ભાગ · અધ્યાય ૫૭

યમરાજ દ્વારા આરબીજ દેશનાં રક્તબીજ આદિક દૈત્યોનો સંહાર

શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણની આજ્ઞાથી યમરાજ કાળદંડ લઇને આરબીજ દેશમાં ગયા અને ત્યાં રહેલા રક્તબીજ આદિ દશ હજાર દૈત્યોને યુદ્ધ માટે બોલાવ્યા. સર્વે દૈત્યો ઊટ, પોઠીયા, શિયાળ, નારડા, ગધેડા, પાડા, મગર, કુકડા, ગેંડા, પાડાના વાહન પર બેસી યમરાજ સાથે યુદ્ધ કરવા આવ્યા. મેલીવિદ્યાવાળા તે અસુર દૈત્યોએ અનેક પ્રકારના અસ્ત્રો ફેંક્યા. યમરાજે કાળદંડથી સર્વ શસ્ત્રોનો નાશ કરવા હજારો દંડ ફેંક્યા, જે દૈત્યને અડે તે બળીને ભસ્મ થઇ જાય. એ રીતે યમરાજે દશ હજાર આરબીજ દૈત્યોનો નાશ કરીને મહાન અસુર રક્તબીજ તેનો કાળદંડથી નાશ કર્યો. પછી ત્યાંના અરવ નામના ભક્તને આરબીજનું રાજ્ય આપ્યું. તેના વંશમાં આરવા થયા. ત્યાં નદીમાં પાણીને તળીયે બેઠેલા બકદાન ઋષિએ આ સર્વ સમાધીથી જાણી પાણીથી બહાર આવી યમરાજની સ્તુતિ સત્કાર કર્યાં.

બકદાન ઋષિએ ત્યાં આશ્રમ બાંધી વાસ કર્યો. પછી યમરાજે વિમાન લઇને અશ્વપટ સરોવરકાંઠે કુંકંમવાપીક્ષેત્ર આવી અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન કરી મંત્ર ગ્રહણ કરી, વૈષ્ણવ થઇ શ્રીહરિની આજ્ઞાથી અશ્વપટ સરોવરકાંઠે વાસ કર્યો. નારદ, સનત્, સાથે રુદ્ર, રુદ્રગણ સાથે અશ્વપટ સરોવરકાંઠે પોતાના આવાસો બાંધી વાસ કર્યો. બોંતેર હજાર બ્રહ્માની પુત્રીઓ તે કંભરાલક્ષ્મીને ગોપાલકૃષ્ણને પગે લાગી અનાદિશ્રીકૃષ્ણનારાયણની પૂજા કરી. તે લોમશ ઋષિના આશ્રમમાં શ્રીહરિની આજ્ઞાથી વાસ કરતી હતી અને તે દિવ્ય વિમાન ગોકુલકૃષ્ણના બગીચામાં રહેતું હતું. આ કથા જે વાંચશે, સાંભળશે તેના વિઘ્નો નાશ પામશે. પુણ્યવાન થશે. મલિનતા નષ્ટ થશે અને યમદૂતોનો ભય નહીં રહે.