ભાગ · અધ્યાય ૬૧

શ્રીહરિના ચરણામૃતના પ્રતાપથી ક્રૂરસિંહ રાક્ષસનો સ્વર્ગવાસ

શ્રીકૃષ્ણ કહે : રાધા, ઉદયપુરના રાજા ચાતુર્માસમાં ખંભાત તીર્થ કરવા ગયા. ત્યાં અતિ વરસાદ થવાથી મહી નદીમાં પુરમાં બસ્સો માનવો તણાવા લાગ્યા. ઉદય રાજાએ પ્રાર્થના કરી, હે પ્રભુ અમારું રક્ષણ કરો. અનાદિશ્રીકૃષ્ણનારાયણ આવી સર્વને વહાણમાં બેસાડી કાંઠે ઉતાર્યા. પછી દિવ્ય વિમાનમાં સર્વને બેસાડી સ્તંભતીર્થ, ગોપનાથ, ચમત્કાર પુર વગેરે તીર્થો કરાવી, અશ્વપટ સરોવર, કુંકુમવાપી ક્ષેત્ર આવ્યા. વિમાન અદૃશ્ય થયું. યાત્રિકો આશ્ચર્ય પામ્યા. પછી કંભરાલક્ષ્મી, ગોપાલકૃષ્ણના દર્શન કરી. અનાદિશ્રીકૃષ્ણનારાયણની પૂજા કરી ભોજન પ્રસાદ ગ્રહણ કરી લોમશ ઋષિ પાસેથી સર્વેએ મંત્ર ગ્રહણ કર્યાં. લોમશ ઋષિએ કહ્યું, આ પ્રભુ સર્વત્ર વ્યાપક છે. તેનું સ્તોત્ર બોલવાથી સંસારથી રક્ષા કરે છે.

કવચસ્ત્રોત - બાલકૃષ્ણ પ્રભુ ચક્રથી મારું પૂર્વમાં દિશામાં રક્ષણ કરો. ગદાધર પ્રભુ મારું દક્ષિણમાં રક્ષણ કરો. સારંગ પાણી પ્રભુ પ્રશ્ચિમમાં મારું રક્ષણ કરો. ઋષિકેશ જનાર્દન પ્રભુ ચારે ખૂણામાં મારું રક્ષણ કરો. વરાહ પ્રભુ પૃથ્વીમાં મારું રક્ષણ કરો. નરસિંહ પ્રભુ આકાશમાં મારું રક્ષણ કરો. સુદર્શન ચક્ર, ભૂતપ્રેત, પિશાચ રાક્ષસોનો નાશ કરો. ગદા નિશાચરોનો નાશ કરો. શાંર્ગ કુષ્માંડનો નાશ કરો. શંખ, દૈત્યો, દુષ્ટો, સર્પો, સિંહ, વાઘ, ઝેરી પ્રાણીનો નાશ કરો. પદ્મ દુર્ગંધનો, શત્રુનો, વૈરવૃત્તિનો નાશ કરો. શ્રીહરિના કિર્તનથી મારી ઇન્દ્રિયો, અંત:કરણ, દેહ પવિત્ર થાવ. “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણ સ્વામિને સ્વાહા” એ મંત્ર અને સ્તોત્ર બોલવાથી પ્રભુ સર્વત્ર રક્ષણ કરે છે.

પૂર્વે વટાસીનપુરમાં ક્રૂરસિંહ રાજા અધર્મી અને હિંસક હતો. સર્વની નિંદા કરી સર્વને પીડા કરતો. તે મરીને ઘોર વનમાં રાક્ષસ થયો અને પશુ-પક્ષી મનુષ્યનું ભક્ષણ કરતો. એકવાર નર્મદા કાંઠે જીતશ્રવા બ્રાહ્મણ જતો હતો. તેને રાક્ષસ ખાવા દોડ્યો. વિપ્ર રક્ષાસૂત્ર સ્તોત્ર બોલવા લાગ્યો. તેથી રાક્ષસ જડ જેવો થઇ ગયો. બ્રાહ્મણ આખો દિવસ જપ કરતો બેઠો રહ્યો. પ્રભુના નામમંત્ર સાંભળવાથી રાક્ષસની બુદ્ધિ નિર્મળ થઇ. તેણે બ્રાહ્મણને કહ્યું, મેં પૂર્વે જન્મમાં આજન્મે અનંત પાપ કર્યા છે મારો ઉદ્ધાર કરો. બ્રાહ્મણ કહે : અશ્વપટ સરોવર કુંકુમવાપી ક્ષેત્રમાં અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રગટ થયા છે. ત્યાં જા. તે તારા પાપ બાળીને મોક્ષ કરશે. રાક્ષસ આકાશમાર્ગે કુંકુમવાપી આવ્યો. વ્યાઘ્રારણ્યમાં દશ દિવસ એકવાર આહાર કરતો. એકવાર આહાર ન મળવાથી બ્રાહ્મણે બ્રહ્મચારી બ્રહ્મપ્રકાશને પકડ્યો. બ્રહ્મચારી કહે : મને કેમ પકડ્યો. રાક્ષસ કહે : મને દસ દિવસ થયા ખાવા મળ્યું નથી. તેથી તને પકડ્યો છે. કાં મને ખાવા દે કાં મારો આ રાક્ષસના દેહથી ઉદ્ધાર કર. બ્રહ્મચારી કહે : શ્રીહરિની શરણાગતિ મંત્ર લેવાથી તેનો જપ, ભજન, ભક્તિ, સ્તુતિ કરવાથી સર્વનો ઉદ્ધાર થાય છે. તે અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર અને રક્ષા સ્તોત્ર ગ્રહણ કર. એમ કહીને લોમશ ઋષિ પાસેથી મંત્ર અપાવી શ્રીહરિનું ચરણામૃત પાયું. ત્યાં રાક્ષસનો દેહ પડી ગયો અને દિવ્ય દેહ ધારણ કરી આકાશમાર્ગે સ્વર્ગમાં ગયો.