સનત ઋષિ દ્વારા જુમાસેમ્લા રાજાને ઉપદેશ
શ્રીકૃષ્ણ કહે : રાધા, અસુરો રાક્ષસોનો નાશ થયો એટલે લાખો રાક્ષસીઓ કાળા પર્વત જેવા છૂટા કેશવાળી તલવાર વગેરે આયુધો લઇ કન્યાઓને મારવા વિમાન પાસે આવી. ત્યાં વિમાનમાં રહેલા કલ્પવૃક્ષમાંથી દશ હજાર કૃત્યાઓ ઉત્પન્ન થઇ અને તે દશ લાખ રાક્ષસીઓનો નાશ કર્યો. પછી કન્યાઓએ કૃષ્ણનારાયણનું સ્મરણ કર્યું. પ્રભુ તરત ગરૂડ પર બેસી આવ્યા. શંકર, સનત, નારદ વગેરેએ પ્રભુની પૂજા કરી અને જુમાસેમ્લા રાજાને ઓળખાણ આપી. રાજાએ પ્રભુની ક્ષમા માગી. સેનાપતિઓ પણ પ્રભુ પાસે આવી પગે લાગી, પોતાના કપટ બદલ ક્ષમા માંગી. અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુએ તે સર્વેને દિવ્યદર્શન આપી મૂર્તિમાં અનંતકોટી, બ્રહ્માંડો, સ્થાવર, જંગમ સર્વ સૃષ્ટિ દેખાડી. રાજાએ પ્રભુ મૂર્તિમાં પોતાનું રાજ્ય દેશ વિમાન સર્વ જોઇ આશ્ચર્ય પામી પ્રાર્થના કરી, હે પ્રભુ સંસારમાં લોભાયેલો હું, મેં તમારો અપરાધ કરી મહાપાપ કર્યું છે, તેથી મારો ઉદ્ધાર કરો. મધ, માંસનું સેવન કરનારા અમને તમારું દર્શન ક્યાંથી થાય. માટે હે પ્રભુ, અમારો ઉદ્ધાર કરી તમારી સેવા આપો. જુમાસેમ્લા રાજાની પ્રાર્થનાથી સનત ઋષિએ ઉપદેશ આપ્યો, રાજા તું ભગવાનની શરણાગતિ સ્વીકારવાથી નિષ્પાપ થયો છે.
પૂર્વે લક્ષ્મીના ચાર સ્વરૂપ થયેલા છે. શ્વેત વસ્ત્રરૂપે, શ્વેત પુષ્પહારરૂપે, શ્વેત હાથી પર બેઠેલા સાત્વિક રૂપે, વેદ કથા યજ્ઞ મંત્રરૂપે રહેલા એવા શ્વેત લક્ષ્મીને બ્રાહ્મણોએ રાખ્યા. લાલવર્ણ, લાલવસ્ત્ર, લાલ અશ્વ પર આરૂઢ રાજસી લક્ષ્મીને ક્ષત્રિયોએ ગ્રહણ કર્યા. પીળા વર્ણ, પીળા વસ્ત્ર, પુષ્પોની માળાવાળા લક્ષ્મી વૈશ્યોએ અંગિકાર કર્યા. નીલવર્ણ, નીલ વસ્ત્રો, નીલ વૃષભ પર બેઠેલા લક્ષ્મીને દાસ્યભાવે સેવારૂપે શૂદ્રોએ ગ્રહણ કર્યાં, તથા પૃથ્વીમાં લક્ષ્મી ચોસઠ કળારૂપે રહીને સર્વને સુખ-શાંતિ, આજીવિકા અને આનંદ આપે છે. જીવાત્મા કર્મને અનુસારે સુખ-દુ:ખ પ્રાપ્ત કરે છે. તેમાં આપત્ત, દુ:ખ આવે ત્યારે ખેદ ન પામવો, શોક ન કરવો અને અતિ સંપત્તિ પ્રાપ્ત થાય તો ફૂલાઇ જવું નહીં. ધનનો નાશ થાય તો મોહ પામવો નહીં. ધન આવે તો દૂષણ પામતા નથી, તે ધીર પુરુષો જ્ઞાની કહેવાય છે. તથા જે પુરુષો સુખ-દુ:ખમાં શ્રીહરિનો આશરો લે છે, તે પુરુષો સંસાર તરી જાય છે. તેથી હે દાનવ આ પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણનો ભક્ત થા, તે તમારા સર્વનું કલ્યાણ કરશે. તારા રાગદ્વેષ સર્વ પ્રભુને અર્પણ કર તો તારે તારા પાપ ભોગવવા નહીં પડે. ચોર રાજા પાસે પોતાના અપરાધની ક્ષમા માગે છે. તો રાજા પ્રસન્ન થઇ તેને દંડ આપતો નથી. તેમ શ્રીહરિને ચરણે સર્વ સમર્પણ કરવાથી, તે દંડ આપતા નથી અને ફરી પાપ ન કરવા આજ્ઞા કરે છે. એવી રીતે સનત ઋષિએ ઉપદેશ આપી રાજાને સેનાપતિઓને અનાદિશ્રીકૃષ્ણનારાયણને પગે લગાડી તેના સર્વ અપરાધ માફ કરાવ્યા. પછી પ્રભુ કહે : મારા સાધુના પ્રસંગથી તમારો દેશ, પૃથ્વી, નદી, તળાવ, વન, પર્વત, સર્વે પાવન થયા છે. પછી જુમાસેમ્લા રાજાએ અનાદિશ્રીકૃષ્ણનારાયણને પ્રાર્થના કરી, હે પ્રભુ તમે અહીં રણમાં ફરીને મરેલા સર્વેનો મોક્ષ કરો અને અહીંની ભૂમિ તીર્થરૂપ બનાવો જેથી ભવિષ્યમાં મુમુક્ષુઓનું કલ્યાણ થાય.