બાલપ્રભુએ મલેચ્છ જાતિનો ઉદ્ધાર કરી સૌરાષ્ટ્રનાં જનોને સુખી કર્યા
શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણનું એક બીજું ચરિત્ર કહું સાંભળ. સૌરાષ્ટ્રમાં મ્લેચ્છ જાતિના ડફેરો જંગલમાં અને સમુદ્રમાં ફરનારા, ધર્મથી રહિત, હિંસા ચોરી કરનારા, પશુ-પક્ષીનું માંસ ખાનારા, શિકાર કરનારા, ખેતી કરનારા, ખેડૂને પીડા કરનારા, લૂંટી લેનારા, મારી નાખનારા, તે ડફેરો સૌરાષ્ટ્રમાં ચારેકોર ત્રાસ વર્તાવતા હતા. તેથી ભય પામેલા સર્વેજનોએ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિશ્રીકૃષ્ણનારાયણની પાસે આવી નિવેદન કર્યું, હે પ્રભુ આ પાપીઓ અમને અસહ્ય દુ:ખ આપે છે. સર્વેજનોની સ્તુતિ પ્રાર્થના સાંભળી ભગવાન કહે : તેનું ઔષધ કરું છું એમ કહી સુદર્શન ચક્રને સંભાર્યું તથા ગરૂડને, ક્ષેત્રપાળને, કાલિમાતાને તથા અર્ધનારીશ્વર સૈન્યને સંભાર્યું.
સર્વે આવી શ્રીહરિને પગે લાગી કહે : શું આજ્ઞા છે પ્રભુ. શ્રીહરિ કહે : ડફેર જાતિના મ્લેચ્છો ખેડૂને પીડા કરે છે. વસ્તુ ચોરી જાય છે. ખેતીમાં નુકસાન કરે છે. વૃક્ષવેલીનો નાશ કરે છે. એવા પાપીઓનો નાશ કરો અથવા બીજા દેશમાં ભગાડી મૂકો, જેથી અહીંના જનો સુખી થાય. શ્રીહરિની આજ્ઞાથી સુદર્શન ચક્ર, ગરૂડ, હાથી, ક્ષેત્રપાળ, કાલીમાતા વગેરે સર્વે અસ્ત્રો, શસ્ત્રો લઇને, સર્વે ડફેર જાતિને કોઇને મારી નાખ્યા, કોઇને દેશ પાર કર્યાં એ રીતે અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાનની કૃપાથી સૌરાષ્ટ્રમાં સર્વેજનો સુખી થયા. પછી શ્રીહરિની આજ્ઞાથી સર્વે દેવીઓ પાર્ષદો પોતાના સ્થાનમાં ગયા. શ્રીકૃષ્ણ કહે : રાધા, પ્રભુનું આ અલૌકિક ચરિત્ર કહ્યું, તેને જે ગાશે, સાંભળશે તે સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત કરશે.