ભાગ · અધ્યાય ૭૦

જયામઘ રાજાના પૂર્વના છ જન્મોની કથા

શ્રીરાધાજીએ પૂછ્યું : પ્રભુ, જયામઘ રાજાનું પૂર્વજન્મનું વૃતાંત કહો અને તેનો મોક્ષ કેમ થયો ? શ્રીકૃષ્ણ કહે : પૂર્વે ધનુમઘ ઋષિનો પુત્ર કૌશિક થયો. તેનો પુત્ર જયામધ થયો. તે જડ જેવો હતો. તેના પિતાએ ભણવાનું કહ્યું. તેણે ભણવામાં ધ્યાન ન દેવાથી, પિતાએ માર્યું અને પૂછ્યું, તું કેમ ભણતો નથી ? જયામઘ કહે : હું પૂર્વ જન્મમાં જ્યોતિષ જાણનારો હતો. નરનારીઓની હસ્તરેખા જોઇ મોહમાં પડ્યો અને મરણ પામ્યો. સંસારની વાસના રહેવાથી વાઘનો જન્મ આવ્યો. રાજાએ પાળીને રાખ્યો. તે એકવાર રાણી સાથે રજોગુણમાં જવા ગયો, ત્યાં રાજાએ આવી મારી નાખ્યો. વાસનાથી કુંભારને ત્યાં ગધેડાનો જન્મ આવ્યો. એકવાર કુંભાર પત્ની નદીમાં નહાતી હતી, તેને જોઇ હું રજોગુણમાં આવી તેની પાસે ગયો. ત્યાં કુંભારે લાકડી મારી, મારું મરણ થયું. ફરી વાસનાથી પોપટનો જન્મ આવ્યો. વણિક પુત્રીએ મને પાળ્યો. ત્યાં પણ રજોગુણથી મરણ થયું. પછી બળદનો જન્મ આવ્યો. ત્યાં પણ તે જ રીતે મરણ થવાથી મેં તમારે ત્યાં જન્મ લીધો છે.

હે પિતાજી મને પૂર્વના છ જન્મનું જ્ઞાન છે કે, મારે વારંવાર જન્મો કેમ લેવા પડ્યા. માટે આ જન્મે હું જાણીને અંધની જેમ દેખતો નથી. મુંગાની જેમ બોલતો નથી. બહેરાની જેમ કાંઇ સાંભળતો નથી. જીવાત્મા જ્યારે પૂર્વ જન્મનું સ્મરણ કરે, ત્યારે પાપથી પાછો વળે છે. દાન, તપ, ધર્મ, યશ, ચોરી, હિંસા, ક્લેશ આ સર્વે પૂર્વ અભ્યાસને વશ છે. માટે હે પિતાજી, હું વનમાં જઇ તપ કરી પૂર્વના પાપનો ક્ષય કરીશ. એમ કહીને બદ્રીકાશ્રમ તપ કરી પાપ નષ્ટ થવાથી શુભ વાસનાથી શ્રી નગરના કર્કમધ રાજાને ત્યાં જન્મ લીધો અને જયામઘ નામે પ્રસિદ્ધ થયો. પણ પૂર્વ સંસ્કારથી કાંઇ બોલે નહીં. તપસ્વી અને ભક્તિપરાયણ રહેતો, ખાવું-પીવું, રાજ્યભોગ તેમાં જરા પણ રાગ પ્રીતિ વિનાનો સાધુ જીવન ગાળતો. યુવાન થતાં તેના પિતાએ લગ્ન કરાવ્યા પણ સદા ઉદાસ રહી મનમાં અખંડ પ્રભુનું ચિંતવન કરતો.