ભાગ · અધ્યાય ૨૧૬

વનજ્વાલા રાજાની સાનુજ્યોષ્ટ્રીપુરીમાં પ્રભુની પધરામણી અને ઉપદેશ

શ્રીકૃષ્ણ કહે : રાધા, વનજ્વાલા રાજાએ અનાદિશ્રીકૃષ્ણનારાયણ પાસે આવી પ્રાર્થના કરી. હે પ્રભુ, મારી રાજધાની સાનુજ્યોષ્ટ્રીપુરી પધારો. શ્રીહરિ જવા તૈયાર થયા. કાલીમંડલી રાજા પ્રજાએ વિદાય આપી. શ્રીહરિ વિમાનમાં બેસી કુટુંબ-ઋષિઓ સાથે વનજ્વાલા રાજાના રાજ્યમાં આવ્યા. રાજાએ પુષ્પહાર પહેરાવી સ્વાગત કરી ચરણધોઇ પાણી પીધું. દંડવત્ નમસ્કાર કર્યા. પછી વાજીંત્રો સાથે નગરીમાં પધરામણી કરાવી. પ્રધાનો, શ્રીમંતો, પ્રજાજનોએ શ્રીહરિની રાજમાર્ગમાં, ચોકમાં, દરવાજામાં પુષ્પોથી વધાવી પૂજા કરી ભેટ ધરી. દિવ્યતેજોમય બાલકૃષ્ણને જોઇને સર્વ આશ્ચર્ય પામી કંકુ-ચોખાથી પૂજા કરતા હતા. તે સમયે અનાદિશ્રીકૃષ્ણનારાયણ કોઇને રાધાકૃષ્ણ, કોઇને ચતુર્ભૂજ નારાયણ, કોઇને નરનારાયણ, કોઇને સૂર્ય, કોઇને તપસ્વીરૂપે, કોઇને શેષનારાયણ અને ભક્તમંડળને ધામમાં બ્રહ્મપત્ની મુક્તોથી સેવાતા એવા દર્શન થતા હતા. પછી પ્રભુ રાજમહેલમાં આવી સિંહાસને બેઠા. રાણીએ પૂજા કરી, પાંચ રાજકન્યાએ પ્રભુને વરમાળા પહેરાવી.

શ્રીહરિએ રાજકુટુંબને મંત્ર આપી કહ્યું : મારો શરણાગતિ મંત્ર, આપત્કાળ, મૃત્યુકાળ, યમકાળ, અસદ્ગતીથી રક્ષણ કરે છે. હિમાલયમાં શાલ્મલી મહાવૃક્ષમાં પક્ષીનો આશરો હતો. નીચે છાયામાં પશુ બેસતા. ત્યાં નારદ આવી કહે : તું વાવઝોડામાં કેમ અડગ છો ? શાલ્મલી વૃક્ષ કહે, મને બ્રહ્માનો આસરો - વિશ્વાસ છે. તેથી પવન મને કાંઇ ન કરી શકે. નારદે વાયુ દેવને કહ્યું, વાયુદેવને અભિમાન આવ્યું. તેથી અતિ જોરથી વાવા લાગ્યો.શાલ્મલી વૃક્ષે બ્રહ્માને પ્રાર્થના કરી તેથી બ્રહ્માએ આવી વાયુદેવનું બળ ખેંચી લીધું અને વૃક્ષનું રક્ષણ કર્યું. એ રીતે ભગવાન ભક્તનું રક્ષણ કરે છે. પછી સર્વે નરનારીઓ પ્રભુ પાસે મંત્ર ગ્રહણ કરી કંઠીમાળા લીધી અને પ્રભુની પૂજા કરી ભેટ મુકી.