ભાગ · અધ્યાય ૨૩૩

અનાદિશ્રીકૃષ્ણનારાયણ દ્વારા કુંકુમવાપીમાં શરદપૂર્ણિમાએ દિવ્ય રાસોત્સવ

શ્રીરાધા કહે : હે કૃષ્ણકાંત, અનાદિશ્રીકૃષ્ણનારાયણે કુંકુમવાપી જે દિવ્ય ચરિત્રો કર્યા તે લીલા સંભળાવો. શ્રીકૃષ્ણ કહે : રાધા, તું હું અને લક્ષ્મીનારાયણ તે દેખવા માત્ર જુદા છીએ. તે પરબ્રહ્મમાં તારા-મારા જેવા કરોડો અવતારો રહેલા છે. તે કંભરાપુત્ર બાલકૃષ્ણના ચરિત્ર કહું સાંભળ. તે પ્રભુના ચરિત્રો કહેનારા, સાંભળનારા, સ્મરણ કરનારા, સાત્વિક રાજસી, તામસી સર્વજીવાત્માઓ ભક્તિવાળા મુક્તિને યોગ્ય થઇ નિર્ગુણ સ્થિતિ પામે છે. હે રાધા તું નિર્ગુણ છો, હું નિર્ગુણ છું. આ ગોલોકધામ, ગોપગોપીઓ, વૈકુંઠવાસી સર્વે દિવ્ય નિર્ગુણ છે. તે મારા પરમાત્માના ચરિત્રો, ચમત્કારો, ક્રિયા, યોગ તે સર્વ દિવ્ય અને બંધનથી રહિત છે અને મોક્ષ આપનારા છે. આસો સુદ શરદ પૂર્ણિમાએ ચંદ્રોદય થયો ત્યારે પ્રભુપત્ની વિદ્યુતમણિએ બાલકૃષ્ણને કહ્યું કે, હે પ્રભુ અશ્વપટ સરોવરકાંઠે આંબાના બગીચામાં ચંદ્રના તેજમાં અમારે સર્વ બહેનોને તમારી સાથે રાસોત્સવ રમવો છે. હે નાથ, અમારી સાથે રાસ રમી અમને શાંતિ પમાડો.

પત્નીઓની પ્રાર્થના સાંભળી બાલકૃષ્ણ પ્રભુએ મુગટ, કુંડળ, મોરપીંછ, સુવર્ણના વસ્ત્ર, અલંકારો ધારણ કરી, મોરલી વગાડતા સ્નેહ વર્ષાવતા, મુગ્ધા, મધ્યા, પ્રૌઢાને મોહ પમાડતા અશ્વપટ્ટ સરોવરકાંઠે આંબાના બગીચામાં આવ્યા. મોરલીનો નાદ સાંભળી લોમશ આશ્રમમાંથી સર્વે કન્યાઓ લોમશ ઋષિને નમન કરી બગીચામાં આવી. અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાને અનેક પત્નીઓનો સંકલ્પ પૂર્ણ કરવા સો યોજનના વિસ્તારમાં અક્ષરધામ તુલ્ય દિવ્ય બગીચાની રચના કરી. તેમાં પાંચ લાખ સ્ત્રીઓનો એક રાસ ગોઠવ્યો. તેટલા સ્વરૂપો પોતે ધારણ કર્યા. તેવા કેટલાય રાસ ગોઠવ્યા. તેટલા સ્વરૂપે પોતે થયા.

તે રાસમાં સૌરાષ્ટ્રની એકસો ચુમ્માલીસ પ્રભુની પત્નીઓ હતી. તથા દેશ વિદેશથી આવેલી આજનાભી, મેઘનાદી, ષષ્ટિ, માનસા, દીપાવલી, તલાજા, કામધેન્વી, આર્જતિ, ક્રોધનીકા, સૂચી, વનદેવી, રાક્ષસી, કંકતાલી, પિતૃકન્યા, રસાતલની, વાસંતી, સાલમાલી, નાગકન્યા, શાવદીની, ઇન્દ્રજાલી, વિદ્યા, લાક્ષ્મણિ, વૈધસી, વૈશ્વાસુની, જુમાશેલ્મી, સાંતપની, સૌરતી, બાલેશ્વરી, ઐલવીલા, દાક્ષજાવંગરી, પૈત્રિ, પ્રાચિની, સાંતારણી, શૈલી, થાકુંટી, વીરજારી, શક્તિ, આક્ષીકા, પિશાચીની, કાલી, માશી, ઉરલી, કાથડી, પાર્થરાજી, ઉષ્ટ્રાલી, હંકારી, કાષ્ટલી, તીરાણી, આલ્વીનરી, આલ્પકેતિ, પારેશાની, ઇંદુરાયી, મુંદ્રંડી, લીનોર્ણી, બલલીની, વારસિંહી, રાયગામલી, સ્તોકહોમી, કોલકી, ઘ્નિમાની, કીન્નરી, ચેકીશ્વરી, રણજીતી, મારીશી, લંબારી, હુંડેસી, નવાર્કા, કાલીમંડળી, કુપેશી, જેલેશી, પારાવારી, કોટીશ્વરી, સાતીશી, કર્કશી, આંડજારી, બાલ્યરાજી, ગવાક્ષી, ઐશાની, રાયપાતી વગેરે દેશવિદેશની કન્યા જે અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાનમાં મોહ પામીને ભગવાનને વરી હતી તે સર્વે અશ્વપટસરોવરમાં રાસ રમવા આવી. શ્રીકૃષ્ણવલ્લભાચાર્ય સ્વામીએ તે (4,04,55,622) (ચાર કરોડ ચાર લાખ પંચાવન હજાર છસો બાવીસ) સર્વ પત્નીઓ સાથે, અસંખ્ય દેવીઓ સાથે અસંખ્ય સ્વરૂપ ધારણ કરીને અનેક પ્રકારના રાસ રમી સર્વના સંકલ્પ પૂર્ણ કર્યા. દિવ્યાનંદમાં આત્માનંદમાં બ્રહ્માનંદમાં કામાનંદના વિકારો લીન થતા હતા. સર્વકૃષ્ણ પત્નીઓને એવો અનુભવ થયો કે, અમોએ 100 યુગ સુધી ભગવાનનું સુખ લીધું. પછી પ્રભુએ મોરલી વગાડવાથી સૌને સવારનું ભાન થયું. પછી સર્વ બ્રહ્મપત્નીઓ અશ્વપટ સરોવરમાં સ્નાન કરી લોમશ ઋષિના આશ્રમમાં ગઇ. એવા અનાદિશ્રીકૃષ્ણનારાયણનું રાસોત્સવનું આ ચરિત્ર તને કહ્યું પછી પરમાત્માની ઈચ્છાથી તે રાસરમણની, બગીચાની અલૌકિક અક્ષરભૂમિ અદૃશ્ય થઇ.