યોગી કઇ રીતે પરમગતિને પામે ?
અશ્વપાટલ રાજાએ પૂછ્યું : યોગીને પાપ અને પુણ્ય તે ભોગવવું પડે છે ?
લોમશ ઋષિ કહે : યોગી પુણ્ય ભોગવી પછી મોક્ષમાં જાય છે. જો પુણ્ય અને પાપ શ્રીહરિને અર્પણ કરે તો તેનો ધામમાં નિવાસ થાય છે. દોષવાળું, પાપવાળુ, કર્મ પણ જો ભગવાનને અર્પણ કરે તો તે કર્મ અમાયિક થાય છે. પુણ્ય કાર્ય કર્યા પછી તે કર્મફળને ભોગવવાની ઈચ્છા રાખે તો દેવ, ઇશ્વર અને મનુષ્યની ઉચનીચ ગતિ ભોગવે છે. પુણ્ય નહી કરનારો, પરોપકાર નહી કરનારો, પાપી, વીંછી અને સર્પના જન્મને પામે છે. પુણ્ય કરનારો દેવ, ઇશ્વર અને સાધુ થાય છે. પૂર્વે શ્વેત રાજાને અન્નજલના દાન નહીં દેવાથી સ્વર્ગ ન મળ્યું. પછી નારદના કહેવાથી તેના પુત્રે શ્રાદ્ધ કર્યું તેથી તેને અન્નજળ પ્રાપ્ત થયું. એ રીતે સર્વે આત્માઓ પોતાના કરેલા પુણ્યપાપના કર્મને ભોગવે છે. ગુરુની સેવાથી, તપથી, ઇન્દ્રિયો નિગ્રહથી માનવો સિધ્ધીને પામે છે. તેમા ગુરુની કૃપા વિના, જ્ઞાનવિજ્ઞાન વિના, યોગ વિના, સેવા વિના મોક્ષ દુર્લભ છે. માટે હે રાજા માન અપમાનમાં, સમવિષમમાં, સ્તૂતિ નિંદામાં, સુવર્ણ અને લોઢામાં, પ્રિય અને અપ્રિયમાં, સુખ અને દુ:ખમાં જ્યારે સમાન ભાવ થાય છે, ત્યારે તે યોગી સર્વકર્મને કરતો નિર્લેપ રહીને બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત કરી પરમગતિને પામે છે.