કુંકુમવાપીમાં દત્તાત્રેય - પવમાન અને વરાહ તીર્થનો વાસ
શ્રીકૃષ્ણ કહે : રાધા, વૈરાજનારાયણના મુખમાંથી નીકળેલો અગ્નિ ત્રણ રૂપે થયો. પવિ વીજળીરૂપે રહેલો અગ્નિ ઇન્દ્રને આપ્યો. પાવક બ્રહ્માને આપ્યો, તે પૃથ્વીમાં રસોઇ પકાવવામાં રહ્યો. પવમાન તે વનમાં ભટકતો ભૂખ્યો વૃક્ષવેલી જીવજંતુને બાળવા લાગ્યો, તેથી વનમાં પીચ્છલ ઋષિએ તેની દાહકશક્તિ ખેંચી લીધી તેથી તે અગ્નિ પીચ્છલ ઋષીને પગે લાગી કહે : હું સર્વના જઠરમાં રહીને બીજરસને પચાવું છું. માટે શક્તિ ઓછી ન કરો. ઋષિ કહે : તું નિર્દય થઇને સર્વને બાળવા લાગ્યો તેથી શાપ આપ્યો છે. હવે તું શૈલ પર્વતમાં જા. ત્યાં વરાહ ભગવાન શ્વેતરૂપે વાસ કરે છે. પછી પવમાન અગ્નિ ત્યાં ગયો. વરાહ ભગવાનના દર્શન કર્યાં. વરાહ ભગવાન પવનમાનને લઇને કુંકુમવાપી આવી અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન કરાવ્યા. કૃપાસાગર શ્રીહરિએ પવમાન અગ્નિને અમૃત ફળ અને જલ આપ્યું અને શાપ મુક્ત કરી, સર્વ શક્તિયુક્ત કરી અશ્વપટ સરોવરમાં વાસ આપ્યો. ત્યાં પવમાન તીર્થ તથા વરાહ તીર્થ થયેલું છે.