ગંડક રાજાની લીશવનનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
શ્રીકૃષ્ણ કહે : રાધા, પ્રભુ પુર્તગંડ ઋષિના પ્રદેશમાં ગંડક રાજાની પ્રાર્થનાથી લીશવન નગરીમાં પધારવા માટે ઋષિઓ સાથે વિમાનમાં બેઠા. અનાદિશ્રીકૃષ્ણનારાયણનું વિમાન રાજાના બગીચામાં ઉતર્યું. રાજારાણી કુટુંબ, પ્રધાનવર્ગ, પ્રજા, સર્વ વાજીંત્રો વગાડી પુષ્પ ચોખાથી જયઘોષ કરી વધાવ્યા. પછી રાજાએ હરિકૃષ્ણને હાથી પર બેસાડીને તથા ઋષિઓને રથ-વાહનોમાં બેસાડ્યા. શ્રીહરિને નગરમાં ફેરવી રાજમહેલમાં લાવ્યા. રાજારાણી, કન્યાઓએ કૃષ્ણવલ્લભનું પૂજન કર્યું. વસ્ત્ર-અંલકારો ધારણ કરાવી હાર પહેરાવી ફળ, જળ, દ્રવ્ય, અર્પણ કર્યા. તથા શ્રીહરિને નવ રાજકન્યાનું દાન કર્યું. પછી પ્રભુને ઋષિ સર્વેને ભોજન કરાવ્યા.
બપોર પછી સભામાં બાલકૃષ્ણ પ્રભુએ સર્વને ઉપદેશ આપ્યો કે, રાજ્યમાં ઘરમાં, વાડીમાં કે વનમાં સંતવૃત્તિ કરનારો વિવેકી શાંતિ મેળવે છે. તૃષ્ણાતંતુ કાપે તો આત્મસ્થિતિ પ્રાપ્ત કરે, આલોકને નિરસ કરે ત્યારે શાંતિ પામે છે. શબ્દને આકાશનો ભાગ માને, સ્પર્શને અગ્નિ સમાન માને, રૂપને રોગસમાન જાણે તે શાંતિ પ્રાપ્ત કરે છે. હું દેવ નથી મારે ભોગ નથી, હું ભોક્તા નથી, એવો વિવેકી થાય ત્યારે શાંતિ પામે છે. નદીકાંઠે, વનમાં, દેવ મંદિરમાં, તીર્થમાં, એકાંતમાં, વિવેકી શાંતિ મેળવે છે. સત્પુરૂષનો ગુણ લઇ સેવામાં રહેનારો મનમાં તરંગોને તજનારો શાંતિ મેળવે છે. જ્ઞાનવિજ્ઞાન, ધન મેળવવું. સંતોષ તૃપ્તિરૂપી શાંતિ મેળવવી. રાજાએ પુત્રની જેમ પ્રજાનું રક્ષણ કરવું. નીતિ, ધર્મને ગ્રહણ કરી શત્રુ, મિત્ર-દાસપણાની પરીક્ષા કરવી. શ્રીહરિના ઉપદેશમાં નીતિ વાક્યો સાંભળી ગંડરાજા કહે, તુચ્છ શરીર, તુચ્છ પંચ વિષય હોવા છતાં રાજા-પ્રજા એવો ભેદ કેમ પડ્યો ? શ્રીહરિ કહે, પહેલા સત્યુગમાં કલ્પવૃક્ષો હતા. સર્વ સુખ સ્વાધિન હતા. સમય જતા કલ્પવૃક્ષ અદૃશ્ય થયા. એટલે આ તારું આ મારું એમ વિવાદ થવાથી દંડ દેવા રાજાની નિયુક્તિ કરી. તથા બ્રહ્માએ બૃહસ્પતિએ શુક્રાચાર્યે વગેરે નીતિ, ધર્મો, શાસ્ત્રો લખી પ્રજાને આપ્યા અને રાજા- પ્રજાનો ધર્મ રાખવા ધર્મવાળા ઋષિઓ થયા. પછી મેં મારા લલાટમાં વૈષ્ણવી લક્ષ્મીરૂપી સંપત્તિ ઉત્પન્ન કરી. તે સર્વ પ્રજાનો સંકલ્પ પૂર્ણ કરનારી અને મોક્ષ આપનારી થાય છે. તે સંપત્તિ લક્ષ્મી મને અર્પણ કરીને ભોગવે તો જીવાત્માઓ મને પામે છે. શ્રીહરિની દિવ્યવાણી સાંભળી રાજા-પ્રજાજનો સર્વે રાજી થયા. પછી પ્રભુએ ભોજન કરી વિશ્રામ કર્યો. રાજારાણીએ સેવા કરી. નવમીએ સવારે જાગી નિત્યકર્મ કરી દૂધપાન કરી રાજા-પ્રજાને આશીર્વાદ મંત્ર આપ્યા.