રાયનવાર્ક રાજાની ચિચાંગોપુરીનગરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ - રાયહંડેશ્વર રાજાની માક્ષિકાપુરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ
શ્રીકૃષ્ણ કહે : રાધા, અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભાદરવા સુદ તેરસે સવારમાં નિત્યકર્મ કરી આસને બેઠા. ત્યાં રાયનવાર્ક રાજા આવી પોતના રાજ્યમાં પધારવાની વિનંતી કરી. સમ્રાટ રાજા રાયકિન્નર તથા રોકીશ્વર, રણજીત, મારીશ, વાયુકક્ષ, બાલેશ્વર, લંબાર વગેરે રાજાઓએ શ્રીહરિને વિદાય આપી. પ્રભુ વિમાનમાં બેસી ચિચાંગોપુરીમાં આવ્યા. રાજાપ્રજાએ સ્વાગત કર્યું. રાજાએ નગરમાં પધરામણી કરાવી. પ્રધાનો, શ્રીમંતો, નરનારીઓએ પુષ્પચંદનથી ચોખાથી, પ્રભુને વધાવી પૂજા કરી. પછી રાજારાણીએ પૂજા કરી. આરતી કરી ભેટ મુકી. સાત રાજકન્યાએ શ્રીહરિને વરમાળા પહેરાવી પછી પ્રભુને ભોજન કરાવી બીજું રાજ્ય સ્વર્લતિકા પુરીમાં પધરાવ્યા. ત્યાં સર્વેને દર્શન આપી પૂજા ગ્રહણ કરી.
ત્યાં રાયહંડેશ્વર રાજાએ પોતાની રાજધાની માક્ષીકાપુરીમાં પધારવા પ્રાર્થના કરી. શ્રીહરિ વિમાનમાં બેસીને સાંજે માક્ષિકાપુરીમાં પધાર્યાં. રાજા પ્રજાએ પુષ્પહારથી સ્વાગત કર્યું. રાજાએ શ્રીહરિને નગરમાં ફેરવી રાજમહેલમાં પધરાવ્યા. ત્યાં સભા કરી પ્રભુએ ઉપદેશ આપ્યો, સુખ માટે જનોએ ધર્મપાલન કરવું. હિંસા, પરપીડા, દ્રોહ, પાપચોરી, અસત્ય, છેતરવું, બીજાની જીવિકા તોડવી, વસ્તુનો નાશ વગેરે અધર્મના કાર્યો ન કરવા. સ્ત્રીઓને, બાળકોને પીડા ન કરવી. દાન, દયા, તપ, સેવા, તીર્થ વગેરે સુખ આપનારા સત્કાર્યોનું સેવન કરવું. શ્રીહરિનો ધર્મ સાંભળી રાજા-પ્રજા સર્વ રાજી થયા. પછી રાજારાણીએ પૂજા કરી. નવ રાજકન્યાએ પ્રભુને કંઠમાં વરમાળા પહેરાવી ત્યાં આવેલા વિરાક ઋષિનો મોક્ષ કર્યો.