ભાગ · અધ્યાય ૮૯

શ્રીબાલકૃષ્ણ પ્રભુનો અગિયારમો જન્મજયંતિ મહોત્સવ

શ્રીકૃષ્ણ કહે : રાધા, સનતકુમારનું વચન અને અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મહિમા સાંભળી સર્વે તીર્થો ઋષિ મુનિઓ કહે, ઋષિ એવા પ્રગટપ્રભુના દર્શન અમને કરાવો. પછી કુંભસ્નાન કરી સર્વે તીર્થો ઋષિ-મુનિઓ સનતકુમાર સાથે અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન ધૂન કરતા હતા. તે સાથે દેવો, સિદ્ધો, ચારણો, વિદ્યાધરો, ગાંધર્વો, કિન્નરો સર્વે શ્રીહરિના દર્શન કરવા આવતા હતા. તે સાથે ઇશ્વરો અવતારો પણ ગીત, સંગીત, વાજિંત્ર સાથે કિર્તન કરતા જયઘોષ કરતા પ્રગટ પ્રભુના દર્શન કરવા આવતા હતા. તે સર્વે અશ્વપટ સરોવર બ્રહ્મધરામાં સ્નાન કરી કીર્તન કરતા હતા. ત્યાં તે સર્વેનો સત્કાર કરવાના ઉત્સાહવાળા કંભરાલક્ષ્મી ગોપાલકૃષ્ણ, લોમશ ઋષિ, બ્રહ્મપ્રિયાઓ, કન્યાઓ સામા ગયા. તે સર્વ અનાદિશ્રીકૃષ્ણનારાયણ બાલકૃષ્ણ પ્રભુના દર્શન કરી જય જય બોલતા પરસ્પર એકબીજાને ભેટ્યા, કુશળ સમાચાર પૂછ્યા. દર્શને આવેલા સર્વે શ્રીહરિના ચરણમાં આળોટવા લાગ્યા. અતિ આનંદ, ઉત્સાહમાં સર્વે નૃત્ય કરવા લાગ્યા અને પ્રગટ પ્રભુની ચરણરજ માથે ચડાવવા લાગ્યા. કેટલાંક અશ્વપટ સરોવરનું જલ માથે ચડાવતા અને પીતા હતા, પછી સર્વેએ અનાદિશ્રીકૃષ્ણનારાયણને સ્નાન કરાવી ષોડ્શોપચારથી પૂજન કરી પોતાનું ધન્ય ભાગ્ય માની મોક્ષ ભાગી થતા હતા. પછી લોમશ ઋષિના આશ્રમમાં આવ્યા. ત્યાં લોમશ ઋષિએ બ્રહ્મધામથી લાવેલા દૂધપાક મિષ્ટાન્નોથી સર્વે મહેમાનોને તૃપ્ત કર્યાં પછી સર્વે ઋષિમુનિઓ નદી, પર્વતો, તીર્થો, દેવો, પિતૃઓ, મનુષ્યો શ્રીહરિના દિવ્ય દર્શન કરીને સર્વથી પર અક્ષરધામમાં રહેલા તેમને જોઇને સાલોક્ય, સાર્ષ્ટિ, સારૂપ્ય અને સાયુજ્ય આ ચાર પ્રકારની મુક્તિને પ્રાપ્ત કરતા હતા.

કુંકુમવાપી તે સાર્ષ્ટિ મુક્તિ. અશ્વપટ સરોવર બ્રહ્મધરો તે સારૂપ્ય મુક્તિ. લોમશ ઋષિનો આશ્રમ તે સાલોક્ય મુક્તિ અને અનાદિશ્રીકૃષ્ણનારાયણનું જન્મસ્થાન તે સાયુજ્ય મુક્તિ. એ રીતે ચાર પ્રકારની મુક્તિ પ્રગટ પ્રભુના ધામમાં રહેલી છે. પછી બીજે દિવસે અનાદિશ્રીકૃષ્ણનારાયણના અગિયારમાં જન્મજયંતિના મહોત્સવમાં વિશ્વકર્માએ મહામંડપની રચના કરી ચારેકોર સર્વને બેસવાના આસનો, સિંહાસનો ગોઠવ્યા. વચ્ચે ગજાસન પર શ્રીહરિ વિરાજતા હતા. સર્વે મુક્તો, અવતારો, ઇશ્વરો, સાધુ-સાધ્વીઓ, દેવો, મહર્ષિઓ બાલકૃષ્ણનો જયઘોષ કરતા આસને બેઠા. પછી લોમશ ઋષિએ શ્રીહરિની પૂજા કરી, આરતી કરી આશિર્વાદ આપ્યા. પછી માતા-પિતાએ હાર પહેરાવી આશિર્વાદ આપ્યા. પછી હેમંત ભગવાન પાર્ષદોએ હાર પહેરાવ્યા. પછી સંતોક, અમૃત વગેરેએ હાર પહેરાવ્યા. પછી સર્વે અવતારો, મુક્તો, મુક્તાનીઓ, ઇશ્વરો, શ્રીહરિની પૂજા કરી, આરતી કરી, ભેટ મુકતા હતા. પછી ઋષિ-મુનિઓ દેવો, પિતૃઓ, દેવીઓ, સર્વે તીર્થો અનાદિશ્રીકૃષ્ણનારાયણ પુરુષોત્તમ નારાયણને વસ્ત્ર, આભૂષણો ધારણ કરાવી, પૂજા કરી, આરતી ઉતારતા હતા. પછી શ્રીહરિ સર્વે મહેમાનોને ભોજન કરાવતા હતા. પછી સર્વેને આશિર્વાદ આપી કહ્યું, તમે સર્વે પુણ્યકાલે એકાદશીએ કાર્તિકમાં, માઘમાં, વૈશાખમાં, શ્રાવણમાં દર વર્ષે મારા જન્મદિવસે અહીં મારા દર્શને આવવું. પ્રગટ પ્રભુની એવી વાણી સાંભળીને સર્વે તીર્થો પોતપોતાના સ્થાનમાં ગયા.