પીડિત બ્રાહ્મણોને પ્રભુએ પાપમુક્ત કર્યા - સુરતાયન ઋષિનો ઉપદેશ
આ અધ્યાય 77–78 સંયુક્ત છે
શ્રીકૃષ્ણ કહે : રાધા, દેવોનું, ભક્તોનું, ગાય, બ્રાહ્મણનું, રક્ષણ કરનારા અનાદિશ્રીકૃષ્ણનારાયણ ભગવાનનો ચમત્કાર કહું સાંભળ. પૂર્વે પુરાનંગપુરમાં બૃહદ્ચર્યા રાજા ધાર્મિક દેવ-સાધુ સેવા પરાયણ હતો. તેની પત્ની અને બસ્સો કન્યા, ત્રણસો પુત્રો તે સર્વે પ્રભુ ભક્તિ કરતા. એકવાર રાજાએ ફાગણ માસમાં સૂર્ય ગ્રહણમાં તાપીમાં સ્નાન કરી હજારો બ્રાહ્મણોને દાન આપ્યા. દાનમાં હાથી, ઘોડા, ગાય, ભેંસ, ખેતર વાડી, સોનું, ચાંદી, હીરા, મોતી, રૂપિયા વગેરે આપ્યું. રાજાને તે સર્વે ધનસંપત્તિ, અતિ પાપથી પ્રાપ્ત થયેલી હોવાથી, રાજાનું દાન અતિ ભારે હોવાથી, તે બ્રાહ્મણોએ અતિ લોભથી રાજાનું દાન વધુ લેવાથી તથા પોતે બ્રહ્મ, કર્મ, જપ, તપથી રહિત જ્ઞાન, પુણ્યથી રહિત હોવાથી, ભારે દાનને પચાવી ન શકવાથી તે બ્રાહ્મણો નિસ્તેજ, કાળા કોઢવાળા, રોગવાળા, ચાંડાલપણાને પામ્યા. તેનો રોગ મટાડવા કોઇ સમર્થ ન હતાં. તેથી ત્યાં જ તાપી નદીકાંઠે વાસ કરતા અને અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરતા. જ્ઞાની ધ્યાનપરાયણ સિદ્ધપુરુષ સુરતાયન ઋષિ, ધ્યાનમાંથી જાગ્રત થઇ કુંકુમવાપીના ઇશ્વર અનાદિશ્રીકૃષ્ણનારાયણનું ભજન કરતા હતા. સર્વે બ્રાહ્મણો સુરતાયન ઋષિ પાસે આવી દંડવત્ પ્રણામ કરી રોગ મટે, દોષ નાશ પામે તેવી પ્રાર્થના કરી.
સુરતાયન ઋષિએ કહ્યું : હે વિપ્રો, અત્યારે સૌરાષ્ટ્રમાં કુંકુમવાપીમાં પ્રગટ થયેલા અનાદિશ્રીકૃષ્ણનારાયણ પ્રભુની શરણાગતિ લઇ તેની ભક્તિ કરો. કર્મથી, જ્ઞાનથી, ધ્યાનથી, ભક્તિથી તે પ્રભુ પ્રાપ્ત થાય છે. હે બ્રાહ્મણો તમે જે કર્મો કર્યા છે, કરવાના છો તે સર્વે કર્મો પ્રભુને અર્પણ કરતા રહો. તો તે કર્મ અથવા બીજા કર્મો તમને લેપ નહીં કરે. હે વિપ્રો જગતમાં સર્વે નરનારીઓ, બાળકો, યુવાનો, શ્રીહરિનો આશરો કરી સર્વ સમર્પણ શ્રીહરિને કરતા રહે તો તેઓને પણ જગતમાં બંધન થતું નથી, તમે તો બ્રહ્મ કર્મવાળા છો તમને તો કોઇ કર્મ બંધન કરી શકે જ નહીં. મન, વાણી, શરીરથી જે શ્રીહરિનું શરણ લઇ ભજન ભક્તિ કરે છે તે સદા આનંદમાં રહીને પુનર્જન્મ પામતો નથી. જેમ બાળક માટીને લીંપે છે, તેમાં હર્ષશોક પામતો નથી. તેમ તમારે પણ જ્ઞાનથી સર્વ કર્મો માટી સમાન માની તેમાં હર્ષશોક પામવો નહીં. ભમરાઓ જેમ બગીચામાં રહેલા પુષ્પોમાંથી રસમધ લઇ લે છે, પણ તેમાં ચોંટતા નથી. તેમ હે બ્રાહ્મણો તમારે પણ પંચ વિષયને ગ્રહણ કરી તેમાં ઓતપ્રેત થઇ બંધાવું નહીં. પક્ષીઓ વૃક્ષ શાખામાં વાસ કરી આકાશમાં ઊડી જાય છે. તે રીતે યોગીઓ પણ શરીરમાં વાસ કરતા અનેક સ્થાનમાં ફરવા જતાં ક્યાંય બંધન પામતા નથી. આત્મ- તૃપ્તિવાળા બ્રહ્માનંદવાળા યોગીઓ તેથી જ મુક્તિ સ્થિતિમાં વર્તે છે.
સુરતાયન ઋષિએ બ્રાહ્મણોને આવો બ્રહ્મ ઉપદેશ આપી અનાદિશ્રીકૃષ્ણનારાયણનો મંત્ર આપીને ભજન ભક્તિ કરાવ્યા. તાપી નદી કાંઠે વૈષ્ણવ યજ્ઞ કરાવ્યો. સાતમે દિવસે અનાદિશ્રીકૃષ્ણનારાયણ બાલસ્વરૂપે આવી વિપ્રોને દિવ્ય દર્શન આપી કહ્યું, હું પ્રસન્ન થયો છું વરદાન માંગો. વિપ્રો સ્તુતિ કરી કહે : પ્રભુ, અમારા પાપ નષ્ટ કરી તમારી ભક્તિ આપી અંતે ધામમાં લઇ જજો. પછી પ્રભુની આજ્ઞાથી સૂર્યપુત્ર અશ્વિનીકુમારે આવી બ્રાહ્મણોને ઔષધ આપી રોગમુક્ત કર્યા અને પ્રભુને પગે લાગીને સ્વર્ગમાં ગયા. પછી સર્વે વિપ્રોએ શ્રીહરિની પૂજા કરી. તે હરિ તીર્થ થયેલું છે. પછી પ્રભુ કુંકુમવાપી પધાર્યા.