ઉદયપુરના ધીરવીર સરોવરમાં ડુબતા મનુષ્યોનું પ્રભુ દ્વારા રક્ષણ
શ્રીકૃષ્ણ કહે : રાધા, ઉદેપુરનો ઉદય રાજા ધાર્મિક અને ભગવાનનો ભક્ત હતો. તે એકવાર ધીરવીર સરોવરમાં સ્નાન કરી આર્યાયન ઋષિના આશ્રમમાં આવી પગે લાગી બેઠો. ઋષિએ રાજાને ઉપદેશ આપી “ૐ નમ: શ્રીકૃષ્ણનારાયણાય સ્વામિને સ્વાહા” એ મંત્ર આપ્યો. રાજા ઘેર આવી મંત્ર જપ કરતો હતો. ત્યાં શુલ, મીન, ધ્વજ, ધનુષ, ચક્ર, સ્વસ્તિક ચિહ્નોથી શોભતા, રાધા, લક્ષ્મી, પ્રભા, પાર્વતીથી સેવાયેલા મોરલીમનોહર પ્રભુએ દર્શન દીધા. પડખે કંભરાલક્ષ્મી, ગોપાલકૃષ્ણના દર્શન થયા તથા અશ્વપટ સરોવર, કુંકુમવાપી, લોમશ આશ્રમ વગેરે મૂર્તિમાં દર્શન કરીને રાજા અતિ આશ્ચર્ય પામીને સ્તુતિ કરવા લાગ્યો. એકરૂપે, અનેકરૂપે, ગુપ્તરૂપે રહેલા હે પ્રભુ તમને નમસ્કાર. અનેક ચિહ્નોવાળા, અનેક અવતારોને ધારણ કરનારા, દૈત્યોનો નાશ કરનારા, ભક્તોનું રક્ષણ કરનારા, એવા પુરુષોત્તમ નારાયણ તમને નમો નમ: પોતાના ભક્તોને તથા શરણે આવેલા આત્માઓને ધામમાં લઇ જનારા, હે પ્રભુ તમને નમો નમ:.
રાજાની સ્તુતિથી પ્રસન્ન થયેલા અનાદિશ્રીકૃષ્ણનારાયણ કહે : રાજા ઋષિના યોગથી મારા મંત્ર જપથી તને મારું દર્શન થયું. તેથી આ નદી અને ધીરવીર સરોવર મહાતીર્થ થશે અને તે સ્તુતિ કરી, તે સ્ત્રોતનો જે પાઠ કરશે તેની પણ મુક્તિ થશે. તે સમયે અતિ વરસાદ થવાથી નદીમાં પાણી બહુ આવવાથી ઘણા માણસો ડુબવા લાગ્યા. રાજાએ અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુનું સ્મરણ કર્યું. તરત પ્રભુ વહાણ લાવી સર્વે ડૂબતા મનુષ્યોનું રક્ષણ કર્યું.