ભાગ · અધ્યાય ૨૩૯

બાલપ્રભુના પુંડરીક રાજાને હંસરૂપે અને ચોલ રાજાને નૃસિંહરૂપે દર્શન

શ્રીકૃષ્ણ કહે : રાધા, શ્રીહરિનો ચમત્કાર કહું સાંભળ. ગુજરાતનો મહી નદી કાંઠાનો રાજા પુંડરીક ધાર્મિક ભક્તિવાળો હતો. તે પોતાના રાજ્યમાં ભગવાનની ભક્તિ-એકાદશીવ્રત કરાવતો હતો. એકવાર કાર્તિક સુદ દશમે અશ્વપટ્ટ સરોવર કુંકુમવાપી ક્ષેત્ર આવી સાધુવિપ્રોને જમાડી દાન આપ્યા. લોમશ ઋષિ બાલકૃષ્ણની પૂજા આરતી કરી. બીજે દિવસે નિરાહાર રહી એકાદશી વ્રત કરી લક્ષ્મીનારાયણ સંહિતાની કથા સાંભળી રાત્રે જાગરણ કરી અનાદિશ્રીકૃષ્ણનારાયણના ધૂન્ય કિર્તનો કર્યા. ત્યાં હૃદયમાં કૃષ્ણવલ્લભના દર્શન થયા. રાજા હંસ હંસ જપ કરવા લાગ્યો. લક્ષ્મી સાથે શ્રીહરિ હંસરૂપે આવ્યા. લક્ષ્મીએ રાજાને અભિષેક કર્યો. રાજા જાગી પ્રભુને પગે લાગ્યો અને મોક્ષ માગ્યો. પ્રભુ કહે, તથાસ્તુ. તરત રાજારાણી દેહત્યાગ કરી ચતુર્ભૂજ થઇ વૈકુંઠ ધામમાં ગયા. તે હંસતીર્થ થયું.

એજ રીતે ઉત્કલ દેશનો ચોલ રાજા કુટુંબ, સૈન્ય સાથે સોમનાથ દ્વારકા તીર્થ કરી કારતક પૂર્ણિમાએ અશ્વપટસરોવર આવી સ્નાન કરી પૂજામાં બેઠો. ત્યાં પૂજામાં નૃસિંહ ભગવાનની મૂર્તિ અદૃશ્ય થઇ ગઇ. રાજાને એમ થયું પ્રભુનો અપરાધ થયો છે. તપાસ કરતા સૈન્યના પશુએ પ્રભુના બગીચાનો નાશ કરેલો. રાજને દુ:ખ થયું ત્યાં આકાશવાણી થઇ. રાજા અત્યારે હું નૃસિંહ બાલકૃષ્ણરૂપે કૃષ્ણવલ્લભ પ્રગટ થયો છું. તું પૂજા કરી અશ્વપટ સરોવર કાંઠે નૃસિંહ મંદિર કરી પ્રતિષ્ઠા કરી ઋષિમુનિઓને ભોજન કરાવી, દાન આપજે. રાજાએ રાજી થઇ ષોડ્શોપચારથી બાલકૃષ્ણનું પૂજન કરી ભેટ મુકી. અશ્વપટ સરોવરકાંઠે નૃસિંહ મંદિર કરાવી બગીચો બનાવી આજીવીકા બાંધી સ્થાપન કરી પોતાના દેશમાં ગયો. તે નૃસિંહતીર્થ થયેલું છે. ત્યાં સ્નાન, દાન, વ્રત, તપ, જપ, જે કરશે તેના સર્વ સંકલ્પ પૂર્ણ થશે.