રણંગમ રાજા અને ભક્ત લક્ષ્મણઆર્યની કથા
શ્રીકૃષ્ણ કહે : રાધા, તે રણંગમ રાજાએ સોમનાથનું મંદિર નવું કરાવીને યજ્ઞ કરી બ્રહ્મભોજન કરાવ્યું. અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાનની ઉપાસના ભક્તિથી તે રાજા વિમાનમાં ફરતો. એકવાર વિમાનમાં બેસી દક્ષિણ દિશામાં ગયો. લાક્ષાદ્વિપ, માલદ્વિપ, મુરશેષદ્વિપમાં આવ્યો. ત્યાં મુર નામે અસુર યુદ્ધ કરવા આવ્યો. રાજાએ તેને વારુણ અસ્ત્રથી બાંધીને, અસુરને સમુદ્રમાં ફેંકી દીધો. આગળ જતા મગર જેવા મોંઢાવાળા, પાણીમાં રહેનારા, બરફ શેવાળ ખાનારા માણસ જોયા. આગળ જતા અંતાર્કી દેશમાં એક લક્ષ્મણ નામનો પર્વત જેવો શ્વેત પુરુષ મળ્યો. તેને જોઇને રાજા ભય પામ્યો. પેલો પુરુષ કહે : તારી પાસે દિવ્ય વિમાન, દિવ્ય આયુધ, તારા ભાલમાં તિલક ચાંદલો છે, તેથી તું અનાદિશ્રીકૃષ્ણનારાયણનો ભક્ત લાગે છે. હે ભક્ત તું મારે મહેલ ચાલ, મારો મહેલ પાવન કર. હું શેષનારાયણના વંશનો છું. લક્ષ્મણ મારું નામ છે. હું અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરું છું. તે બાલકૃષ્ણને વસ્તુભેટ આપવી છે માટે તું લેતો જા. મારા પ્રભુના ભક્ત તને નમો નમ: એમ કહી માનવરૂપ, વૈષ્ણવરૂપ ધારણ કરી, રણંગમ રાજાને પૃથ્વીની અંદર રહેલા પોતાના આરસના મહેલમાં લઇ ગયો.
ત્યાં રાજાએ નગરની રચના, શોભાવાડી, બગીચા, નદી, સર્વે જોયું, પછી મોટો સભા મંડપ, તેમાં સિંહાસનમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણની મૂર્તિ જોઇ. તે લક્ષ્મણની સો પત્નીઓ, બે હજાર કન્યાઓ, પાંચ હજાર કુમારો, સર્વે ત્યાં આવ્યા. પછી રણંગમ રાજાને સિંહાસનમાં બેસાડી, કંકુ-ચોખાથી પૂજા કરી અને માલીની કન્યા રણંગમને પરણાવી. પછી રણંગમ રાજાએ સર્વને “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય સ્વામિને સ્વાહા” એ મંત્ર આપ્યો. ત્યાં પ્રભુએ પ્રત્યક્ષ આવી સર્વને દર્શન દીધા. સર્વે શ્રીહરિના દિવ્ય દર્શન કરી અતિ આનંદ પામ્યા. પછી રાજા સાથે લક્ષ્મણઆર્ય તથા તેનું સર્વે કુટુંબ વિમાનમાં બેસીને પૃથ્વીથી બહાર આવી અંતાર્કી દેશ જલપાષાણ દેશ વીંધીને આગળ આકાશમાં જતા હતા.