ભાગ · અધ્યાય ૭૪

શ્રીબાલકૃષ્ણ પ્રભુનો નવમો જન્મજયંતિ મહોત્સવ

શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણના નવમા જન્મજયંતિ મહોત્સવમાં મુકતો-મુક્તાનીઓ, અવતારો-અવતારિણીઓ, ઇશ્વરો-ઇશ્વરીણીઓ, દેવો-દેવીઓ, પિતૃઓ, ઋષિ-મુનિઓ, મનુષ્યો સર્વે સ્થાવર જંગમ સર્વે તીર્થો આવીને બાલકૃષ્ણને આશિર્વાદ આપતા હતા અને ભેટ આપતા હતા. પછી લોમશ ઋષિએ પૂજા કરી. સર્વેએ બાલકૃષ્ણની પૂજા કરી એકસો એક વાટ્યોથી આરતી ઉતારી. ગોપાલકૃષ્ણ કંભરાલક્ષ્મી સર્વેનો સત્કાર કર્યો. તે દિવસે કીમ નદીકાંઠે કોસંબાપુરમાં નદીકાંઠે, કૌશાંબિક ઋષિ આશ્રમમાં રહેતા અને લક્ષ્મીનારાયણ સંહિતાની કથા કરી અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરતા. તેની પાસે અંત્યજ પતિ-પત્ની બંને આવ્યા. તે દરિદ્ર અને કોઢના રોગી હતા. ઋષિને પગે લાગી કહે : અમને આવો મહારોગ કેમ થયો ?

કૌશાંબિક ઋષિ ધ્યાનમાં જોઇને કહે : તમે પૂર્વે જન્મમાં બ્રાહ્મણ હતા. લક્ષ્મીનારાયણના મંદિરમાં રહી પૂજા કરતા, પણ સ્નાન કર્યા વિના, પાણી ગાળ્યા વિના, થાળ કરતા. મેલા વસ્ત્ર પહેરી સ્નાન કર્યા વિના પૂજા કરતા. રજસ્વલાપણું પાળતા નહીં. તે પાપે તમને ચાંડાલનો જન્મ દરિદ્રપણું અને રોગ થયો છે. હવે અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર લઇ ભજન કરો તેથી તમારો રોગ નાશ પામશે. પછી તે દંપતીએ “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય સ્વામિને સ્વાહા” એ મંત્ર લઇ ભજન કરવા લાગ્યા. તેથી તેના સર્વે પાપ નષ્ટ થયા અને જન્મજયંતિએ પ્રભુએ તેમને દર્શન આપી વિમાનમાં બેસાડી કુંકુમવાપીના તીર્થના દર્શન કરાવી પ્રસાદી ચરણામૃત પાઇ, રોગ નષ્ટ કરી, દિવ્યદેહ ધારણ કરાવી બ્રહ્મલોક મોકલી દીધા. શ્રીકૃષ્ણ કહે : રાધા, આ જન્મજયંતિનો મહામહોત્સવ ચમત્કારપુરના જનોએ જોયો. તે કીમ નદીકાંઠે પ્રભુએ કૌશાંબિક ઋષિને દર્શન આપ્યા તે તીર્થ થયું છે.