ભાગ · અધ્યાય ૧૩૨

કાલિમેશ રાજા દ્વારા પંચમ મહાવિષ્ણુયાગ - શ્રીહરિનો ઉપદેશ

શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણ કાલિમા સમુદ્રકાંઠે વિમાન ઉતાર્યું. પચાસ યોજનમાં રહેલા મંડપમાં આવ્યા. ત્યાં સર્વએ જયઘોષ કર્યો અને ચોખા પુષ્પોથી વધાવ્યા. કાલિમેશ રાજા કુટુંબ સહિત સેવામાં રહ્યા. પાંચમે સવારમાં શ્રીહરિ યજ્ઞમંડપમાં આવ્યા. લોમશ ઋષિ, પત્નીવ્રતદ્વિજ તેણે શ્રીહરિનું તથા યજમાન કાલિમેશ રાજાનું કાંડુ બાંધ્યું. યજ્ઞમાં મુખ્ય દેવ અનાદિશ્રીકૃષ્ણનારાયણ હતા તથા મુક્તો, અવતારો, ઇશ્વરો, દેવો- દેવીઓ, મૂર્તિમાન વેદો ત્યાં હતા. પછી શ્રીહરિએ રાજાના હાથે હોમ કરાવ્યો. સાક્ષાત્ અગ્નિ આવીને હવિષ્યાન્ન જમતા હતા. ઋષિ-મુનિઓ મંત્ર જાપ કરતા હતા. લક્ષ્મીનારાયણ સંહિતાનું કથા-શ્રવણ કરતા હતા. શ્રીહરિએ ભોજન ગ્રહણ કર્યા પછી સર્વે ભોજન પ્રસાદ લેતા હતા. મુક્તો, અવતારો, ઇશ્વરો, ઇશ્વરાણીઓ, દેવો-દેવીઓ, બ્રહ્માંડવાસી સર્વે ભોજનપ્રસાદ જમીને તૃપ્તિ પામતા હતા. તે યજ્ઞમાં ઋષિમુનિઓ, સાધુ, બ્રહ્મચારીઓ, યતિ, સંન્યાસીઓ, સતિ, સાધ્વીઓ સર્વે ભોજનપ્રસાદ લઇ યજમાનને આશિર્વાદ આપતા હતા તથા નરનારીઓ દીન-અનાથ, પશુ-પક્ષી, કીટજંતુ સર્વે શ્રીહરિના પ્રસાદથી તૃપ્તિ પામતા હતા. એ રીતે સાત દિવસ સુધી યજ્ઞ કરી પોષ સુદ એકાદશીએ પૂર્ણાહુતિ કરી કાલીમા સમુદ્રમાં અવભૃથ સ્નાન કરવા શ્રીહરિ વગેરે સર્વ ગયા. સમુદ્રમાં યાનિકા નદીમાં, કૂવા સરોવરમાં સ્નાન કરી તીર્થો કર્યાં. પછી પ્રભુના કહેવાથી કાલિમેશ રાજાએ હાથી, અશ્વો, રથ, વિમાન, વાહન, સોના, ચાંદી, હીરા, મોતી, ભૂમિ, ગૃહ, ખેતર, વાડી, અન્ન, વસ્ત્રો વગેરેના દાન આપ્યા. રાત્રે મહાલક્ષ્મી કન્યારૂપે આવી લક્ષ્મીનારાયણ સંહિતાના વ્યાસાસને બેસીને પ્રભુની આજ્ઞાથી લક્ષ્મીનારાયણ સંહિતા વાંચવા લાગ્યા. ત્યારે સર્વે નદીઓ સમુદ્ર પત્નીઓ દેવીઓ આવી મહાલક્ષ્મીની અને કંભરાલક્ષ્મીની પૂજા કરી આરતી ઉતારી ભેટ મૂકી. કંભરાપુત્ર બાલકૃષ્ણના કીર્તનો ગાવા લાગી અને સર્વેએ જાગરણ કર્યું. બીજે દિવસે કાલીમાશ રાજારાણીએ એકસોઆઠ ઉપચારોથી બાલકૃષ્ણની પૂજા કરી આરતી ઉતારી અને પોતાની બસ્સો કન્યાઓ અનાદિશ્રીકૃષ્ણનારાયણને ભેટ કરી તથા ચાર દાંતવાળા હાથી, ગરૂડ દાસ-દાસી આપ્યા. પછી પ્રભુએ પ્રસન્ન થઇને રાજાના મસ્તક ઉપર બંને હાથ મૂકી આશિર્વાદ આપી છાતીમાં ચરણાવિંદ આપ્યા અને પ્રસાદી હાર આપ્યો. રાણીઓને પણ પુષ્પોનો પ્રસાદીનો હાર આપ્યો અને શ્રીહરિએ સર્વને અલૌકિક દિવ્ય દર્શન આપ્યું. સુવર્ણ મુગટ, કુંડળથી શોભતા વસ્ત્ર, આભૂષણોથી શોભતા મુક્તો, અવતારો, ઇશ્વરોથી સ્તુતિ કરાયેલા એવા શ્રીહરિના દિવ્ય દર્શન કરી મહાઆનંદ પામી સૌ પોતાને કૃતાર્થ માનતા હતા.

પછી સર્વે રાજા-રાણીઓએ શ્રીહરિનું પૂજન કર્યું પછી ઋષિ સાધુઓ ભક્તોએ પ્રભુનું પૂજન કર્યું. પછી રાશીયાન દેશની પ્રજા શીબિ રાજાના કામચાટક આલાયુત દેશની પ્રજા સર્વે શ્રીહરિની પૂજા કરવા આવ્યા. રીંગજલ, પક્ષવાત, માલોષ્ટ, સ્કૂટાક્ષ, થુરાયસ કુટલાનસ્વૈર, જેમીયાન વગેરે દ્વિપવાસી માનવો નર-નારીઓએ પ્રભુની પૂજા કરી. ત્યાં આકાશ માર્ગે કોઇ સિદ્ધ પરુષ લાલાસન સાધુ આવી શ્રીહરિને પગે લાગ્યો. પ્રભુએ તેને ભોજન પ્રસાદ આપ્યો. તેણે જમી લીધું ત્યાં આકાશમાં નગારા વાગ્યા. કાલીમેશ રાજાએ આ ચમત્કાર જોઇને પ્રભુને પૂછ્યું, વાજિંત્રો કેમ વાગ્યા ? શ્રીહરિએ કહે : આ લાલાસન યોગી ઘણો સમય કલ્પાંતર સુધી તપ કરી સિદ્ધગતિ દશા પામ્યો હતો. મને પરબ્રહ્મ જાણીને અહીં આવી પ્રસાદ જમ્યો અને તૃપ્તિ પામ્યો. તેથી આ પાંચ યજ્ઞો પૂર્ણ થયા. એક જ સાત્ત્વિક મુક્ત પુરુષ યજ્ઞમાં આવી જમે તો પણ ત્રિલોકી તૃપ્ત થાય છે. પછી તે યોગી આકાશ માર્ગે જતો રહ્યો. જેનું મન અખંડ પ્રભુ મૂર્તિમાં જ રહે છે એવા જડ જેવા દેખાતા ભક્તનું પણ સન્માન પૂજા સત્કાર કરવા જેથી શ્રીહરિ પ્રસન્ન થાય છે.