતના પદાર્થનો ત્યાગ કરી શ્રીહરિના શાશ્વત સુખનો અનુભવ કરે છે. તે મુક્તાત્મા બ્રહ્મરૂપ થઇને માયાના સત્વ, રજ અને તમોગુણ આ ત્રણ ગુણ જીતીને અક્ષરધામને પામે છે તેને ક્યારે પણ આ માયાના બ્રહ્માંડમાં આવવું પડતું નથી. એ રીતે લોમશ ઋષિએ જ્ઞાનોપદેશ આપી વિશ્રામ કર્યો.

સોમયજ્ઞને ચોથે દિવસે એકાદશીએ સવારે લોમશ ઋષિ યજ્ઞ મંડપમાં આવી સ્વસ્તિવાચન કરી પ્રોક્ષણ કરી વિપ્રો અગ્નિમાં હવિષ્યાન્નનો હોમ કરવા લાગ્યા. યજમાન અશ્વપટલ રાજા પત્ની સાથે ઘીની આહુતિઓ આપતા હતા. પછી બપોરે સર્વને દૂધપાન કરાવી કિર્તન ઉત્સવ કરતા હતા. રાજા-રાણીએ શ્રી અનાદિ શ્રીકૃષ્ણનારાયણનું ષોડ્શોપચારથી પૂજન કરી, રાત્રે જાગરણ કરી, વ્રત ઉદ્યાપન કરતા હતા. સવારે અનાદિશ્રીકૃષ્ણનારાયણે મોરલી વગાડતા રાધા, રમા, સાથે દિવ્ય તેજસ્વી સ્વરૂપે દર્શન દીધા, જમણી બાજુમાં માતા કંભરાલક્ષ્મી, ડાબી બાજુ પિતા ગોપાલકૃષ્ણના દર્શન કરી સર્વેએ પૂજા કરી. પ્રભુએ કહ્યું, તમારા વ્રત અને યજ્ઞથી પ્રસન્ન થયો છું. એમ કહી અદૃશ્ય થયા. પછી લોમશ ઋષિએ કહ્યું, લોકમાં અનેક પ્રકારના ધર્મ છે. તે સર્વથી પ્રભુ પ્રસન્ન થાય છે. યજ્ઞધર્મ, સેવાધર્મ સ્વર્ગ અને ધામ આપે છે. બીજાને સુખ આપવાથી પોતે સુખી થાય છે. અતિથિને સંતોષવાથી પરલોકમાં સહાય થાય છે.

પૂર્વે જટીલાયન ઋષિ તપ કરતા હતા. તેની જટામાં ચકલીએ માળો કર્યોં, ઇંડા મુક્યા, બચ્ચાં થયા, મોટા થયાં, ઉડવા લાગ્યા, ઉડીને ચાલ્યા ગયા, તો પણ ઋષિએ બચ્ચાંની રાહ જોઇ, ન આવ્યા એટલે જટામાંથી માળો કાઢ્યો. ત્યાં એક શીકારી આવી કહે, મને માંસ રાંધવા દે. ઋષિએ સગવડતા આપી. વ્યાધે માંસ રાંધી ખાધું. પછી ઋષિને કહ્યું, મારા પગ દાબ. ઋષિએ પગ દાબતા પ્રભુ પ્રાર્થના કરી, અતિથિમાં રહેલા પ્રભુ પ્રસન્ન થજો. ત્યાં શિકારી અદૃશ્ય થયો અને ચતુર્ભુજ નારાયણ લક્ષ્મી સાથે દર્શન દીધા અને કહ્યું, ઋષિ શું ઈચ્છા છે ? ઋષિ કહે, પ્રભુ તમારા ધામમાં વાસ આપો. પ્રભુએ ઋષિના દેહનો ત્યાગ કરાવી અક્ષરધામમાં લઇ ગયા. એ રીતે સેવાધર્મ શરણાગત રક્ષાધર્મ તે સર્વ યજ્ઞરૂપ છે, તેથી પ્રભુ પ્રસન્ન થાય છે.

પૂર્વે વણિક શાક વેચતો, તે જે શાક લેવા આવે તેને વૈષ્ણવ બુધ્ધિથી નમસ્કાર કરી વેપાર કરતો. માતા પિતાની સેવા કરી પ્રભુ નામ સ્મરણ કરતો. જેને ભગવાનના નામનો ભક્તિનો મહિમા જણાય છે તે પ્રભુની કથા વિના બીજું સાંભળતો નથી. પ્રભુના દર્શન વિના બીજું દેખતો નથી, પ્રભુના નામ ચરિત્રો સેવા વિના બીજું બોલતો નથી, રાગદ્વેષથી પર થઇ જે બીજાને ભય નથી આપતો તેને કોઇનાથી ભય રહેતો નથી. અહિંસાવાળા એવા સાધુજનો અભયપદ પામે છે. જે હિંસા કરનારા છે તે નીચ યોનિને પામી અતિદુ:ખ ભોગવે છે. એકવાર શ્રીહરિ વણિકને ત્યાં શાક લેવા આવ્યા, વણીકે નમસ્કાર કરી શાક આપ્યું, પ્રભુ દર્શન આપી વિમાનમાં બેસાડીને ધામમાં લઇ ગયા. લોમશ ઋષિ કહે, પ્રભુના ધામમાં જવા પરમપદ પામવા કંભરા ગોપાલપુત્ર અનાદિશ્રીકૃષ્ણનારાયણ શ્રીકૃષ્ણવલ્લભનું ભજન કરો. એમ કહીને લોમશ ઋષિ અશ્વપટસરોવરમાં સ્નાન કરવા ગયા.

શ્રીકૃષ્ણ કહે : રાધા, બારસને સવારે લોમશ ઋષિ સર્વે વિપ્રો સાથે વેદમંત્રોથી યજ્ઞકુંડમાં અગ્નિદેવને જવ, ઘઉં, ડાંગર, તલ, ઘી, હવિષ્યાન્નનો હોમ કરી આપતા હતા. શ્રીહરિ, ઇન્દ્ર, વરૂણ, સરસ્વતિ, સૂર્ય, ચંદ્ર વગેરેનું પૂજન કરી બલિ ભોજન આપતા હતા. એ રીતે પાંચ દિવસમાં સોમયજ્ઞની પુર્ણાહૂતિ કરી સર્વે મહષિર્ઓ સોમરસનું પાન કરતા હતા. પછી રાજારાણી સર્વે મહેમાનોએ યજ્ઞનો ભોજનપ્રસાદ ગ્રહણ કર્યો. રાત્રીએ યજ્ઞ નારાયણે દર્શન આપી રાજાને આશીર્વાદ આપી કહ્યું, અહીં મારું મંદિર કરી મારી પ્રતિષ્ઠા કરજે. અશ્વપાટલ રાજાએ ત્યાં મંદિર કરી યજ્ઞ નારાયણની પ્રતિષ્ઠા કરી, ભોજન કરાવી, દાન આપ્યા. પછી લોમશ ઋષિ પાસેથી “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય સ્વામિને સ્વાહા”. એ મંત્ર ગ્રહણ કરી ભજન કરવા લાગ્યો. ત્યાં અશ્વપટ સરોવરમાં ઇશાનમાં સોમયજ્ઞ તીર્થ થયેલું છે.