ભાગ · અધ્યાય ૧૩૦–૧૩૧

શકત્યક્ષિ રાજા દ્વારા ચતુર્થ મહાવિષ્ણુયાગ - શ્રીહરિનો ઉપદેશ

આ અધ્યાય 130–131 સંયુક્ત છે

એકાદશીએ સવારે અનાદિશ્રીકૃષ્ણનારાયણ વિમાનમાં બેસી શકત્યક્ષિ રાજાના રાજ્યમાં આવ્યા. પચાસ ગાઉના મહામંડપમાં ઉત્તમ ગજાસન પર બેઠા. જયઘોષ સાથે વાજિંત્રો વાગવા લાગ્યા. લોમશ આદિ ઋષિઓએ અનાદિશ્રીકૃષ્ણનારાયણ તથા રાજા યજમાન વગેરેના કાંડા બાંધ્યા. શ્રીહરિ રાજાએ અર્પણ કરેલા હવિષ્યાન્નને અગ્નિ મુખ દ્વારા ગ્રહણ કરતા હતા. સાત દિવસ સુધી તે યજ્ઞમાં મુક્તો, અવતારો, ઇશ્વરો, સર્વે દેવો બ્રહ્માંડવાસી સર્વે ભોજન પ્રસાદ પામી તૃપ્તિ પામતા હતા પછી શકત્યક્ષિ રાજાએ શ્રીહરિની સમીપે દાન આપ્યા. પછી દેવાયતન ભક્તે કહ્યું, યજ્ઞને અંતે પૂર્ણાહુતિમાં સ્નાન કરે તેને અવભૃથ સ્નાન કહે છે. તેથી સર્વ યજ્ઞમાં જે કંઇ શ્લોકમાં ભૂલ થઇ હોય તે ક્ષમા થાય છે. યજ્ઞમાં આચાર્યમાં શ્રીહરિ રહે છે. યાજ્ઞિકોમાં અવતારો રહે છે. ઋત્વિગોમાં ઇશ્વરો રહે છે અને અવભૃથ સ્નાનમાં સર્વે તીર્થો રહે છે. તેથી અવભૃથ સ્નાનથી શ્રીહરિમાં સ્નાન દર્શનતુલ્ય ફળ થાય છે. પછી સર્વેએ અનાવરા નદી આલનૌકા નદી અને સમુદ્રના સંગમમાં અવભૃથ સ્નાન કર્યું. તે તીર્થ પુરુષોત્તમ માસ અને બાલકૃષ્ણની મૂર્તિ આ ત્રણ મોક્ષ આપનારા છે. વૈષ્ણવ સાધુઓ, સાંખ્ય યોગિનીઓ અને લક્ષ્મીનારાયણ સંહિતા આ ત્રણ શ્રીહરિની મૂર્તિ છે. બ્રહ્મપત્ની, બ્રહ્મમુક્તો અને કુંકુમવાપી આ ત્રણ બ્રહ્મતીર્થ છે. કંઠમાં તુલસી કંઠી, તુલસી જપમાળા અને પ્રસાદ ભોજન આ ત્રણ અક્ષરધામની પ્રાપ્તિ કરાવે છે. લલાટમાં તિલક, ચાંદલો, ભૂજામાં તપ્તમુદ્રા અને મુખમાં શ્રીહરિનું નામ તે યમદૂતોને નસાડનારા છે. જેની રાત્રિ શ્રીહરિની મૂર્તિમાં ધ્યાનમાં લીન થાય છે. સવારનો સમય પૂજામાં, બપોરનો સમય જ્ઞાનમાં જાય છે તે મુક્ત સ્થિતિને પામેલો છે. અન્નદાનથી, ચાતુર્માસ વ્રતથી, હજારો ગૌદાનથી, વેદાભ્યાસથી જે ફળ થાય તે ફળ તીર્થોમાં સ્નાન કરવાથી થાય છે. એ રીતે શ્રીહરિએ રાજા-પ્રજાને ઉપદેશ આપી મંત્રો આપ્યા અને રાજાને પ્રસાદીનો હાર કંઠમાં પહેરાવ્યો. પછી શ્રીહરિએ સર્વેને કહ્યું, પાંચમો યજ્ઞ પોષ સુદ પાંચમે કાલિમેશ સમુદ્ર કાંઠે થશે. કાલિમેશ રાજાના રાજ્યમાં સર્વે ત્યાં જજો. અમે પણ ત્યાં આવશું. એમ કહીને શ્રીહરિએ શકત્યક્ષિ રાજાના મહેલમાં વાસ કર્યો. ત્યાં સર્વભક્તોએ પ્રભુની પ્રસન્નતા માટે રાત્રિએ ધૂન, કિર્તન, નૃત્ય, રાસોત્સવ કર્યો. પછી પ્રભુ સવારે જાગી નિત્ય વિધિ કરી બે દિવસ રોકાયા.

શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુ પ્રસન્ન થઇ શકત્યક્ષિ રાજાને કહે : તારા યજ્ઞ અને દાન કરવાથી હું બહુ પ્રસન્ન થયો છું અને તને આજ્ઞા કરું છું. તારા રાજ્યમાં મંદિર કરી તેમાં મારી મૂર્તિ રાધા, રમા, લક્ષ્મી, બ્રહ્મવિદ્યા, શ્રી, માણિકી સાથે પધરાવજે. જે રીતે કુંકુમવાપીમાં ધામમાં હુ વાસ કરું છું. એમ અહીં દિવ્ય સ્વરૂપે ભક્તોની ઈચ્છા પૂરી કરવા સેવા ગ્રહણ કરવા કલ્યાણ કરવા વાસ કરીશ. મારી મૂર્તિ સાડા પાંસઠ આંગળ તસુની બનાવજે. મારી જમણી બાજુ લક્ષ્મી, બ્રહ્મવિદ્યા, રમાની મૂર્તિ, સાંઠ તસુ (આંગળની)ની બનાવજે. મારી ડાબી બાજુ રાધા, માણિકી, શ્રીની મૂર્તિ બનાવજે. રાધાની મૂર્તિ સાંઠ તસુની, માણિકીની સતાવન તસુની, રમાની ચોપન તસુની બનાવજે. સર્વ મૂર્તિઓ સોળ વર્ષની યુવાન બનાવજે. મારી મૂર્તિ ચતુર્ભુજ અઢાર વર્ષ યુવાન પુષ્ટ અને પ્રસન્ન મુખવાળી બનાવજે તેને મધ્ય શિખરમાં પધરાવજે. જમણા શિખરમાં બાર વર્ષના ઘનશ્યામરૂપ એવા બાલકૃષ્ણ સાથે મારા માતા-પિતા કંભરાલક્ષ્મી, ગોપાલકૃષ્ણની મૂર્તિ પધરાવજે. ડાબી બાજુના શિખરમાં મારી સુખશય્યાની કરાવજે. મધ્ય શિખર મંદિર સમીપે હાથી અને ગરૂડ સ્થાપજે. ચોકમાં છત્રીમાં મારા ચરણાવિંદ પધરાવજે. દરવાજામાં મારા પાર્ષદો દેવાયતન, રણંગમ શસ્ત્રો સાથે બનાવજે. દ્વારપાલ હેમંત, ભગવંત કરાવજે. સ્વયંપ્રકાશ, દ્યુપ્રકાશ બે સેવક કરાવજે તથા મંદિરના પહેલા ખંડમાં મોટા ભાઇ ભગવાન, પોપટ, વલ્લભ અને બહેન સંતોકને પધરાવજે તથા મંદિર ઉપર બાર ઋષિઓ મેષાયન આદિ તેની મૂર્તિઓ બેસાડજે તથા મંદિરના મુખ્ય મોટા ઘુમટમાં મારી એકસો ચાલીસ પત્નીઓનો રાસમંડળ કરાવજે તથા પુરુષોનો રાસમંડળ જુદો કરાવજે તથા ત્રીજો રાસમંડળ વચમાં મારી મૂર્તિ અને ફરતા બસ્સો ચોવીસ મારી પત્નીઓ એ રીતે કરાવજે. એ પ્રમાણે અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ રાજાને આજ્ઞા કરી પોતાની દિવ્ય મૂર્તિનું દર્શન પત્નીઓ સહિત મંદિર સાથે કરાવ્યું. શ્રીહરિનું દિવ્યદર્શન કરી રાજા કુટુંબ સાથે આશ્ચર્ય પામ્યો. પછી રાજા-રાણીએ પુત્ર-પુત્રીઓએ પ્રભુની પૂજા કરી. રાજાએ પોતાની સાઠ કન્યા શ્રીહરિને અર્પણ કરી કન્યાઓએ શ્રીહરિના કંઠમાં વરમાળા પહેરાવી. રાજાએ અનેક ભેટો આપી. પછી શ્રીહરિ જવાની તૈયારી કરતા હતા. ત્યાં એક પિશાચી સોષી રૂચિ સાથે આવી અને રોવા લાગી.

શ્રીહરિ કહે : તું કોણ છો ? પીશાચી કહે : હું રાજાની મોટી બેન છું. યુવાન વયમાં, અપરિણીત મરી ગઇ અને વાસનાથી વનમાં પિશાચી થઇ. મારી સાથે આ સો પિશાચી પણ વાસનાથી વનમાં મારી સાથે ભટકે છે. પિશાચીએ પોતાના ભાઇ રાજાને કહ્યું અમે યજ્ઞની વાત સાંભળી પણ પહોંચી ન શક્યા. પ્રસાદ પામ્યા નહીં. હવે અમારો મોક્ષ પ્રભુ પાસે કરાવો. રાજા કહે : તમે સર્વે કન્યાઓ પિશાચીપણાને કેમ પામી ? પિશાચી કહે : ક્રોધવાળી, કજીયાળી, દયા વિનાની, અધર્મી, માતા-પિતાની, સેવારહિત, પ્રભુ ભક્તિથી રહિત, કુટુંબને કલંક આપનારી, ઉદ્વેગ કરાવનારી, પોતાનો બીજાનો ઘાત કરનારી, કુટુંબનો ઘાત કરનારી, નિર્દોષ બાળકને મારનારી, ટોલા વગેરે જંતુને મારનારી, પશુ પક્ષીને મારનારી, મદ્યમાંસ ખાનારી, ગર્ભહણનારી તે સર્વે પિશાચીપણાને પામે છે. પછી રાજાએ શ્રીહરિને કહ્યું, હે પ્રભુ આ સર્વનો ઉદ્ધાર કરો. શ્રીહરિએ પ્રસાદી, ચરણામૃત, જલપાઇને સર્વને “કાલમાયાપાપકર્મશત્રુયામ્યકૃહદ્ભયાત્, શુલમીનધ્વજધનુષ્યચક્રસ્વસ્તિકવાન્ અવ, અનાદિશ્રીકૃષ્ણનારાયણ: સ્વામિ પતિશ્ચમે, શ્રીકૃષ્ણવલ્લ્ભ સ્વામી શ્રીહરિ: શરણં મમ” મંત્ર આપ્યા. ત્યાં સર્વ પિશાચી દિવ્ય કન્યારૂપે થઇ અને શ્રીહરિને વરીને વરમાળા પહેરાવી. અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ સર્વને મંગલસૂત્ર આપ્યું અને વિમાનમાં બેસાડીને કાલી માસ રાજાના રાજ્યમાં આવ્યા. આ અધ્યાયનો જે પાઠ કરશે તે મોક્ષરૂપી ફળ પ્રાપ્ત કરશે.