વૈષ્ણવગણો દ્વારા કરોડો રાક્ષસોનો નાશ
શ્રીકૃષ્ણ કહે : રાધા, નારદજીએ રક્તવાર્ધી દૂતને ઉપદેશ આપી શાંતિથી સમજાવ્યો. તે દૂતે મ્લેચ્છ રાજા જુમાસેમ્લા અસુર પાસે જઇ સર્વ વાત કરી. ક્રોધ પામેલો રાજા સર્વે સૈન્ય, અસ્ત્ર, શસ્ત્ર લઇ યુદ્ધ કરવા આવ્યો અને નારદજીને કહે : તમો ભિક્ષુકને, સનતકુમારને, રૂદ્રને, ધર્મદેવને અમારા વંશના ધર્મની શું ખબર પડે. અમારે મ્લેચ્છમાં પિતા એક હોય મા અનેક હોય. તેના પુત્ર-પુત્રીના વિવાહ થાય. એક માના પુત્ર-પુત્રીના વિવાહ ન થાય. હિરણ્યકશીપુની હજારો પત્નીઓ હતી તેના વંશમાં એકબીજા પરણેલા છે. એક પિતાથી ભિન્ન ગર્ભમાં જન્મેલા ભાઇ-બહેન થતા હોય તો પણ પરણે છે. આ અમારો ધર્મ છે. માટે વિમાન અને કન્યા અમને સોંપી દો નહીં તો યુદ્ધ કરો. એમ કહી રણશિંગા ફૂંકાવા લાગ્યા. કૂતરા, ચીબરા, ગધેડા જેવા અવાજો કરી અસુરો દૈત્યો રાક્ષસોને બોલાવી વિમાનને ઘેરી લીધું. ત્યારે રુદ્રે નંદી અને અગ્નિને બોલાવી વિમાનનું રક્ષણ કરવા આજ્ઞા આપી. રુદ્ર આજ્ઞાથી નંદીએ લાખો ગણોને બોલાવી યુદ્ધ માટે તૈયાર કર્યાં. હાથીના મોંઢાવાળા, પર્વત જેવડા, કાળ જેવા, ચાર નેત્ર, ચાર હાથવાળા તે ગણો, દૈત્યો સાથે અસ્ત્રો- શસ્ત્રોથી ઘોર યુદ્ધ કરવા લાગ્યા. પછી વૈષ્ણવગણો, બ્રહ્મગણો, લાખો કરોડો સૂર્ય જેવા તેજસ્વી આવીને દિવ્ય અસ્ત્રોથી, વીજળીઅસ્ત્ર, વાયુઅસ્ત્ર વગેરેથી દૈત્યો, અસુરો, રાક્ષસોનો નાશ કરતા હતા. કુકડાના પીંછા ખેરી નાખે તેમ મ્લેચ્છ સૈન્યોના અવયવો કાપી નાખ્યા. તે સર્વે અસુરો વિમાન પાસે જઇ શકતા નહીં. ત્યાં જતા અગ્નિથી બળતા. એટલે તે અસુર રાજા અતિ ક્રોધ કરી કહે : સર્વ ગણોનો નાશ કરો, કાપી નાખો, મારી નાખો, વિમાનને કન્યાઓને લૂંટી લ્યો. રણસંગ્રામમાંથી પાછું વળવું તે કાયરતા કહેવાય છે, પરંતુ મરેલા, ઘાયલ થયેલા, થાકેલા, સર્વે દૈત્યોને જોઇને સેનાપતિઓ રાજાને કહે : આ ગણો કોઇ રીતે જીતાય તેવા નથી. ત્યાં તો રુદ્ર આજ્ઞાથી મહાપ્રલય જેવો અગ્નિ આવી ચારેકોર ફરવા લાગ્યો. વન, પર્વત, અરણ્ય, નદી, પુર, શહેર, ગામ, સમુદ્રમાં રહેલા દૈત્યો, અસુરો રાક્ષસોનો અગિયાર કરોડ અગિયાર લાખનો નાશ કર્યો. તે સર્વે દૈત્યોના શરીર, માથા, નાડી, કેશ કાંઇ જોવા ન મળ્યું. સર્વે ભસ્મ કરી દીધું. તો પણ અતિ તૃષ્ણાવાળો તે અસુર જુમાસેમ્લા યુદ્ધ કરતા બંધ ન થયો.