જુમાસેમ્લા રાજા અને તેના સેનાપતિઓની પૂર્વ જન્મની કથા
શ્રીરાધાએ પૂછ્યું : હે કૃષ્ણકાંત, તે જુમાસેમ્લા રાજા અને તેના સેનાપતિઓ પૂર્વ જન્મમાં કોણ હતા. જેણે શ્રીહરિની શરણાગતિ સ્વીકારી. શ્રીકૃષ્ણ કહે : રાધા, બ્રહ્માના પુત્ર મનુ. તેનો પુત્ર પ્રિયવ્રત. તેનો પુત્ર સવન થયો. તે પુત્ર વિના મરણ પામી પ્રેત થયો. તેની પત્ની રોવા લાગી. આકાશવાણી કહે : તું રડીશમાં. તું અગ્નિમાં પતિ સાથે ચિત્તામાં બળી પતિને પામીશ. પત્ની કહે : હું મારા માટે નથી રોતી પણ પુત્ર વિના ગતિ નથી, તેથી પુત્ર માટે રુદન કરું છું. આકાશવાણી કહે : તારું કથન સત્ય હશે તો તને પતિ મળશે અને સાત પુત્ર પણ થશે. એટલે રાણી પણ પુત્ર વાસનાથી પતિના શબને ચિત્તામાં લઇ સાથે બળી ગઇ. તરત બંનેના શરીરો દિવ્ય થયા. વિમાન આવ્યું તેમાં બેસી આકાશમાં પાંચ દિવસ રહ્યા, પણ તેના ભાગ્યમાં પુત્ર ન હોવાથી રાજાના શુક્રને ધારણ ન કરી શકી. તેથી ધાતુકણ આકાશમાં ઊડી ગયા. રાજા-રાણી સત્યલોકમાં ગયા. આકાશમાં રહેલી ઋષિ પત્નીઓ સુમાદા, નલિની, પુષ્યતિ, ચિત્રા, હરિતા, અનિલા, વિશાલા તેણે મોતીના કણ જાણી ગ્રહણ કરવાથી તેઓને ગર્ભ રહ્યો.
તેથી ઋષિઓએ તેનો ત્યાગ કરી, હિમાલયમાં મૂકી આવ્યા. તે ઋષિપત્નીઓએ પશ્ચિમ દિશામાં આવી અબ્રિકત દેશમાં બાળકોને જન્મ આપ્યો. ત્યાં બ્રહ્મા આવ્યા અને કહ્યું, આ સર્વે મરૂત દેવો બ્રહ્મક્ષત્રિય બીજ છે, પણ દૈત્યપણાને પામશે અને સર્વે ધાર્મિક ક્રિયાથી રહિત થશે. અનાદિશ્રીકૃષ્ણનારાયણ યુદ્ધ નિમિત્તે અહીં આવશે ત્યારે તેના ચરણામૃતથી પવિત્ર થશે અને તે પુણ્યથી ફરી દેવપણાને પામશે. એમ કહી બ્રહ્મા ઋષિપત્નીઓને લઇને હિમાલયમાં આવી, ઋષિઓને કહ્યું, તમારી પત્નીઓ શુદ્ધ છે, શ્રીહરિની ઈચ્છાથી સર્વે થાય છે. તે ત્રણસો બાળકો તરત યુવાન થયા અને સર્વત્ર ત્રાસ વર્તાવા લાગ્યો. તેમાં સર્વથી મહાન અસુરપણાને પામ્યો હતો તે જુમસેમ્લા નામે થયો અને તેના વંશોમાં લાખો, કરોડો દૈત્યો, અસુરો, મલીન વિદ્યા, અસ્ત્ર-શસ્ત્રોમાં પારંગત થયા. તે સર્વે અનાદિશ્રીકૃષ્ણનારાયણના દર્શન, સ્પર્શ, પ્રસાદ, મંત્ર, શરણાગતિથી પવિત્ર થઇ અને દેવપણાને પામ્યા.