સતીષ રાજાની સંચાલાનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
શ્રીકૃષ્ણ કહે : રાધા, કુષ્ટક ઋષિ સાથે સતીષ રાજા આવી શ્રીહરિને પોતાના સંચાલાનગરીમાં પધારવા પ્રાર્થના કરી. શ્રીહરિ વિમાનમાં બેસી ત્યાં ગયા. કરોડો કામદેવને મોહ પમાડનારા શ્રીહરિના દિવ્યરૂપને જોઇ રાજાપ્રજા સર્વે આશ્ચર્ય પામી પ્રભુને પુષ્પહારો પહેરાવી સ્વાગત કરી જયઘોષ કર્યો. શ્રીહરિ તથા સર્વને હાથી પર બેસાડીને ડંકાની શાન, ઢોલ, શરણાઇ, ત્રાંસો વગેરે વાજીંત્રો તથા સૈન્ય સાથે શહેરમાં ફેરવ્યા. દરવાજામાં, રાજમાર્ગ પર, ચોકમાં બજારમાં, શેરીમાં, અગાસીમાં, નરનારીઓ, બાલકૃષ્ણના દર્શન કરવા અતિ આતુર હતા. પ્રધાનો, શ્રીમંતો, પ્રજાજનો બાલકૃષ્ણને ચંદન, પુષ્પ ચોખાથી વધાવી આરતી ઉતારી વસ્ત્રઅલંકારો, ફળફુલ અર્પણ કરતા હતા. પછી શ્રીહરિએ રાજમહેલમાં આવી સભા કરી ઉપદેશ કર્યો આલોકમાં અનેક દોષો રહેલા છે. વૈરાગ્યવાળાને પણ દેશકાળ વિપરીત આવે છે, તેમાં મારો યોગ, તે કાળપાસથી રહિત કરી મોક્ષ આપનારો છે. ધન, સ્ત્રી, પુત્ર, કુટુંબ, નાશ પામે ત્યારે અતિ દુ:ખથી શોક થાય, તે દુ:ખ અને શોકનો નાશ કરનાર સાધુ સમાન કોઇ નથી, માટે ભગવાન અને સંતમાં પ્રિતી કરવી, તેવી જગતના જીવ પદાર્થ અને કુટુંબમાં પ્રીતી ન કરવી. અવિવેકીજનો પરમેશ્વરને ત્યજી કુટુંબમાં જ આસક્ત રહે છે, તેને દુ:ખ-શોકનો અંત આવતો જ નથી. સ્ત્રી, પુત્ર, સંપત્તિ, ખેતરવાડી, વેપારમાં મોહથી ડૂબેલા, સૂતેલાને કાળ ક્યારે લઇ જાય તે જાણી શકતા નથી. માટે તૃષ્ણા, વાસના, ઈચ્છાઓને ત્યજી મોક્ષ માર્ગે ચાલવું. સંત સમાગમથી મોહ, મૃત્યુને જીતી પ્રભુના મહાઆનંદ અમૃતને મેળવવું. વધુ સંપત્તિવાળા સુવર્ણવાળા રાજાને વધારે ઉદ્વેગ રહે છે. સંપત્તિ વિનાના મનુષ્યને ચોર, શત્રુ, અગ્નિ, મૃત્યુનો ભય રહેતો નથી. આ રીતે શ્રીહરિએ ઉપદેશ આપી સર્વને શરણમંત્ર, રક્ષણમંત્ર, બ્રહ્મમંત્ર આપ્યા. પછી રાજારાણીએ પૂજા કરી આરતી ઉતારી ભેટ મુકી. ત્રણ રાજકન્યાએ શ્રીહરિને કંઠમાં વરમાળા પહેરાવી.