શ્રીબાલકૃષ્ણ પ્રભુનો તેરમો જન્મજયંતિ મહોત્સવ
શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણના તેરમાં જન્મજયંતિ મહોત્સવમાં પ્રાગજ્યોતિષપુરના ઉષ્ટ્રાલયના અબ્રિક્તના હિમપ્રદેશનાં પ્રાચીનના વૈષ્ણવો, ઋષિઓ, સતી, સાધ્વીઓ સર્વે આવ્યા. મહામંડપમાં ગજાસને બેઠેલા બાલકૃષ્ણને સ્નાન કરાવી, વસ્ત્ર, આભૂષણો, ધારણ કરાવ્યા. સર્વધામોથી ઇશ્વરો, દેવો આવી સુવર્ણના અલંકારો, પુષ્પહાર ધારણ કરાવી આરતી કરી. સર્વે ભક્તોએ, ઋષિ-મુનિઓએ, સાધુ-સાધ્વીઓ, કન્યાઓએ, નરનારી સર્વેએ અનાદિશ્રીકૃષ્ણનારાયણની ષોડ્શોપચારથી પૂજા કરી, આરતી કરી, ભેટો ધરી. પછી માતા-પિતા, લોમશ ઋષિની પૂજા કરી. પછી સર્વેને ભોજન કરાવ્યા. પછી સૌ પોતાને સ્થાને ગયા.
બીજે દિવસે ત્યાં એક શરભ આવ્યો. તે પ્રભુના દર્શન કરી દેહ મૂકી ધામમાં ગયો. તે શરભ પૂર્વે જન્મમાં ગુર્જર દેશનો સમીરણ રાજા હતો. તે દત્તાત્રેય ભગવાનનો શિષ્ય ધાર્મિક ભક્તિવાળો અને પ્રજા પાલન કરનારો હતો. તે એકવાર મૃગયા કરવા ગયો ત્યાં વનમાં પાર્ષ્ણિગૃહ ઋષિના આશ્રમમાં રહેતા મૃગનો બાણથી શિકાર કર્યો. પાર્ષ્ણિગૃહ ઋષિ ત્યાં આવી રાજાને ક્રોધિત થઇ કહ્યું, તને ખબર છે. આ મૃગ રૂપે રહેલા સર્વે બ્રાહ્મણો છે અને તપ કરે છે. તું પાપી વ્યાઘ્રની જેમ મૃગલા મારે છે. મૃગલાઓએ તારું શું બગાડ્યું કે નિર્દોષ પ્રાણીની હત્યા કરે છે. માટે દુષ્ટ જા, શરભ થઇ જા. તેથી રાજા તરત પશુ યોનિને પામ્યો. પછી રાજાએ ઋષિની અતિ પ્રાર્થના કરવાથી, ઋષિએ કહ્યું, અશ્વપટ સરોવર કાંઠે, કુંકુમવાપી ક્ષેત્રમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રગટ થશે. ત્યારે તેના સ્પર્શથી અને પ્રસાદી જલથી તારો મોક્ષ થશે, તે શરભ દત્તાત્રેય ભગવાનનો શિષ્ય હોવાથી તે ગીરમાં સિંહારણ્યમાં વાસ કરતો. ત્યાં દત્તાત્રેય ભગવાન આવી તેને લઇને અશ્વપટ સરોવર આવ્યા. ત્યાં શરભ અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન કરી ચરણામૃત પી દેહ તજી દિવ્યદેહે ધામમાં ગયો. તે અશ્વપટ સરોવરમાં દત્તાત્રેય તીર્થ થયેલું છે.