બાલપ્રભુએ વિપ્ર ધર્મસુમંતુને ચિતામાંથી બેઠો કરી નવજીવન આપ્યું
લોમશ ઋષિ કહે : હે અશ્વપાટલ રાજા, પૂર્વે અર્કપુરીમાં શ્વેતવ્યાસનો શિષ્ય ધર્મસુમંતુ વેદ ભણીને લક્ષ્મીનારાયણ સંહિતાની કથા વાંચતો અને અનાદિશ્રીકૃષ્ણનારાયણની સેવા ભક્તિ કરતો. એકવાર અશ્વપટ સરોવરમાં સ્નાન કરવા જતા રસ્તામાં સર્પ કરડ્યો એટલે વિપ્રે પ્રાણાયામ કરી, સર્પને બોલાવી કહ્યું, તે મને શા માટે દંશ દીધો અને તું કોણ છો ? સર્પ કહે, હું આ ગામનો શાર્દુલચંદ્ર રાજા હતો. ધર્મકર્મથી રહિત નાસ્તિક સર્વની નિંદા અપમાન કરનારો હતો. એકવાર તું યજ્ઞ માટે મારી પાસે દ્રવ્ય માગવા આવ્યો. મે તિરસ્કાર કરી કાઢી મુક્યો. તે શાપ આપ્યો તું સર્પ થા, તેથી હું સર્પયોનિને પામ્યો છું અને વેરથી તને દંશ દીધો. તે હું જાણું છું, તું જાણતો નથી. હવે મારો ઉદ્ધાર કર.
ધર્મસુમંતુ કહે : સર્વે દેહધારીઓ કર્મથી પાપથી, તૃષ્ણાથી, સ્વભાવથી, અનેક જન્મોને પામે છે. પણ જ્યારે બ્રહ્મનિષ્ટ સાધુ, બ્રાહ્મણોનો આશ્રય કરી ભગવાનનું ભજન કરે છે, ત્યારે તેનો મોક્ષ થાય છે. એમ કહીને “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય સ્વામિને સ્વાહા” એ મંત્ર આપી પાણી છાંટી સર્પ દેહથી તેનો મોક્ષ કર્યો. ધર્મસુમંતુએ પણ દેહત્યાગ કર્યો તેથી તેની પત્ની આવીને અનાદિશ્રીકૃષ્ણનારાયણ શ્વેતવ્યાસનું સ્મરણ કર્યું. પ્રભુએ પ્રત્યક્ષ આવી શ્રીકૃષ્ણવલ્લભરૂપે દર્શન આપી ચિતામાંથી બ્રાહ્મણને બેઠો કર્યો. પતિ-પત્ની બંનેએ પ્રભુના દર્શન કર્યા. ત્યાં અશ્વપટ સરોવરમાં શ્વેતવ્યાસતીર્થ થયેલું છે.