જયકૃષ્ણવ રાજાની વરણાનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
શ્રીકૃષણ કહે : રાધા, વરણાનગરીનો રાજા જયકૃષ્ણવની પ્રાર્થનાથી સ્વેષ્ટજર ઋષિ સાથે વિમાનમાં બેસી રાહુનાયા નદીકાંઠે વરણા રાજધાનીમાં આવ્યા. અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાન વિમાનમાંથી ઉતર્યા. ત્યાં રાજા, પ્રજા, નરનારીઓએ જય જયકાર કરી પુષ્પચંદન, ચોખાથી પ્રભુને વધાવ્યા. રાજા, પ્રજા, શ્રીમંતોએ, સુવર્ણહાર, પુષ્પહાર, ગજરાધારણ કરાવી શ્રીહરિના ચરણ ધોઇ પાણી પીધું. પછી પ્રભુને હાથી પર બેસાડીને નગરમાં ફેરવી પાવન કરી રાજમહેલમાં આવી ભોજન કરી બપોર પછી સભામાં ઉપદેશ આપ્યો કે, દેહધારી પાપ પુણ્ય કરે છે. તે સમય આવે સુખ દુ:ખને ભોગવે છે. અત્યારે તમારું પુણ્ય ઉદય થયું છે. તેથી મારું દર્શન થયું. મંત્ર, ઔષધ, વૃષ્ટિ, વાવેલું બીજ, વૃક્ષ સર્વે સમય આવે ફળે છે. મનુષ્યો પરમેશ્વરને તજીને અજ્ઞાનથી લોભ તૃષ્ણાથી વિષયના વેગમાં જાય છે. તેને દુ:ખ થાય છે. પછી દુ:ખમાં પ્રભુને સંભારવાથી સુખ થાય છે. સુખદુ:ખ સદા રહેતા નથી. તેથી શાશ્વત સુખની ઈચ્છા રાખી ભગવાનની ભક્તિ-સેવા કરી પ્રભુને પ્રસન્ન કરી શાશ્વત સુખ મેળવવું જે નાશ ન પામે. તે માટે શ્રીહરિનો આશરો અથવા સંતપુરૂષનું શરણ અને સેવા આ ત્રણ સાધન વિના દુ:ખનો અંત આવતો નથી. પુણ્યથી સર્વે ભોગ પ્રાપ્ત થયા હોય પણ પરમાત્મા અને સત્પુરૂષને અર્પણ ન કર્યું તો સર્વે નિષ્ફળ થાય છે. કર્મની ગતિ વિચીત્ર છે. દરિદ્રને સંતાન ઘણા હોય, શ્રીમંતને પુત્ર ન હોય તે સર્વકર્મ પ્રમાણે થાય છે. અસંખ્ય જન્મોમાં માતા પિતા કર્યા, પતિ-પત્ની સંતાનો થયા. સંસારમાં આવ્યો. ભોગ તજી ચાલ્યો ગયો, તેમાં કોણ તેનું, કોણ આપણું ? માટે આત્માનો પરમેશ્વર વિના કોઇ સંગાથી નથી. એવું જાણી શ્રીહરિનું નામ સ્મરણ કરવું. વેદ ભણવા છતાં વ્યાધિથી પરાભવ પામે. દોષનો નાશ કરે પણ મૃત્યુને ન તરી શકે. રસાયણ ઔષધ ખાય તો પણ વૃદ્ધપણું આવે. તપસ્વિ, દાની, યજ્ઞ કરનારા પણ લાંબુ જીવે છે પણ શાશ્વત સુખ તો મારો આશ્રય કરી, મારી ભક્તિ કરનારાને પ્રાપ્ત થાય છે. શ્રીહરિનો આ અલૌકિક ઉપદેશ સાંભળી રાજા પ્રજા સર્વે રાજી થયા. પછી રાજકુટુંબે પ્રભુની પૂજા આરતી કરી, ભેટ મુકી કન્યાદાન કર્યું. બાલકૃષ્ણ પ્રભુએ સર્વેને કંઠીમાળા આપી આશીર્વાદ આપ્યા.