સર્વ દેવો કયાં સાધનથી પ્રસન્ન થાય ? - કોની ઉપાસનાથી કેવી મુક્તિ થાય ?
અશ્વપાટલ રાજાએ પૂછ્યું : ઇશ્વરોનું પૂજન કરનારા લોકમાં, અવતારોનું પૂજન કરનારા ધામમાં, બ્રહ્મનું પૂજન કરનારા બ્રહ્મલોકમાં જાય છે તો સર્વ દેવોને કયા સાધનથી પ્રસન્ન કરવા ?
લોમશ ઋષિ કહે : યજ્ઞથી, પૂજનથી, નૈવેદ્યથી, મંત્રથી, આરાધનાથી, વ્રતથી, સત્યથી, અહિંસાથી, શીલધર્મથી, આત્મસમર્પણથી, માનતાથી, શરણાગતિથી, દાનથી, સ્મરણથી, ઉત્સવથી અને કિર્તનથી દેવો પ્રસન્ન થઇને આ લોકમાં સ્વર્ગસુખ આપે છે. શ્રાદ્ધ, ઉદ્યાપન, પારાયણ, વેદાભ્યાસ, મંદિરમાં પ્રતિષ્ઠા પૂજા ઉત્સવથી ઇશ્વરો, પિતૃઓ પ્રસન્ન થાય છે. ભક્તિ આરાધનાથી, સેવા પૂજાથી, વ્રતથી, આજ્ઞાથી, અર્પણભાવથી તેની કથા શ્રવણ અનન્ય નિષ્ઠા એકતા, અનુવૃત્તિ, સ્મૃતિ તથા તેના ભક્તો નરનારીઓને ભોજન, સેવન, પૂજનથી અવતારો પ્રસન્ન થાય છે અને ઐશ્વર્ય આપી પોતાના ધામમાં લઇ જાય છે. અને હે રાજા, અનાદિશ્રીકૃષ્ણનારાયણ પરમાત્મા તો સર્વોર્પણ ભક્તિથી પ્રસન્ન થાય છે. વિશ્વાસથી, ન્યાસથી, દાસ ભાવથી, સ્થિર સેવાથી, અનુવૃત્તિથી, પૂજન ધ્યાન આત્માર્પણથી, ભાવનાથી, અતિ સ્નેહથી, ભાવથી આવા અનેક ઉપાયથી તે અનાદિશ્રીકૃષ્ણનારાયણ શ્રીકૃષ્ણવલ્લભને પ્રસન્ન કરવા તથા તેના ભક્તો, ભક્તાણીઓને પ્રસન્ન કરવા તથા પ્રાર્થના સ્તૂતિ કરવી કે, સર્વમાં અંતર્યામિપણે રહેલા કંભરાગોપાલ સૂત અનાદિશ્રીકૃષ્ણનારાયણ મારી પર રાજી થાવ. હે હરેકૃષ્ણ, હે બાલકૃષ્ણ, હું તમારો છું. તમે આ લોક-પરલોકમાં મારું રક્ષણ કરજો. હે પ્રભુ મારી દૃષ્ટિમાં તમે અને સર્વ તમારું જ છે. આ રીતે ભગવદ્ દૃષ્ટિથી રહેનારા ભક્તોને માયિકદોષ બંધન કરતા નથી અને કૃપાળુ ભગવાન તેની પર પ્રસન્ન રહે છે અને તે ભક્ત મૃત્યુભયથી રહિત થઇને પરમધામમાં જાય છે. રાગદ્વેષવાળા અજ્ઞાનથી વીંટાએલા, ભાવના રહિત, પ્રભુને નહિં જાણનારા એવા આત્માઓ સ્વર્ગ અને મોક્ષ મેળવી શકતા નથી.
અશ્વપાટલ રાજાએ પૂછ્યું : હે ગુરુ, આત્માના વિવેકથી મુક્તિ કેવી થાય છે ? શ્રીહરિની ઉપાસનાથી કેવી મુક્તિ થાય છે ? યોગાભ્યાસ - ધર્મથી અને ગુરુના આશ્રયથી કેવી મુક્તિ થાય છે તે કહો.
લોમશ ઋષિ કહે : ઇન્દ્રિયો, અંત:કરણ, શરીર, સ્વભાવ, પ્રાણને પંચવિષયથી આત્માને જુદો ચૈતન્ય સચ્ચિદાનંદ જાણે, ત્યારે તેને કર્મક્ષયથી મુક્તિ મળે છે, અને શાંતિ પામે છે અને શ્રીહરિની ઉપાસના ભક્તિથી મુક્તિ મેળવી ધામમાં જાય ત્યારે બ્રહ્મધરામાં સ્નાન કરી, બ્રહ્મશરીર પ્રાપ્ત કરી શ્રીહરિના દિવ્ય આનંદ ભોગને ભોગવે છે. સર્વ ઐશ્વર્યવાળો શ્રીહરિના જેવો થાય છે. તે શ્રીહરિની ઉપાસનાથી શ્રેષ્ટ મુક્તિ કહેલી છે. યોગીઓ યોગથી શ્રીકૃષ્ણની ઉપાસના કરે તો ધામને પામે છે અને ઇશ્વરોની ઉપાસના કરે તો વૈરાજ મહાવિષ્ણુ પ્રકૃતિપુરુષના ધામને, ઇશ્વરોને પ્રાપ્ત કરે છે અને અનેક સિધ્ધિઓ મેળવે છે અને ઇશ્વર જેવો થાય છે, તે યોગાભ્યાસથી મુક્તિ કહેલી છે. અને આલોકમાં ધર્મનું પાલન કરી સ્વર્ગ સત્યલોક વગેરે પ્રાપ્ત કરી પુણ્યનું માયા સુખ ભોગવી ફરી પૃથ્વીમાં જન્મ ધારણ કરે છે. જેમ ખેડૂ ખેતરમાં બીજ વાવી અન્નકણને મેળવી ખાય છે. ફરી વાવી ફરી ખાય, એમ ધર્મથી પુણ્ય પ્રાપ્ત કરી અધોગતિમાં જતો નથી. તેમ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, સર્વ જાતિ જો સર્વક્રિયામાં શ્રીહરિનું ધ્યાન, સ્મરણ, ભજન, ભક્તિ, ઉપાસના રાખે તો તે સર્વની ક્રિયા નિર્ગુણ થાય છે અને મોક્ષ અપાવે છે. શ્રીહરિ વિના કરેલું સર્વ નિષ્ફળ અને દુ:ખ આપનારું થાય છે. તથા શ્રીહરિ અનાદિશ્રીકૃષ્ણનારાયણના સાક્ષાત્ પ્રસંગથી તેના સંત પણ દિવ્ય થઇને અનેકનો મોક્ષ કરે છે. તેવા પ્રત્યક્ષ ભગવાનના સંબંધવાળા સંતપુરૂષ સદ્ગુરુમાં જેવી કુટુંબમાં પદાર્થ સંપત્તિમાં પ્રીતિ છે, તેવી પ્રીતિ કરવી તેથી પણ જીવાત્માનો મોક્ષ થાય છે અને પરમધામની પ્રાપ્તિ થાય છે.