રાયબાલેશ્વર રાજાની વાયુફેનાનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
આ અધ્યાય 211–212 સંયુક્ત છે
શ્રીકૃષ્ણ કહે : રાધા, રાયબાલેશ્વર રાજા માલાવન ઋષિ સાથે આવી પોતાની રાજધાની વાયુફેના નગરીમાં પધારવાની શ્રીહરિને પ્રાર્થના કરી. શ્રીહરિ કુટુંબ, લોમશ ઋષિ, શંકર પાર્વતી સાથે વિમાનમાં બેસી વાયુફેના નગરીમાં આવ્યા. રાજા, પ્રજાએ પુષ્પહારથી સ્વાગત કર્યું. રાજાએ મહેલમાં પધરાવી પ્રભુની પૂજા કરી સુવર્ણહાર પહેરાવ્યો. રત્નો, રૂપિયાની ભેટ આપી. પછી પ્રભુએ કહ્યું : પૂન્ય વિના પ્રભુ મળતા નથી. ભાવના વિના સેવા થતી નથી. શ્રધ્ધા અને ભાવના વિના પ્રભુ રાજી થતા નથી. સર્વ વસ્તુ, પદાર્થ, સંપત્તિ પ્રભુને અર્પણ કરવાથી પ્રભુના કૃપાપાત્ર થવાય છે, તેથી પ્રભુ વશ થાય છે. મારો યોગ સેવા ભક્તિ અને મુક્તિ આપનારા છે. સેવા, ભક્તિ, ધર્મમાં રહેતા ભક્તનું ભગવાન મહાભયથી રક્ષણ કરે છે. મારી સેવામાં રહેલાને સર્વ સુખ પ્રાપ્ત થાય છે. દેવ, પિતૃ, સંત, અતિથિ, અનાથ, સ્ત્રીઓ વગેરેની સેવા કરવી પણ દ્રોહ ન કરવો. બ્રહ્મવેત્તા જ્ઞાની, સંત, વૃદ્ધ, તપસ્વિની સમયે સેવા કરવાથી યશકીર્તિ કલ્યાણ થાય છે. પછી પ્રભુને દૂધપાન, ભોજન કરાવ્યુ. ત્યાં રાણીએ શ્રીહરિની પૂજા કરી, ત્રણ રાજકન્યાએ પ્રભુને વરમાળા પહેરાવી. રાજાએ કરોડો સોના મહોર ભેટ આપી. નરનારીઓએ પૂજા કરી. પછી શ્રીહરિ વિમાનમાં બેસી સાંજે યજ્ઞમંડપમાં આવ્યા. ભોજન કરી રાત્રે વિશ્રામ કરી સવારે જાગી નિત્યકર્મ કરી યજ્ઞમંડપમાં આસને બેઠા.
એકાદશીએ સવારમાં સર્વ ઋષિ-મુનિઓ, વિપ્રોએ આવી સ્વસ્તિવાચન કરી યજ્ઞકુંડમાં હોમદ્રવ્યનો હવિષ્યાન્નથી હવન કર્યો. પછી એકાદશીની વ્રતપુષ્ટિ માટે શ્રીહરિના હાથે સર્વદેવોએ ફલાહાર કર્યો અને મહાતૃપ્તિ પામ્યા. પછી અનાદિશ્રીકૃષ્ણનારાયણ રાજાઓ પાસે વિપ્રોને કરોડો અબજો રૂપિયાના સુવર્ણમહોરના દાન અપાવતા હતા. પ્રભુએ મુખ્ય યજ્ઞકુંડમાં તથા સર્વ રાજાઓએ અન્ય યજ્ઞકુંડમાં પૂર્ણાહૂતિનો હોમ કર્યો. તે સમયે મુક્તો, અવતારો, ઇશ્વરો, સર્વ દેવો, મૂર્તિમાન તથા સ્થાવર-જંગમમાં સર્વ ચરૂ પ્રસાદ ગ્રહણ કરવા ત્યાં મૂર્તિમાન આવ્યા હતા. ત્યાં યજ્ઞકુંડમાં અગ્નિદેવ બે મસ્તક, ચાર કાન, છ નેત્રો, ત્રણ પગ, સાત હાથવાળા, સાત જીભવાળા મૂર્તિમાન ત્યાં આવ્યા. તે અગ્નિના મુખમાં ઘીની ધાર કરી સર્વે અવતારો, ઇશ્વરોના નામ લઇ આહુતિ આપી, તૃપ્તિ પમાડતા હતા. તથા સર્વ દેવો, લોકપાલો, દિક્પાલો તથા દેવીઓ, શક્તિઓ, સર્વે જડચેતન તત્ત્વોના દેવોને આહુતિ આપી તૃપ્તિ કરતા હતા. બ્રહ્મસૃષ્ટિ, ઇશ્વરસૃષ્ટિ, જીવસૃષ્ટિ તથા બ્રહ્માંડવાસી, સાત્વિકી, રાજસી, તામસી, ચારવર્ણ, ચાર આશ્રમો, સાધુ-સાધ્વીઓ, યોગી, બ્રહ્મચારીઓ, સતી, યતિ, સંન્યાસી સર્વેના નામ લઇ અગ્નિમાં આહુતિ આપી તૃપ્તિ પમાડતા હતા. તથા પશુ, પક્ષી, વૃક્ષ, વેલી, કિટ, પતંગ, જીવજંતુ સર્વ આત્માઓને તૃપ્ત કર્યા. દૂધપાક, સાકર, મધ, ફળ, ફૂલ, ઘી, રસ, અમૃત, મિષ્ટાન્ન, ડાંગર, જવ, ઘઉં, તલ, અન્નકણ વગેરે હવિષ્યાન્નનો જમી તૃપ્ત થયેલા સર્વદેવો ઓડકાર ખાતા કહેતા હતા, પૂર્વે આવો યજ્ઞ કોઇએ કર્યો નથી અને કરશે નહિં. તે યજ્ઞનો ધુમાડો ત્રિલોકીમાં વ્યાપી ગયો. પછી સર્વને દક્ષિણાઓ આપી સર્વ દેવો સ્વસ્થાને ગયા. પછી યજ્ઞના વિપ્રોને-આચાર્યોને દાન દક્ષિણાઓ આપી સર્વને સંતોષ પમાડયા. સર્વે અનાથ ગરીબ ભિક્ષુકોને ભોજન આપી દાન આપ્યા.
અનાદિશ્રીકૃષ્ણનારાયણથી તૃપ્ત થયેલા અગ્નિદેવ આશીર્વાદ આપતા હતા કે, આ ભૂમિ સમૃધ્ધિ સુખ, શાંતિ આપનારી થાવ. પ્રજા સર્વે સુખી દીર્ઘજીવી દેવતુલ્ય થાવ. રાજાઓ ન્યાયવાળા, ધનવાન થાવ, કુમાર, કુમારીઓ નીરોગી થાવ, બુધ્ધિશાળી થાવ, સ્ત્રીઓ સૌભાગ્યવાળી થાવ, પશુ દુજાણા, વૃક્ષ રસવાળા થાવ, દેશ દિવ્ય થાવ, માનવો દેવ ગુરુના પૂજન થાવ. એ રીતે અગ્નિદેવે આશીર્વાદો આપ્યા. પછી સર્વજનોએ યજ્ઞભસ્મ ગ્રહણ કરી, સર્વ ભોજનપ્રસાદ લીધો. લ્યો લ્યો દ્યો દ્યો એમ ચારેયકોર પીરસનારાના શબ્દો સંભળાતા હતા. એકાદશીએ અસંખ્યજનોએ અનેક પ્રકારના દાન કર્યા. રાજા-પ્રજાએ કરોડો સુવર્ણના દાન આપ્યા. પછી શ્રીહરિ રાજા-પ્રજા ઋષિમુનિઓ સાથે યજ્ઞને અંતે અવભૃથસ્નાન કરવા નદી, સરોવર સંગમમાં ગયા. ઘી, તલ, ભસ્મ અને આંબળાથી સ્નાન તથા તીર્થજલથી સ્નાન કરવાથી યજ્ઞમાં થયેલી ભૂલદોષ માફ થાય છે, એમ કહી શ્રીહરિએ વિનીપાર સરોવરમાં સ્નાન કર્યું. સર્વ અવતારો, ઇશ્વરો, માનવોએ સ્નાન કર્યું. પછી પુરુષોત્તમ નારાયણ પ્રભુએ યજ્ઞના સર્વે કર્મચારીને સોનાચાંદીના, રૂપિયાના પારિતોષિકો આપ્યા. અનાદિશ્રીકૃષ્ણનારાયણ આચાર્ય કૃષ્ણવલ્લભે સર્વને પારિતોષિકોથી તૃપ્ત કર્યા.