ભાગ · અધ્યાય

શ્રીબાલકૃષ્ણ પ્રભુની નામકરણ વિધિ તેમજ સાણાસુર વધ

શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણને અગિયારમે દિવસે ગોપાલ પિતાએ લોમશાદિ ઋષિઓને બોલાવ્યા અને પ્રભુના નામકરણ કરાવ્યા. ગણેશ, શંકર, માતૃકા પૂજન કરી પછી જન્માક્ષર જોઇને લોમશ ઋષિ કહે, જેનો આદિ નથી, અંત નથી માટે તે અનાદિ. સર્વ અવતારના પતિ, દુ:ખને હરનારા માટે હરિ. દુ:ખને ખેંચી લેનારા તેથી કૃષ્ણ. નર- નારીમાં વાસ કરનારા માટે નારાયણ સર્વ પુરુષોત્તમમાં ઉત્તમ માટે પુરુષોત્તમ. સર્વથી મોટા વ્યાપક તેથી પરબ્રહ્મ. સદા લક્ષ્મીથી યુક્ત માટે શ્રીકૃષ્ણવલ્લભ. સર્વના સ્વામી માટે સ્વામિનારાયણ. આ સર્વે નામોવાળા થશે.

લોમશ ઋષિ કહે : ગોપાલકૃષ્ણ, આ તમારા પુત્ર છત્રવાળા આચાર્ય થશે. જયા, લલિતા, રમા, માણિકી, લક્ષ્મી, પ્રભા, પાર્વતી, મંજુ, હંસા, સગુણા વગેરે અનંત પત્નીઓના સ્વામી પતિ થશે. આ બાળકના હાથમાં મત્સ્ય, ધનુષ, ધ્વજ, સ્વસ્તિક, બાણ, ત્રિશુલ છે. લલાટમાં દીર્ઘ રેખા છે. હૃદયમાં હારની રેખા, ઉદરમાં ત્રિવળી, ડાબા સાથળમાં ખાપાનું ચિહ્ન, ગોઠણ પર લક્ષ્મી ચિહ્ન, ગોઠણ સુધી લાંબા હાથ, ત્રણ ઘુંટીઓ, જમણા સાથળમાં રથ ચિહ્ન છે. ઉદરમાં કુંભની રેખા હોવાથી. આ તમારા પુત્ર અનેક સ્વરૂપો ધારણ કરનારા યોગીરાજ થશે. લિંગમાં શ્યામ તીલ છે. વાણી વેદમયી, શરીર સુંદર હોવાથી, આ તમારા પુત્ર પરબ્રહ્મ પુરુષોત્તમનારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણ સર્વભક્તોના સંકલ્પ પૂર્ણ કરશે તેમજ અનેક નામધારી થશે. એટલું કહીને લોમશ ઋષિએ આશિર્વાદ આપ્યા. પછી કન્યાઓ ગીત ગાવા લાગી. ગોપાલ પિતાએ સર્વે સાધુ, બ્રાહ્મણોને ભોજન કરાવી દાન, દક્ષિણા આપી સર્વેને તૃપ્તિ પમાડ્યા. તે સમયે વાઘના વનમાં પર્વતની ગુફામાં રહેનારો સાણા નામે અસુર તે હિરણ્યઅંડના શરીરના મેલમાંથી જન્મેલો. તે પિતાનું વેર સંભારી અને પ્રભુ પાસે બ્રાહ્મણ રૂપ લઇ આવ્યો. ભોજન કરી, દક્ષિણા લઇને ગયો, બીજે દિવસે શ્રીહરિને મારવા રાત્રે વાઘનું રૂપ લઇને ગામમાં આવ્યો. ગર્જના કરવાથી સર્વે ભય પામ્યા. ત્યાં વાઘ બાલપ્રભુ પાસે આવ્યો.

સર્વજનો પ્રાર્થના કરવા લાગ્યા કે, હે ભગવાન અમારા બાળકનું રક્ષણ કરો. જ્યાં વાઘ પ્રભુને પકડવા ગયો ત્યાં શ્રીહરિએ કિશોર સ્વરૂપ ધારણ કરી આંગળીમાં વીંટી રૂપે રહેલું સુદર્શન ચક્ર મૂક્યું. સૂર્ય જેવું તેજસ્વી, હજાર આરાવાળું, તે ચક્ર જોઇને તે સાણાસુર ભાગ્યો. ચક્ર તેની પાછળ તેને બાળતું હતું. તે દક્ષિણ દિશામાં એક ગાઉં ગયો, ત્યાં સુદર્શન ચક્રે તેને બાળી ભસ્મ કર્યો. તે વાઘના દેહથી નીકળી દૈત્ય ચતુર્ભુજરૂપ ધારણ કરી અનાદિશ્રીકૃષ્ણનારાયણનો જપ કરતો. સુદર્શન ચક્રને પગે લાગી, આકાશમાં અદૃશ્ય થયો. તે અશ્વપટ સરોવર કાંઠે વ્યાઘ્રારણ્ય તીર્થ થયેલું છે. પછી સુદર્શન ચક્ર પણ શાંત થઇને અનાદિશ્રીકૃષ્ણનારાયણની આંગળીમાં વીંટી રૂપે થયું. પછી પ્રભુ પણ સુખ નિદ્રામાં પોઢ્યા. સવારે જાગ્યા ત્યારે વ્યાઘ્રાસુરને મરેલો જોઇને લોમશાદિ ઋષિએ વિઘ્ન શાંતિ કર્મ કર્યું. સર્વજનોએ વાઘનો નાશ થવાથી આ બાળક દૈવી છે એમ જાણ્યું. પછી માતા-પિતાએ સાધુ, બ્રાહ્મણોને અતિથી, બાળકોને ભોજન કરાવ્યા તથા ગાયોના દાન આપ્યા. શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણનું આ ચરિત્ર જે ગાશે સાંભળશે તે પુત્ર ધન સંપત્તિ પામશે. તેના રોગ અને શોકનો નાશ થશે. સૌભાગ્ય વધશે. સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત કરશે. છ માસમાં સર્વ સિદ્ધિ પ્રાપ્ત કરશે.